વડોદરામાં વિરોધીઓ પર વરસ્યા પાટીલ, સરકારી નોકરીને લઈને કર્યો મોટો ખુલાસો
Vadodara News : વડોદરાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર મન મુકીને વરસ્યા સી.આર.પાટીલ... કહ્યુ- ભાડાના ટટ્ટુ મોકલીને પ્રચાર કરતી પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી..
Trending Photos
વડોદરા :ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આજે વડોદરામાં કપુરાઇ ચોકડી પાસે જિલ્લા ભાજપના નવા કાર્યલયનું ખાતમુહૂર્ત કર્યું. જેના બાદ તેમણે વડોદરા APMCમાં સભા પણ સંબોધી હતી. ત્યારે વડોદરાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર મન મુકીને વરસ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે, ભાડાના ટટ્ટુ મોકલીને પ્રચાર કરતી પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. ગુજરાતમાં 5.50 લાખ જ સરકારી નોકરી છે, 10 લાખ નોકરીના વચન કેવી રીતે આપે?
પોતાના સંબોધનમાં સીઆર પાટીલે કહ્યું કે, ગુજરાત પોતે એક વિકાસનું મોડેલ છે. ગુજરાત ભાજપના કાર્યકર્તા દેશના ભાજપ કાર્યકર્તા માટે મોડલ કાર્યકર્તા છે. દેશના ભાજપ કાર્યકર્તા પણ ગુજરાત ભાજપ કાર્યકર્તાની કામગીરીનું અનુકરણ કરે છે. જીત મેળવવીએ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે. ભાજપના કાર્યકર્તા સમર્પિત કાર્યકર્તા છે. ભાજપ બે દસકાથી એકપણ ચૂંટણી હારી નથી, કેમકે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા એટલી છે. ભાજપના કાર્યકર્તાઓએ 1 કલાકમાં 8 કરોડનું ફંડ ભેગુ કર્યું, જેનો ગર્વ છે.
આપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, એક પાર્ટી હમણાં આવે છે, ચોમાસું આવે એટલે દેડકાં આવે. આ સિઝનલ પાર્ટીને વાંધો પડ્યો. જે પોતાની જાતને ખૂબ શરીફ ગણાવે છે. ભાજપની જેમ એક કાર્યાલય પણ બનાવી બતાવો. આ પાર્ટી ભાડાના ટટ્ટુ રાખે છે, અને પ્રચાર કરે છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ભારત જોડો યાત્રામાંથી ગુજરાતને બાકાત રાખ્યું, ગુજરાતથી તેમને શું પ્રોબ્લેમ શું છે. આપ પાર્ટી અર્બન નક્સલવાદી છે. આપ પાર્ટીએ મેઘા પાટકરને લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. મેઘા પાટકરને આપ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરે છે. આંખમાં તેલ નાખીને જાગતા રહેજો, આપ પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા દેવી નથી.
આ પણ વાંચો : હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા
આપની જાહેરાતો પર પાટીલે કહ્યું કે, આપ પાર્ટી હળાહળ જુઠ્ઠું બોલે છે. પાણી અને વીજળી મફત આપીને સરકાર બનાવવાની શોધ કોણે કરી તે બધા જાણે છે. ગુજરાતમાં 5.50 લાખ જ સરકારી નોકરી છે, 10 લાખ નોકરીના વચન કેવી રીતે આપે છે. જે પાર્ટીની સ્થાનિક ચૂંટણીમાં સુરત સિવાય તમામ જગ્યા પર હાર થઈ, જમાનત જપ્ત થઈ તેવો સરકાર બનાવવાના સ્વપ્ન જુએ છે. કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના જેવો ઘાટ છે. ગાંધીનગરમાં મેયર બનાવવાની વાત કરતા હતા તે માત્ર 1 સીટ જીત્યા. ગુજરાત તરફ જોવાની હિંમત કરે છે એમને શરમ જેવું કંઈ છે જ નહિ. 4 રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યાં જમાનત જપ્ત થઈ, છતાં આ ભાઈ પોતાની તંગડી ઉપર રાખે છે. હું વડોદરા જિલ્લાની તમામ 5 બેઠક 50 હજાર મતથી જીતવાનો લક્ષ્યાંક આપુ છું. ચૂંટણી સુધી ફરતાં રહેજો, જાગતા રહેજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે