ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ
Trending Photos
- ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ
- કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જનતાના જનાદેશનો સ્વીકાર છે
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં ત્રણ દિવસ પહેલા યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામો આવ્યા છે. આ વખતની મનપા ચૂંટણીના પરિણામોએ એકદમ નવી સમીકરણો બનાવ્યા છે. ઓવરઓલ જોઇએ તો રાજ્યની તમામ 6 મનપામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જે રીતે દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, તેનો વધું એક પરચો ગુજરાત મનપાની ચૂંટણીમાં જોવા મળ્યો છે. આ તરફ આમ આદમી પાર્ટી (AAP) ની ગુજરાતના રાજકારણામાં એન્ટ્રી થઇ છે. સુરતમાં 27 સીટો પર આપનો વિજય થયો છે. જેની સામે સુરત (Surat) માં કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલવામાં પણ સક્ષમ રહી નથી. તો આ તરફ અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી (AIMIM) એ 7 સીટો પર વિજય મેળવીને ગુજરાત (Gujarat) માં એન્ટ્રી કરી છે. તો સૌરાષ્ટ્રના જામનગરમાં બસપાએ પાંચ સીટો સાથે ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલ્યું છે. ભાજપે 483 સીટ મેળવી છે, તો કોંગ્રેસ માત્ર 55 સીટમાં સમેટાઈ ગઈ છે.
ગુજરાતાની ગત 2015ની મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal Election) ની વાત કરીએ તો, 2015ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 6 મનપાની કુલ 390 બેઠક પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે 175 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તો વર્તમાન મનપાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની મનપાની કુલ 483 બેઠકો પર જીત મેળવી છે. તો કોંગ્રેસ (gujarat congress) માત્ર 55 સીટો પુરતી સિમિત રહી ગઇ છે. રાજ્યમાં 6 મનપાની કુલ 576 સીટો માટે ચૂંટણી યોજાઇ હતી. ભાજપે તમામ 6 મનપામાં 2015ના વર્ષની સરખામણી ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે. જ્યારે તમામ શહેરોમાં કોંગ્રેસની નાવ ડૂબી છે.
આ પણ વાંચો : ‘દીકરીઓને તેના લૂકથી જજ કરવાનું બંધ કરો...’ યુવતીએ કેન્સર પીડિતો માટે વાળ દાન કરીને આપ્યો આ મેસેજ
હારમાંથી શીખ લઈને ફરીથી લડીશું
ગુજરાતની 6 મનપામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો. ત્યારે કારમી હાર બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જનતાના જનાદેશનો સ્વીકાર છે. શહેરી વિસ્તારમાં સંગઠન વધારવા ચર્ચા કરીશું. ફરી વિશ્વાસ જાગે તેવી લડાઈ લડીશું. હારમાંથી શીખ લઈ ફરી લોકોના હકની લડાઈ લડીશું. તો પંચમહાલના ગોધરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મહાનગર પાલિકામાં કોંગ્રેસની થયેલી કારમી હાર મુદ્દે આપ્યું નિવેદન આપતા કહ્યું કે, આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ વિચાર વિમર્શ કરશે. ઓછું મતદાન પણ કોંગ્રેસની હાર પાછળનું પરિબળ હોવાનું જણાવ્યું. આ સાથે જ આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સારા પ્રદર્શન સાથે જીત નોંધાવશે તેવો દાવો કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે પોતાની લાગણી અને માંગણી યોગ્ય રીતે રજુ કરી હોત તો વધુ સારું પ્રદર્શન કરી શકાયું હોત.
2015ના પરિણામ સાથે સરખામણી :
- અમદાવાદ
અમદાવાદની વાત કરીએ તો 2015ના વર્ષમાં 192માંથી ભાજપને 142 બેઠક મળી હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 49 બેઠક ગઈ હતી. એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે 159 બેઠક કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસ માત્ર 25 બેઠકો પુરતી સિમિત થઇ છે. એટલે કે ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને 17 બેઠકો વધારે મળી છે. તો કોંગ્રેસે પોતાની 24 બેઠકો ગુમાવી છે.
- રાજકોટ
રાજકોટની વાત કરીએ તો 2015ની ચૂંટણીમાં કુલ 72માંથી 38 બેઠકો પર ભગવો લહેરાયો હતો, જ્યારે 34 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપે 68 બેઠક જીતી. જ્યારે કોગ્રેસે 4 બેઠક જીતી આ વખતે રાજકોટમાં ભાજપે 30 બેઠકોના વધારા સાથે જંગી વિજય મેળ્યો છે. તો 2015માં જે કોંગ્રેસ પાર્ટી બહુમતિથી માત્ર 3 સીટો દૂર હતી તેનું આ વખતે 30 સીટો પર ધોવાણ થયું છે.
- જામનગર
જામનગરમાં 2015માં કુલ 64માંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી અને 2 બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. તેની સામે આ વર્ષે 12 બેઠકના વધારા સાથે ભાજપે 50 સીટો મેળવી છે અને તેની સામે કોંગ્રેસે 13 બેઠકો ગુમાવી છે. કોંગ્રેસને જામનગરમાં 11 બેઠક મળી. ખાસ વાત એ છે કે ત્રણ બેઠક પર બસપાનો વિજય થયો છે.
- ભાવનગર
ભાવનગરમાં ગત મનપાની ચૂંટણીમાં 52માંથી 34 બેઠક પર કમળ ખિલ્યું હતું. જ્યારે કૉંગ્રેસના ફાળે 18 બેઠક ગઈ હતી. આ વર્ષે 10 બેઠકના વધારા સાથે ભાજપે 44 બેઠક પર વિજય મેળવ્યો છે, કોંગ્રેસને 8 બેઠક મળી. કોંગ્રેસની 10 સીટોમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો : કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભૂંડી રીતે હાર્યા
- વડોદરા
સંસ્કારી નગરી વડોદરામાં 2015માં કુલ 76માંથી ભાજપના ફાળે 58 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 14 બેઠક ગઈ હતી. ચાર બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપને 12 સીટોનો વધારો મળ્યો છે અને કુલ 69 સીટો પર વિજય મેળવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસે 7 બેઠકો ગુમાવી છે અને 7 બેઠકો જીતી છે.
- સુરત
સુરતની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કુલ 116માંથી ભાજપના ફાળે 80 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 36 બેઠક ગઈ હતી. ત્યારે આ વખતે સુરત મનપાની કુલ 120 બેઠકો હતી તેમાંથી 93 બેઠક પર ભાજપનો વિજય થયો છે, એટલે કે 67 સીટોનો વધારો. જ્યારે સુરતમાં કોંગ્રેસે એક પણ બેઠક જીતી નથી. તો આપનો 27 બેઠક પર વિજય થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે