Gujarat Budget 2024: જાણો વર્ષ 2024-25નું બજેટ રજૂ થયા બાદ CM ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા?
Gujarat Budget 2024: 2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે
Trending Photos
Gujarat Budget 2024: ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે.
તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10 ટકાનો વધારો કરીને 3 લાખ 32 હજાર કરોડની માતબર જોગવાઈઓ વાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેની સરાહના કરતા ઉમેર્યું કે ગુજરાતનું જાહેર દેવું અત્યાર સુધીના વર્ષોમાં સૌથી ઓછું થયું છે. 2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે.
ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ મુજબ વિધાનસભાએ રાજ્ય સરકારને જી.એસ.ડી.પી.ના 27 ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર 15.17 ટકાનો જ ઉપયોગ કર્યો છે. દેશના 21 રાજ્યોમાં આ આંકડો 27 ટકાથી વધારે છે, ત્યારે ગુજરાતે નાણાંકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેનું તેમણે ગૌરવ કર્યું હતું.
ગુજરાતને આવનારા દિવસોમાં 5-જી ગુજરાત બનાવવાની દિશા લીધી છે, તેની વિભાવના સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 5-જી એટલે...
અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત.
મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન, પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવંતુ ગુજરાત.
રિન્યુએબલ એનર્જી અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત.
સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત.
અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેમ જ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે તેવું ગતિશીલ ગુજરાત.
5-જી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતાં “સુપોષિત ગુજરાત મિશન” જાહેર કર્યું છે, તેને તેમણે આવકાર્યું હતું. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત@2047માં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે ત્રણ નવી યોજનાઓ, “નમો લક્ષ્મી યોજના”, “નમો સરસ્વતી યોજના” અને “નમોશ્રી યોજના” જાહેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘેર-ઘેર ગૂંજતો કરીને સ્વચ્છતા માટેના જનઆંદોલનથી સ્વચ્છ ભારતની જ પ્રતિબદ્ધતા દર્શાવી છે, તેને ગુજરાતમાં વેગ આપવા “નિર્મળ ગુજરાત 2.0 અભિયાન” માટે આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા 2500 કરોડનું પ્રાવધાન કર્યું છે.
મુખ્યમંત્રએ શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે. તેમના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકેની આગવી વિકાસ-ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટ નવું સીમાચિન્હ બનશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. 38 કિલોમીટરનો આ સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે. સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું અને વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું મહેસૂલી પૂરાંતવાળું બજેટ આપવા બદલ તેમણે નાણાંમંત્રીશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે