ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાત સરકારની મોટી ચેતવણી! જાણો આરોગ્ય મંત્રીએ આ બીમારી અંગે શું કહ્યું

Chandipura Virus in Gujarat: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુંકે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાશો નહીં, સાવચેતી જરૂરથી રાખો. બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું.

ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાત સરકારની મોટી ચેતવણી! જાણો આરોગ્ય મંત્રીએ આ બીમારી અંગે શું કહ્યું
  • ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ ૧૯૬૫ માં પ્રથમ કેસ નોંધાયો હતો
  • વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે
  • વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે
  • ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે

Chandipura Virus Alert: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો  રોગ નથી . સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રી એ અનુરોધ કર્યો છે. 

મંત્રીએ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરાના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં ૪ , અરવલ્લી જિલ્લામાં ૩ ,  મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન ૨ દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ ૧૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે. 

જે તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ ૧૨ થી ૧૫ દિવસમાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૬ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે. 

વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ ૪૪૮૭ ઘરોમાં કુલ ૧૮૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. મંત્રીએ આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવા જણાવ્યું છે અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મગજના તાવ (સી.એચ.પી.વી.) નો રોગચાળો તાવ ના લક્ષણો સાથે વર્ષ ૧૯૬૫ માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે.ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news