ગુજરાત માટે પાટીલ કેમ અગત્યના? જાણો ભાજપ હાઈકમાન્ડને શા માટે છે પાટીલ પર સૌથી વધુ ભરોસો

ઝી24કલાકે સૌથી પહેલાં આ સમાચારો પ્રસારીત કર્યા હતાકે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ જ યથાવત રહેશે. પણ સવાલ એ થાય છેકે, ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની બદલી કરી તો ગુજરાતમાં કેમ પાટીલને યથાવત રાખવામાં આવ્યાં? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.

ગુજરાત માટે પાટીલ કેમ અગત્યના? જાણો ભાજપ હાઈકમાન્ડને શા માટે છે પાટીલ પર સૌથી વધુ ભરોસો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સી.આર પાટીલ એવું નામ છે, જેણે ન માત્ર ભાજપ પણ સમગ્ર ગુજરાતના રાજકારણનો નકશો જ બદલી નાંખ્યો અને તેને એક નવી દિશા આપી. પાટીલની ગણતરી આજે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના મોટાગજાના નેતાઓમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં આજે પંજાબ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને તેલાંગણા સહિત ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો બદલી નાંખ્યાં. ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ટર્મ પુરી થતી હોવા છતાં પણ કેમ સી.આર.પાટીલને યથાવત રાખવામાં આવ્યાં? કેમ ગુજરાત માટે આટલા અગત્યના છે પાટીલ? આ સવાલોનો જવાબ જાણવા માટે તમારે એક સામાન્ય માણસથી રાજનીતિના ઉંચા હોદ્દા સુધી પહોંચેલાં અને સફળતાના અનેક કિર્તીમાન સ્થાપિત કરનારા સી.આર.પાટીલ. વિશે જાણવું પડશે.

આજથી ત્રણ વર્ષ પહેલાં 20 જુલાઈ 2020ના રોજ ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલને ગુજરાતની કમાન સોંપી હતી. 21 જુલાઈ 2020ના રોજ પાટીલે કમલમાં વિધિવત રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો ગુજરાતનો ચાર્જ સંભાળ્યો હતો. આમ, પાટીલે તે સમયે ગુજરાતના 13માં પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. હવે તેમની ટર્મ પુરી થવા જઈ રહી હતી. એવામાં રાજકીય વર્તુળોમાં ચર્ચાએ હતી કે, પાટીલ જશે તો તેમના બદલે ગુજરાત ભાજપની કમાન કોને સોંપાશે. જોકે, ભાજપના મોવડી મંડળ દ્વારા પાટીલને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઝી24કલાકે સૌથી પહેલાં આ સમાચારો પ્રસારીત કર્યા હતાકે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ જ યથાવત રહેશે. પણ સવાલ એ થાય છેકે, ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની બદલી કરી તો ગુજરાતમાં કેમ પાટીલની યથાવત રાખવામાં આવ્યાં? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે. આ સવાલનો જવાબ જાણવા માટે તમારે પાટીલની રાજકીય સફર પર નજર કરવી પડશે.

ભાજપ જે ક્યારેય નહોંતું કરી શક્યું તે પાટીલે કરી બતાવ્યું-
ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલે. જે કમાલ કરી બતાવી તે આજ સુધી કોઈ નથી કરી શક્યું. નરેન્દ્ર મોદી ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યાં તેમ છતાં એ કિર્તીમાન તેઓ પણ ન હાંસલ કરી શક્યાં. અહીં વાત થઈ રહી છે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પાટીલે ભાજપને અપાવેલી રેકોર્ડ બ્રેક જીતની. પાટીલની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 વિધાનસભા બેઠકો પર જંગી જીત હાંસલ કરી. આ પ્રકારે રાજનીતિમાં એક નવો ઈતિહાસ રચીને સી.આર.પાટીલે પોતાની કાર્ય ક્ષમતાનો પરિચય આપ્યો. અને તમામ રાજકીય પંડિતોની ભવિષ્યવાણી પાટીલની રણનીતિ સામે ખોટી ઠરી. જેના કારણે હાલ પાટીલ ભાજપ હાઈકમાન્ડના સૌથી ભરોસામંદ નેતા માનવામાં આવે છે.

પાટીલનો જન્મઃ
સી. આર. પાટીલ એટલે કે ચંદ્રકાન્ત રધુનાથ પાટીલનો જન્મ 16 માર્ચ, 1955ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ રધુનાથ પાટીલ અને માતાનુ નામ શ્રીમતિ સરુબાઈ હતું. 1 મે, 1960માં જે સમયે તત્કાલિન બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પાટીલ પરિવાર ગુજરાતમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત થયો.

ગુજરાતમાં અભ્યાસઃ
સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતમાં પોતાનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો અને પછીથી સુરતની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટમાંથી ફીટર-ટર્નરનો અભ્યાસ કર્યો હતો. સીઆર પાટીલના પિતા રઘુનાથ પાટીલ ગુજરાત પોલિસમાં કાર્યરત હતા, તેથી પોતાના પિતા અને અન્ય લોકોને જોઈને વર્ષ 1975માં સીઆર પાટીલે પણ ગુજરાત પોલિસમાં જોડાવવાનો નિર્ણય કર્યો. 6 મે, 1976માં સીઆર પાટીલે લગ્ન કર્યા, તેમની પત્નીનુ નામ શ્રીમતિ ગંગા પાટીલ છે. તેમના પરિવારમાં તેમના સિવાય તેમની પત્ની, 3 દીકરીઓ અને 1 દીકરો અને પુત્રવધુ છે.

પોલીસની નોકરી છોડી સંઘર્ષનો માર્ગ અપનાવ્યોઃ
સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં. આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

રાજનીતિમાં એન્ટ્રીઃ
1989માં સી. આર પાટીલની રાજનીતિમાં એન્ટ્રી થઈ. તેમણે કરેલાં સામાજિક કાર્યોને કારણે તેઓ ખુબ ઝડપભેર આગળ વધતા ગયા. સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓને આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહફાળો આપ્યો. 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. જ્યાં તેમણે વર્ષ 1995થી 1997 સુધી GIDCના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં તેમને GACLના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2009માં સી.આર. પાટીલે નવસારી લોકસભા સીટ પરથી ચૂંટણા લડી અને વિજયી બન્યા, જે બાદ તેમણે નવસારીના સાંસદ તરીકે પદભાર સંભાળ્યો. જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે. આ બાદ તેમની રાજકીય કારકીર્દીએ ગતિ પકડી અને એકબાદ એક તે નોંધનીય હોદ્દાઓ પર કાર્યભાર સંભાળતા રહ્યાં. સી.આર. પાટીલ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા હતા. તેમણે વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

સાંસદ તરીકે અવ્વલઃ
2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

દક્ષિણ ગુજરાતમાં દબદબો ઉભો કર્યો-
સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુ પહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા હતાં. નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે. આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

BJP ના ફંડીગ મેનેજર-
ભાજપના ફંડીગ મેનેજર તરીકે સીઆર પાટીલનું ખૂબ ઊંચુ નામ હોવાનું સામે આવી રહ્યું છે. સુરતના ટેક્સટાઈલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠનોમાં સીઆરનું ઘણું ઉપજે છે. જેથી ચૂંટણી સમયે ભાજપ માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. જેથી રાજકીય રીતે તેમનું કદ ખૂબ ઊંચ થઈ ગયું છે.

PM મોદીના અત્યંત વિશ્વાસુ-
સીઆર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના અને વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા આવ્યા છે. સાથે જ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતની દેશના અન્ય રાજયોની ચૂંટણીમાં સી આર પાટીને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.

પાટીલે કરેલાં પાવરફૂલ કામોઃ
1) સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોમાં જોશ પુરવાનું કામ કર્યું. તો દક્ષિણ ગુજરાતના કાર્યકરો તો પાટીલની વર્કિંગ સ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહ્યું.

2) પાટીલના કારભાર સંભાળ્યા બાદ પહેલી વખત ડાંગ જેવી વિધાનસભામાં પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકોની ચૂંટણી પણ બિન હરીફ રીતે જીત મેળવી હતી.

3) આ સાથે જ સી આર પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટે નવા નિયમોનું ચુસ્ત પણે અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 60 વર્ષથી ઉપરના ને ટિકિટ નહીં, પરિવારના સભ્યોને ટિકિટ નહીં અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદાર ને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો.

4) આ સાથે જ 23 ફેબ્રુઆરી એ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 6માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. તો 2 માર્ચે ના રોજ આવેલા પરિણામમાં ભાજપે 31 જિલ્લા પંચાયત, 205 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકમાં ઐતિહાસિક જીત મેળવી હતી. તો ત્યારબાદ થયેલ મોરવાહડફ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી. તો એક વર્ષેના સમયગાળામાં સહકારી સંસ્થાઓમાં પણ ભાજપનો ડંકો વગાડ્યો છે.

5) ભાજપના ફંડીગ મેનેજર તરીકે સીઆર પાટીલનું નામ ખૂબ ઊંચુ છે. સુરતના ટેક્સટાઈલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠના પ્રશ્નો સુધી અને રાતોરાત સરકાર બદલવાના નિર્ણય સુધી સીઆર પાટીલનું નામ ભાજપ માટે ઘણું જ ફાયદાકારક રહ્યું છે. પોતાની આવડત અને કૌશલ્યને કારણે તે પાર્ટીને જીતતો અપાવે જ છે, સાથે જ ચૂંટણી સમયે ભાજપ માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. જેથી રાજકીય રીતે તેમનું કદ ખૂબ ઊંચ થઈ ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news