પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ, બ્રિજ બાદ હવે મંદિરનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડશે?

Pavagadh Temple Tragedy :  પાવાગઢ દુર્ઘટના મામલે પોલીસ ફરિયાદ બાદ તપાસ અહેવાલ તૈયાર કરાશે... નવીનીકરણ કરાયેલા તમામ સ્ટ્રક્ચરની ચકાસણી કરાશે 
 

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ, બ્રિજ બાદ હવે મંદિરનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પડશે?

Panchmahal News પંચમહાલ : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં માંચી ખાતે વિશ્રામ કુટીરના પથ્થરો ધરાશાયી થવાથી ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે જે ઢાંચો ધરાશયી થયો હતો, તે પથ્થરના સેમ્પલ લેબમાં મોકલાશે. પોલીસ દ્વારા પણ એફએસએલ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ઘટના અંગે તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર મામલે તપાસ કરશે. 

ગઈકાલે ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળને બેરીકેટિંગ કરી પ્રવેશબંધી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અહેવાલ તૈયાર કરવામાં આવશે. પાવાગઢનું નવીનીકરણ કરનાર એજન્સીએ જ આ દુર્ઘટનાગ્રસ્ત સ્ટ્રક્ચર બનાવ્યુ હતું. ત્યારે નવા બનાવાયેલ તમામ સ્ટ્રક્ચરની પણ ચકાસણી કરાશે. 

બન્યું એમ હતું કે, માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા.

ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો. ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોનું સ્થાનિકોએ  રેસ્ક્યૂ કર્યુ છે. આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news