હાર્દિક જ નહિ, એક સમયે કોંગ્રેસના આ નેતા પણ હાઈકમાન્ડ સામે બગાવતમાં ઉતર્યા હતા

Gujarat Politics : જેમ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યુ, તેમ ગુજરાત કોંગ્રેસના એક સમયના નેતા અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પાર્ટી સાથેનો બગાવતનો કિસ્સો પણ રોચક છે  
 

હાર્દિક જ નહિ, એક સમયે કોંગ્રેસના આ નેતા પણ હાઈકમાન્ડ સામે બગાવતમાં ઉતર્યા હતા

ચિંતન ભોગાયતા/અમદાવાદ :તાજેતરમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના એક સમયના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે કોંગ્રેસની ખેંચતાણમાં ફરી ચીમનભાઈની યાદ તાજી થઈ ગઈ. ચીમનભાઈ પટેલ અને કોંગ્રેસન ઈતિહાસ રોચક છે. કરીએ તેના પર એક નજર...

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાત વિધાનસભા વિસર્જન પહેલાં જ દિલ્હી કોંગ્રેસ મોવડી મંડળે માજી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરી નાંખ્યા હતા. નવનિર્માણ આંદોલન સમયે મુખ્યમંત્રી પદ હતું તે સમયે ચીમનભાઈ ખુબ જ બદનામ થઈ ગયા હતા. તેમણે તેમની સરકારનું રાજીનામું આપ્યું ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તેઓ ચાલુ છે તેવી તેમણે જાહેરાત કરી અને તે પછી નેતા પદેથી પટેલને હટાવવાની અને પક્ષમાંથી પણ બરતરફ કરવાની માંગ વધુ તીવ્ર બની હતી. 

વર્ષ હતું 1974 નું. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાના એ દિવસો હતા. લોકસભાનું સત્ર ચાલુ હતું. ગુજરાતની બાબતો અંગે લોકસભામાં વિરોધ પક્ષો ધાંધલ ધમાલ કરતા હતા. તે સમયના વડાપ્રધાન ઈન્દિરાજીને ચીમનભાઈ મળ્યા અને ઈન્દિરાજીએ તેમને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજીનામું આપવાની સલાહ આપી હતી. કૉંગ્રેસ મોવડી મંડળ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સ્થાપના નવેસરથી કરવા માગતું હતું. પટેલ પોતાનું રાજીનામું આપવા માટે સંમત થયા અને પોતાનું રાજીનામું એ જ દિવસે એચ.આર.ગોખલેજીને આપી દેશે તેવી ઈન્દિરાજીને ખાતરી આપી. રાત વીતી ગઈ પણ પટેલનું રાજીનામું ગોખલે પાસે ન આવ્યું. આથી તેમણે દિલ્હીમાં ચીમનભાઈની શોધખોળ શરૂ કરી. ચીમનભાઈ પટેલ દિલ્હીમાં તેમના મિત્રને ત્યાં ઉતર્યા હતા ત્યાં ટેલિફોન મેળવીને ગોખલેએ પૂછપરછ કરી. તો ત્યાંથી જવાબ મળ્યો કે પટેલ બપોરના પ્લેનમાં અમદાવાદ ચાલ્યા ગયા છે.

No description available.

ગોખલેને અણસાર આવી ગયા કે કંઈક રમત થઈ રહી છે. એ દિવસોમાં દિલ્હીથી સીધુ અમદાવાદ જવા એક જ વિમાન હતું. માટે ગોખલેએ ઈન્ડિયન એયરલાઈન્સની ઓફિસ પર તપાસ કરાવી કે ચીમનભાઈ અમદાવાદના પ્લેનમાં ગયા છે કે નહીં. ત્યાંથી જાણવા મળ્યું કે ચીમનભાઈ પટેલ અમદાવાદના પ્લેનમાં ગયા નથી. ગોખલેને વધુ શંકા ગઈ. એમને લાગ્યું કે કદાચ તેઓ મુંબઈ ગયા હોય અને ત્યાંથી અમદાવાદ જતા રહેવાના હોય. તેમણે રાત્રે 12 વાગ્યા સુધીના મુંબઈ જતા તમામ પ્લેનમાં ઈન્ડિયન એરલાઈન્સમાં તપાસ કરાવી. પરંતુ મુંબઈની કોઈપણ ફ્લાઈટ માટે પટેલનું ટિકિટ બૂકિંગ થયું નહોતું. આથી ગોખલેને વિશ્વાસ બેસી ગયો કે પટેલ દિલ્હીમાં જ છે. પરંતુ વિધાનસભા કોંગ્રેસ પક્ષનું રાજીનામું આપવા માટે તેઓ મળવા માગતા નથી. 

એ સમયે પટેલ જૂથના તેમના મંત્રીમંડળના કેટલાક સાથીદારો દિલ્હીમાં જ હતા. તેમની કેબિનેટના એક સાથી છબીલદાસ મહેતાએ ઈન્દિરાજી સાથેની ચીમનભાઈ પટેલની મુલાકાત અંગે શું વાતો થઈ તે જાણવા માગ્યું ત્યારે પટેલે સાચી વાત ન જણાવી અને બીજી આડીઅવળી વાતો કરવા લાગ્યા. પટેલને તેમના સાથીદારે સલાહ આપી કે જો ઈન્દિરાજીએ નેતા તરીકેના રાજીનામાની માગ કરી હોય તો તમારે વિના વિલંબે આપી દેવું જોઈએ. પણ ચીમનભાઈ તો એમ જ કહેતા રહ્યા કે ઈન્દિરાજી સાથે આવી કોઈ વાત થઈ જ નથી. 

No description available.

બીજા દિવસે ફ્લાઈટમાં ચીમનભાઈ અમદાવાદ જવા રવાના થયા. તેમણે ગાંધીનગર આવીને કેટલાક સાથીઓ સાથે ચર્ચા કરી. ત્યાં મળેલા બધાએ એવો સૂર વ્યક્ત કર્યો કે પટેલ કાયદેસર રીતે વિધાનસભાના ચૂંટાયેલા નેતા છે માટે દિલ્હી મોવડીમંડળ તેમનું રાજીનામું માગી શકે નહિ. બીજા દિવસે સવારે પટેલ વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને વિધાનસભા સભ્ય તરીકેનું પોતાનું રાજીનામું આપી આવ્યા. હવે પોતે વિધાનસભાના સભ્ય જ રહેતા નહોતા એ સ્થિતિમાં કોંગ્રેસ મોવડી મંડળ હવે નેતા તરીકેનું રાજીનામું કેવી રીતે માંગી શકશે?

આ રીતે કોંગ્રેસ મોવડી મંડળની સલાહને પટેલે અવગણી. એક દિવસ ગોખલે ગાંધીનગર ટેલિફોન કર્યો. ચીમનભાઈ સાથે તેમની વાત થઈ. ચીમનભાઈએ ફોનમાં એમ કહ્યું કે તેઓ નેતા તરીકેનું તેમનું રાજીનામું કોઈક માણસને દિલ્હી રૂબરૂ મોકલીને બીજે દિવસે ગોખલેને પહોંચાડી દેશે. તેમના વિધાનસભાના રાજીનામા પછી એકાદ કલાકમાં જ કોંગ્રેસ મોવડી મંડળે પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા. 

જાણવા જેવું 
ચીમનભાઈ પટેલનો જન્મ 3 જૂન, 1929 ના વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયો હતો. 1967માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. 17 જુલાઇ, 1973માં તેઓ મુખ્યમંત્રી બન્યા. 1974માં નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. તેમણે 9 ફેબ્રુઆરી, 1974 સુધી મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. તેઓ ફરીથી 4 માર્ચ, 1990ના રોજ, જનતા દળ(ગુજરાત)-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. 25 ઓક્ટોબર, 1990માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 34 ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમના અવસાન, 17 ફેબ્રુઆરી, 1994, સુધી જોડાયેલા રહ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news