Gujarat Election 2022 : AAP નેતા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન, કહ્યું- અમે 89માંથી 51 બેઠકો જીતી રહ્યા છીએ
Gujarat Election 2022 : આમ આદમી પાર્ટીની ઈસુદાન ગઢવીએ મતદાન બૂથ પર ઈવીએમ ધીમા ચાલતા હોવાની વાત કરી
Trending Photos
Gujarat Election 2022 અર્પણ કાયદાવાલા/દ્વારકા : કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારોના ભાવિ આજે મતપેટીમાં સીલ થઈ રહ્યાં છે. 8 મી તારીખે આ તમામ દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે હાલ તમામ ઉમેદવારો પોતાની જીતની આશા વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન હજી ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતની બહુચર્ચિત એવી દ્વારકા જિલ્લાની બેઠક પર સામાન્ય કરતા ધીમી ગતિએ મતદાન થઈ રહ્યો હોવાનો આરોપ આપના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ કર્યો છે. સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 51 બેઠકો જીતશે તેવી આશા વ્યક્ત કરી છે.
પત્રકારમાઁથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તેઓ ખંભાળિયા બેઠકના આપના ઉમેદવાર છે. ત્યારે ઈસુદાન ગઢવીની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, હું સતત દરેક બૂથમાં ફરી રહ્યો છું , લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે પણ evm ખુબ જ ધીમા ચાલી રહ્યા છે. કેટલાક બુથમાં વૃદ્ધો લાંબો સમય રાહ જોઈ રહ્યા છે, તંત્ર આ અંગે ધ્યાન આપે એ જરૂરી છે.
સાથે જ ઈસુદાન ગઢવીએ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે, અમારા આંતરિક સર્વે મુજબ અમે 89 માંથી 51 બેઠકો જીતી રહ્યા છે. ગોપાલભાઈએ પણ ધીમા મતદાન માટે ફરિયાદ કરી છે, તો ચૂંટણી પંચ આ મામલે ધ્યાન આપે. તો મતદારોને લાલચ અપાઈ હોવાના વિવાદ મામલે ઈસુદાનને પ્રતિક્રિયા આપી કે, મેં ટ્વિટમાં કોઈ લોભ કે લાલચ આપી નથી. મારી ટ્વિટમાં કોઈ વાંધાજનક ટિપ્પણી નથી કરાઈ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દ્વારકા અને ખંભાળિયા બેઠક પર મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. આજે દ્વારકા જિલ્લાના 595257 મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. ખંભાળિયા બેઠક માટે ભાજપના મુળુભાઈ બેરા, કોંગ્રેસના વિક્રમભાઈ માડમ અને આપના ઈસુદાન ગઢવી વચ્ચે જંગ છે. તો દ્વારકા બેઠક પર ભાજપમાંથી પબુભા માણેક, કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા અને આપના લખમનભાઈ નકુમ વચ્ચે જંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે