કોઈ દારૂ પીને પકડાશે તો એમ કહેશે કે ગિફ્ટ સિટીમાં પીધો હતો! ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડાયો

Liquor Now Allowed In Gift City : ગુજરાતના ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને મુલાકાતીઓને સરકારે આપી દારૂ પીવાની છૂટ,,, હોટલ અને રેસ્ટોરેન્ટમાં મળશે ડાઈન એન્ડ વાઈનની સુવિધા,,, વિપક્ષે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
 

કોઈ દારૂ પીને પકડાશે તો એમ કહેશે કે ગિફ્ટ સિટીમાં પીધો હતો! ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડાયો

Gujarat Government Big Decision : મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકાશે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી દીધી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે. સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઈન એન્ડ ડાઇન' ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી પૂરી પાડી શકશે. જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તમને દારૂ પીવાની છૂટ છે. જો તમે ગિફ્ટ સિટીની અધિકૃત મુલાકાતે જવાના છો તો તમે ગિફ્ટમાં દારૂ પી શકો છો. એટલું જ નહીં, ગિફ્ટમાં ચાલતી હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ તમે દારૂ પી શકો છો. તો મહત્વની વાત એ છે કે દારૂબંધી વાળું રાજ્ય ગણાતા ગુજરાતના પાટનગરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ ખૂબ જ મોટો નિર્ણય છે. પરંતુ સરકારના આ નિર્ણયને વખોડવામાં આવ્યો છે. વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તો સાથે જ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા મહાનુભાવોએ પણ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. 

ગાંધીની જન્મભૂમિ, જૈનોની તીર્થ ભુમિ અને ભગવાન સ્વામીનારાયણની કર્મ ભુમિમાં દારૂની છુટથી દુખી 
ગુજરાતમાં પાછલા બારણે દારૂની છુટ આપવાની પૈરવી અંત્યંત દુખદ છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો નિર્ણય સરકાર મુલત્વી કરે તેવી વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે અપીલ કરી. વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગાંધીની જન્મભૂમિ, જૈનોની તીર્થ ભુમિ અને ભગવાન સ્વામીનારાયણની કર્મ ભુમિમાં દારૂની છુટથી દુખી અનુભવું છું. દારૂબંધીના કારણે ગુજરાતનો વિકાસ શાંતિ અને એખલાસ છે. દારૂ બંધીના કારણે જ ગુજરાતમાં નવરાત્રિમાં રાત્રે બે કે ત્રણ વાગે ગરબે રમી યુવતીઓ ઘરે જઇ શકે છે. દારૂ બંધીના કારણે ગુજરાતમાં ઉદ્યોગ પતિઓ ઉદ્યોગોની શરૂઆત કરે છે. ઉદ્યોગપતિઓ જાણે છે કે તેમના મજુર અને કારીગર દારૂના રવાડે નહી ચઢે. દારૂનું દુષણ ન હોવાથી કંપનીમાં આઉટપુટ વધે છે. દારુબંધીના કારણે કોગ્રેસના શાસન દરમિયાન મહત્તમ રોકાણ આવ્યું છે. મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલા ગાંધીનગરની ગીફ્ટ સીટીમાં દારૂની છુટ કઇ રીતે? તેની આજુબાજુ રેસિડન્ટ એરીયા પણ આવેલો છે. જો કોઇ દારૂ પીધેલો પકડાય તો કહેશે કે ગીફ્ટ સીટીમાંથી આવું છું. ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો કે બહારથી આવતો દારૂ બેફામ વેચાય છે. જેના પર કંટ્રોલ કરવો જોઇએ પોલીસની હપ્તા પદ્ધતિ બંધ થવી જોઇએ. ગુજરાતના યુવાનોએ બુદ્ધિમતાએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. જેને દારૂના દુષણના રવાડે ચઢાવવા માંગો છો. ભાજપને સદબુદ્ધી મળે તે માટે ગુજરાતીઓ પ્રયત્ન કરે છે. 

નશાનો કારોબાર કરનારને સરકારે લાલ જામમ પાથરી
તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલના સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર માત્ર દારૂબંધીના અમલનો ડોળ કરે છે. ગુજરાતીઓની નાડ પારખવામાં સરકારે ભૂલ કરી છે. આટલાં વર્ષોના શાસન છતાં દારૂબંધીનો કડક અમલ થયો નથી. નશાનો કારોબાર કરનારને સરકાર લાલ જામમ પાથરી રહી છે. કોંગ્રેસ પક્ષ આ નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરે છે.

 
સંતોની દ્રષ્ટિએ સરકારનો નિર્ણય અયોગ્ય 
તો આ મામલે ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, સંતોની દ્રષ્ટીએ સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. આમાં આધ્યાત્મિક સાધનાનુ સ્તર ડાઉન થશે. આ આધ્યાત્મિક્તાની વાત છે. બે પ્રકારે દુખ દુર થાય છે. દારૂ દ્વારા થાક દુર થશે, પરંતું તે ક્ષણિક દુખ દુર થશે. આજીવન આનંદ પ્રાપ્ત કરવો હોય તો ખુદનો નશો કરો. વ્યક્તિગત અભિપ્રાય નિર્ણય અયોગ્ય છે. ગુજરાત સરકારનો નિર્ણય વિશ્વને ધ્યાને રાખીને કર્યો હોય તો તે સરકારનો નિર્ણય છે. જે લોકો દારૂ પીવે છે દારૂ બંધી હતી તેમ યેનકેન પ્રકારે પી લે છે. ગુજરાતમાં પણ દેશી દારૂના પ્રકરણ બન્યા છે. ન પીનારા લોકો પણ ઉભા થશે અને પીનારા લોકો પણ ઉભા થશે. તમે સર્વે કરો જો સર્વે એમ કહતો હોય તે સ્વાસ્થય સારું થાય. 

ભગવાન સરકારને સદબુદ્ધિ આપે - ગેનીબેન ઠાકોર 
ગાંધીનગરની ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ મામલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂ બંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી તે ખરેખર નિંદનીય છે. કોઈપણ માણસ દારૂ પીને પકડાશે અને ક્રાઈમ કરશે તો એક જ વાત આવશે કે તેને ગિફ્ટ સિટીમાં દારૂ પીધો છે. ગુજરાતના દારૂડિયાઓ અને બુટલેગરોને દારૂ માટે માઉન્ટઆબુ અને અન્ય રાજ્યોમાં જવું પડતું હતું એની જગ્યાએ ગુજરાત સરકારે તેમને ગુજરાતમાં જ વ્યવસ્થા કરી આપીશે. ગુજરાત સરકારે ગુજરાતને કલંક લગાડવા માટેનો જે નિર્ણય લીધો છે તેને અમે વખોડીયે છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય ,બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news