'ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા, અમારી સાથે રમત રમાઈ ગઈ' ક્ષત્રાણીઓનો ધૂંધવાટ

Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ લગાવ્યો છે ગુજરાત ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર મોટો આરોપ. જાણો શું છે સમગ્ર મામલો...

'ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા, અમારી સાથે રમત રમાઈ ગઈ' ક્ષત્રાણીઓનો ધૂંધવાટ
  • જૌહરની જાહેરાત કરનાર પાંચ ક્ષત્રાણીઓ વતી એક ક્ષત્રાણીએ વીડિયો નિવેદન આપ્યું
  • ક્ષત્રાણીઓએ કહ્યું- ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા 
  • ક્ષત્રાણીઓનો ધૂંધવાટ 'અમારી સાથે રમત થઈ ગઈ' 
  • સંકલન સમિતિ ઉપર ક્ષત્રાણીઓનો વિશ્વાસ ડગમગી ગયો
  • ક્ષત્રાણીઓએ કહ્યું- 'સંમેલન-સભા, રેલીઓ નીકળી, પણ રૂપાલાને કઈ ના થયું'
  • ક્ષત્રિયોના આક્રોશની પણ ન થઈ કોઈ અસર!
  • અક્કડ વલણ સામે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ!
  • શક્તિપ્રદર્શન સાથે પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
  • કાર્યકરો, સમર્થકોના જમાવડાથી રૂપાલાએ બતાવી પોતાની શક્તિ

Rupala Controversy: પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીને પગલે હાલ રાજ્યભરમાં માહોલ ડહોળાયો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે મેદાન-એ-જંગમાં ઉતરી ગયો છે. જેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાત ભાજપના ચાર દિગ્ગજ નેતાઓ પર લગાવ્યો છે મોટો આરોપ. ગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ મીટીંગ યોજવાથી ક્ષત્રિયોને તેમની માંગ સ્વીકારવવામાં તો સફળતા ન મળી પરંતુ, આંદોલનાત્મક કાર્યક્રમોને બ્રેક લાગી જતા રાજકોટમાં રૂપાલા નિર્વિઘ્ને ઉમેદવારી નોંધાવી શક્યા છે.

'એ સમયે અમારી સાથે મોટી રમત થઈ ગઈ' 
જૌહરની જાહેરાત કરનાર પાંચ ક્ષત્રાણીઓ વતી એક ક્ષત્રાણીએ વીડિયો દ્વારા નિવેદન આપીને જણાવ્યુંકે, અમે જૌહર કરવા ગયા ત્યારે ચાર મોટી હસ્તીઓ કે જેઓ ડાયરેક્ટ પ્રધાનમંત્રી મોદીજી સાથે વાત કરી શકે તેવા અગ્રણીઓ અમને મળવા આવ્યાં હતાં. ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાઓએ અમને આવીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, આશ્વાસન આપ્યું હતુંકે, તમે લોકો ચિંતા ના કરશો રૂપાલાની ટિકિટ રદ થશે, બધુ સરખું થઈ જશે, તેવી ખાત્રી આપીને અમને જૌહર કરવાથી રોક્યા હતા. હવે લાગે છેકે, એ સમયે અમારી સાથે મોટી રમત થઈ ગઈ. સંકલન સમિતિ ઉપર અમને પુરો ભરોસો રહ્યો નથી.

'સંમેલન-સભા, રેલીઓ નીકળી, પણ રૂપાલાને કઈ ના થયું'
કચ્છથી એક ક્ષત્રિય મહિલાએ કહ્યું અસંખ્ય સંમેલન થયા, રેલી નીકળી, જંગી સભા થઈ ગમે એટલી સંખ્યામાં ભેગા થયા પણ રૂપાલાનો વાળ પણ વાંકો થયો નથી, ટિકીટ રદ કરાવી શક્યા નથી. ભાજપ ટશનું મશ નથી થયું તેથી સમજી જાઓ કે તેમને ક્ષત્રિયોના મતની જરૂર નથી. આપણે મોટી વાતો કરી પણ આખરે પરિણામ શુ આવ્યું? રુપાલાએ તો ફોર્મ ભરી દીધું. અન્ય એક ક્ષત્રાણીએ કહ્યું કે ભાષણબાજી બંધ કરો અને રિઝલ્ટ લાવો. સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યા છો તો પરિણામ તો લાવો. તમે રાજકોટમાં આટલું મોટુ સંમેલન કર્યું તેમાં માત્ર ભાષણ થયું. પરિણામ ઝીરો. પહેલા લાગતુ કે દરબારની દિકરી સુરક્ષિત છે પરંતુ, હવે કોઈ દિકરી-બહેનો સુરક્ષિત નથી. સિંહો ઠંડાબરફ જેવા થઈ ગયા છે. આ પ્રકારના નિવેદન રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજની મહિલા દ્વારા કરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

વિજય મુર્હૂતની જગ્યાએ લાભ ચોઘડિયામાં રૂપાલાએ નોંધાવી ઉમેદવારીઃ
ઉલ્લેખનીય છેકે, પુરુસોત્તમ રૂપાલાએ ગઈકાલે મંગળવારના રોજ વિજય મુર્હૂતની જગ્યાએ લાભ ચોઘડિયામાં સવા અગિયારથી સાડા અગિયારની વચ્ચે રાજકોટ ભાજપની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભર્યું હતું. રૂપાલા સાથે ડમી ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ઉમેદવારી ફોર્મ ભર્યું તે પહેલા રૂપાલાએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. 

ઉમેદવારી નોંધાવ્યા બાદ રૂપાલાએ પોતાના સંબોધનમાં કર્યો ક્ષત્રિય સમાજનો ઉલ્લેખઃ
સૌરાષ્ટ્ર ભાજપના અનેક દિગ્ગજોએ સંબોધન કરી જંગી બહૂમતિથી રૂપાલાને જીતાડવા માટે હાકલ કરી હતી. તો રૂપાલાએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સભામાં ક્ષત્રિય સમાજના પણ અનેક લોકો જોડાયા હતા. જેમાં કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, સહિત અનેક મોટા નેતાઓ પણ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ ક્ષત્રિયોને ફરી એકવાર અપીલ કરતાં સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news