ગુજરાતમાં કરફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર, વધારાયો સમય
Trending Photos
- આવતીકાલથી વિના કારણે 10 વાગ્યા પછી બહાર નીકળનારા લોકોને દંડ ફટકારવામાં આવશે
- રાત્રિ કરફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂનો સમય વધારી દીધો છે. આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કરફ્યૂ (curfew) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે. જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં... ગુજરાતમાં દર કલાકે 37 લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે
કરફ્યૂના સમયમાં 2 કલાકનો વધારો
ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં વધારો થઈ રહ્યો છે. દર કલાકે 37 લોકોને કોરોના ડંખી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા છે. તો સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95 અને વડોદરામાં 93 નવા કેસ નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ બધુ બંધ કરવાની ગઈકાલે જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે કોરોના સંક્રમણને જોતા ગુજરાતના ચાર મહાનગરોમાં કરફ્યૂનો સમય વધારી દેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : રાત્રે 10 વાગ્યા પછી બંધના નિર્ણય પર અમદાવાદીઓ ગિન્નાયા, કહ્યું-સરકારનું આ તે કેવુ બેવડુ વલણ
કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરાશે
આવતીકાલથી વિના કારણે 10 વાગ્યા પછી બહાર નીકળનારા લોકોને દંડ ફટકારવામાં આવશે. રાજ્યમાં જે રીતે એક સપ્તાહમાં કોરોના કેસ વધ્યા છે, તે જોતા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. જેનો ચુસ્તપણે અમલ કરાવવામા આવશે. હવે આ કરફ્યૂ 31 માર્ચ સુધી લાગુ રહેશે. રાજ્ય સરકારે કરફ્યૂના સમયમાં 2 કલાકનો વધારો કર્યો છે. જો કોરોના કેસ સતત વધશે તો સરકાર હજી આકરા નિર્ણયો લઈ શકે છે. ગત માર્ચ મહિના જેવી પરિસ્થિતિ ઉદભવશે તો સરકાર આ સમયગાળામાં પણ વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ક્રિકેટ મેચ, રાજકીય પક્ષોની રેલીમાં સરકારે કોઈ પગલા નથી. જ્યારે કે જાહેર જનતા માટે આ નિર્ણય લીધા છે. સરકાર સાથે જોડાયેલા લોકો પણ શિસ્ત જાળવતા નથી તેવુ પણ જોવા મળ્યું છે.
વેક્સીન લીધા બાદ પણ થાય છે કોરોના
રાજ્યમાં કોરોનાની વેક્સીન લીધા પછી પણ કોરોના થતો હોવાની વાતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકાર કર્યો છે. નીતિન પટેલે કહ્યું કે, કેટલાક કોરોનાના કેસમાં વેક્સીનના બે ડોઝ લીધા પછી પણ કોરોના થયો છે. પણ ગુજરાતમાં આ કેસ ખૂબ ઓછા છે. ગુજરાતમાં વેક્સીનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
તો બીજી તરફ, ગુજરાતમાં કોરોનાના બે સ્ટ્રેન જોવા મળ્યા છે. ગુજરાતમાં યુકે સ્ટ્રેન અને આફ્રિકા સ્ટ્રેનના કેસ મળી આવ્યા છે. કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે