ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહિલાઓને અયોધ્યાની ટુર કરાવશે, રામલલ્લાના દર્શન કરાવવાની આપી ખાતરી
CR Patil Commitment For Ayodhya Tour To Women : મહિલાઓને હરિદ્વારની ધાર્મિક યાત્રા કરાવ્યા બાદ નવસારીના સાંસદ મહિલાઓને અયોધ્યાના દર્શન કરાવશે... નવસારીમાં હલદી કુમકુમ કાર્યક્રમમાં કરી જાહેરાત
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : લોકસભા ચુંટણી નજીક છે ત્યારે નવા વર્ષમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ વચ્ચે યોજાતો હલ્દી કંકૂનો કાર્યક્રમ ભાજપના મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે યોજાય છે, પરંતુ આ વર્ષે મહારાષ્ટ્રીયન બાહુલ છોડીને આદિવાસી વિસ્તારના કેન્દ્ર સમા ચીખલીમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સાંસદ સી. આર. પાટીલે દેશમાં મહિલાઓનું પ્રભુત્વ વધતું હોવાની વાત સાથે ઉપસ્થિત મહિલાઓને અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરાવવા લઇ જવાની ખાતરી આપી હતી.
મહારાષ્ટ્રીયન સમાજમાં મહિલાઓ હલ્દી કંકુ ઉજવીને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. નવસારીમાં કાર્યરત મોદી સમર્થક મહિલા મંડળ થકી દર વર્ષે નવસારીના વિજલપોર અને બીલીમોરા શહેરમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે લોકસભા ચુંટણીને ધ્યાને રાખી હલ્દી કંકુ કાર્યક્રમ નવસારીના કેન્દ્ર સમા ચીખલીમાં યોજવામાં આવ્યો હતો. ચીખલી ક્રિકેટ મેદાનમાં અંદાજે 3 હજારથી વધુ મહિલાઓ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત નવસારી ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સંબોધનની શરૂઆતમાં સી. આર. પાટીલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. મંચસ્થ મહાનુભાવોનું નામ સંબોધતા સમયે તેમના પત્નીનું નામ લીધા બાદ, ‘નામ તો લેવું જ પડે નહીં, તો શું થાય સમજો તો ખરા...’ એવું કહીને રમૂજ કરતા સભામાં મહિલાઓ હસી પડી હતી.
સાથે જ તેમણે દેશમાં મોદી સરકારે મહિલાઓને સક્ષમ બનાવી છે અને અનેક ક્ષેત્રોમાં મહિલાઓ હવે અગ્રેસર રહે છે. ત્યારે ઉપસ્થિત મહિલાઓને હરિદ્વાર બાદ હવે અયોધ્યામાં ભગવાનશ્રી રામલલ્લાનાં દર્શને લઇ જવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, ઈન્દિરા ગાંધી કહેતા હતા ને ગરીબી હટાવો, પણ કોઈની ગરીબી હતી નહીં, પણ કોંગ્રેસીઓની જ ગરીબી હટી. જાતિ આધારિત નહીં, પણ જેને રૂપિયાની જરૂર હોય એ ગરીબ, એમ માની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક યોજના બનાવી, એનો જરૂરિયાતમંદને લાભ અપાવી દેશના 140 કરોડ માંથી 24 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાની સફળતા વર્ણવી હતી.
આમ, આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે મહિલાઓને અયોધ્યા દર્શને લઈ જવાની ખાતરી આપી. અગાઉ મહિલાઓને હરિદ્વારની ધાર્મિક યાત્રા કરાવ્યા બાદ નવસારીના સાંસદ મહિલાઓને અયોધ્યાના દર્શન કરાવશે. મહિલાઓને અયોધ્યા રામલલ્લાના દર્શને લઈ જવા સાંસદ સી. આર. પાટીલે ખાતરી આપી. સાથે પ્રદેશ અધ્યક્ષે મહિલાઓને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતા પટેલને નામ નોંધાવવા જણાવ્યું. મહિલાઓને અયોધ્યા લઈ જવા સાથે રહેવા જમવા અને પાછા લાવવાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી. મહિલાઓને પાછા લાવવાની વાત આવતા ફરી રમૂજ કરતા કહ્યું કે, ઘરવાળા કહેશે એમને ત્યાં જ મુકી આવો, પણ એમને ખબર નથી આ બધી રિટર્ન ટિકિટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે