કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
Gujarat Government Big Decision : કચ્છ જિલ્લાના ચાડવા રખાલમાં રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે કેરેકલ-હેણોતરો બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ
Trending Photos
Kutch News : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ (હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ખાતે આયોજીત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી.
સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.
કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિ, ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.
વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવીટીની પણ સંભાવના ધરાવે છે.
આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પુર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે