બપોર બાદ ધીમુ પડ્યું મહાનગરપાલિકાનું મતદાન, રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન
Trending Photos
- ઓછું મતદાન થતા ભાજપમાં દોડધામ વધી, ઉમેદવારોએ કાર્યકર્તાઓને મતદાન બુથ સુધી લાવવા તજવીજ શરૂ કરી
- મતદાન કરવામાં સૌથી વધુ ઉત્સાહ વૃદ્ધ મતદારોમાં જોવા મળ્યો, કપરામાં કપરી સ્થિતિમાં આવીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. તમામ મહાનગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગેની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. આ માટે ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી આયોગની કચેરીમાં ખાસ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાં 6 મહાનગર પાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારીથી RO and ARO સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. પરંતુ બપોર બાદ મતદાનના આંકડા પર નજર કરીએ તો, સાવ મંદ ગતિએ મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી માત્ર 23 ટકા મતદાન થયું છે. બપોર બાદ મતદાનની અત્યંત ધીમી ગતિથી રાજકીય પક્ષોનું ટેન્શન વધી ગયું છે. તો બીજી તરફ ભાજપમાં દોડધામ વધી ગઈ છે. ઉમેદવારોએ કાર્યકરોને મતદારોને બુથ સુધી લાવવા તજવીજ શરૂ કરી દીધી છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં 21.83 ટકા મતદાન
રવિવારના રજાની અસર મતદાનમાં દેખાઈ. બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ મતદાન 21.83 નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 18.58%, રાજકોટમાં 22.70%, સુરતમાં 23.58%, વડોદરામાં 23.47%, ભાવનગરમાં 23.91% અને જામનગરમાં 28.05% મતદાન થયું છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 28.05 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે કે સૌથી ઓછું અમદાવાદમાં 18.58 ટકા મતદાન થયું છે.
મતદાનની અપીલ કરવા ભાજપમાં મેસેજ અભિયાન શરૂ
ચૂંટણીમાં મતદાનની અત્યંત ઓછી ટકાવારીનો મામલો સામે આવ્યો છે. રવિવાર હોવાથી અનેક મતદારો રજાના મૂડમાં જોવા મળ્યા. જેની સીધી અસર મતદાન પર જોવા મળી. અત્યંત ઓછા મતદાનની અસર જોવા મળી. ત્યારે ભાજપ દ્વારા કવાયત શરૂ કરાઈ. સોસાયટીઓના હોદ્દેદારો દ્વારા વોટ્સએપ મેસેજ શરૂ કરવામાં આવ્યા. પોતાના સભ્યોને મતદાન કરવા માટે સતત મેસેજ કરવામાં આવી રહ્યાં છે. મતદાન કરવા ભાજપમાં મેસેજ અભિયાન શરૂ કરાયું.
બપોરે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. નરેશ પટેલ બરદાનવાલા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા. નરેશ પટેલ લેઉવા પટેલ સમાજના અગ્રણી છે. તો અમદાવાદના વોર્ડ નંબર 39 અમરાઈવાડીની વિવેકાનંદ સ્કૂલમાં 80 વર્ષના અરુણાબેન બિપીનચંદ્ર પંડ્યા મતદાન કરવા પહોંચ્યા હતા. અરુણાબેન પોતે શારીરિક અશક્ત હોવા છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવતા લોકોએ તેમના જુસ્સાને બિરદાવ્યું હતું. લોકો મતદાન અવશ્ય મતદાન કરે તેવું ઉદાહરણ તેમણે પૂરુ પાડ્યું હતું.
બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાન
- અમદાવાદ 19 ટકા
- રાજકોટ 20 ટકા
- વડોદરા 22.30 ટકા
- સુરત 20 ટકા
- ભાવનગર 21 ટકા
- જામનગર 23.50 ટકા
મતદાન બાદ ભાજપના નેતા ક્રિકેટ રમ્યા
રાજકોટમાં મતદાન બાદ ભાજપ શહેર પ્રમુખ અને વૉર્ડ 9ના ઉમેદવાર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. હજી આજે મતદાન થઈ રહ્યું છે, પરિણામ આવ્યું નથી, ત્યારે પરિણામ પહેલા જ ભાજપ નેતાઓ ક્રિકેટ રમ્યા હતા. ક્રિકેટની મજા માણતા ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ઉમેદવાર પુષ્કર પટેલ ક્લિક થયા છે.
વડોદરામાં દિવ્યાંગ મતદારોની મદદે આવી પોલીસ
વડોદરામાં દિવ્યાંગ મતદારોના વહારે પોલીસ આવી હતી. દિવ્યાંગ મતદારોને પોલીસ જવાનો વ્હીલચેર પર બેસાડીને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી રહેતા દેખાયા હતા. દિવ્યાંગ મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચતા જ પોલીસ જવાનો તેમને મદદરૂપ થઈ રહ્યાં છે. ત્યારે પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે. સરકારી ટેકનિકલ સ્કૂલમાં આવેલ મતદાન કેન્દ્રમાં દિવ્યાંગ મતદારોને પોલીસ મદદ કરી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં બે-ત્રણ કલાક બાદ ઉત્સાહ જોવા મળ્યો હતો, જો કે સવારમાં નિરસ વાતાવરણ રહ્યું હતું. પરંતુ દસ વાગ્યા બાદ ઉમેદવારો ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ભાવનગરના સરદાર નગર વકીલ વોર્ડમાં હોલમાં 90 વર્ષના વૃદ્ધ વૈજ્ઞાનિકે મતદાન કર્યું હતું. ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલા ડોક્ટર મહેશભાઈ ભટ્ટે આજે મતદાન કર્યું હતું . તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી છે, ત્યારે આ મહાપર્વમાં દરેક લોકોએ મતદાન કરવું જરૂરી છે. તેઓની સાથે તેમના 89 વર્ષના પત્નીએ પણ મતદાન કર્યું હતું.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 માં આજ રોજ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં એક વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ ચાલી ન શકતા હોવાના કારણે તેની સાથે એક વ્યક્તિ પણ હાજર રહ્યા હતા અને ઘોડીના સહારે મતદાન મથક તરફ પહોંચીને ટેકાના સહારે મતદાન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે