પાટીલે કાર્યકર્તાઓને આપી મોટી ચેલેન્જ : આટલું કરશો તો આગામી લોકસભામાં રેકોર્ડ તોડીશું

CR Paatil To BJP Workers :  જીત નહીં રેકોર્ડ જીતનો લક્ષ્યાંક... 26 લોકસભા બેઠકો પર 5 લાખની લીડનો પાટીલનો લક્ષ્યાંક... રેકોર્ડ લીડ માટે પાટીલે કાર્યકરોને આપ્યા ટાસ્ક... કાર્યકરથી લઈને સાંસદને જનસંપર્ક માટે પાટીલની ટકોર... તમામ 26 બેઠકો પર જીતની હેટ્રિક સર્જી શકશે ભાજપ? હવે લોકસભાની ચૂંટણી દૂર નથી
 

પાટીલે કાર્યકર્તાઓને આપી મોટી ચેલેન્જ : આટલું કરશો તો આગામી લોકસભામાં રેકોર્ડ તોડીશું

Surat News સુરત : લોકસભાની ચૂંટણી હવે દૂર નથી, પાંચ રાજ્યોના પરિણામો બાદ લોકસભા માટેનો માહોલ જામી જશે, ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. સ્નેહ સંમેલન કાર્યક્રમમાં સી આર પાટીલે ફરી કાર્યકરોને લક્ષ્યાંક યાદ અપાવ્યો છે. ભાજપનો લક્ષ્યાંક ફક્ત તમામ બેઠકો જીતવાનો નહીં, પણ જંગી લીડ સાથે જીતવાનો છે. દિવાળી બાદ ગુજરાત ભાજપમાં સ્નેહ સંમેલન સમારંભોનો દોર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય છે. જેને જોતાં કાર્યકરોને કોઈ સંદેશ આપવો હોય તો આ અવસર યોગ્ય છે.. 

પાટીલનું કાર્યકર્તાઓને આહવાન
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે આ જ કરી રહ્યા છે. તેઓ કાર્યકરો અને પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાયેલા ભાજપના સ્નેહસંમેલનમાં પાટીલે ફરી લોકસભાની તમામ બેઠકો જીતવાની વાતને દોહરાવી. તેમણે કાર્યકરોને તમામ બેઠકો 5 લાખથી વધુ મતોની લીડ સાથે જીતીને રેકોર્ડ સર્જવા આહ્વાહન કર્યું છે.

જનસંપર્ક વધારવાની સલાહ
2014 અને 2019માં ભાજપે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હતી. 2019માં ભાજપે 4 લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડ મેળવી હતી. જો કે પાટીલ હવે આ લીડને તમામ બેઠકો માટે લાગુ કરવા માગે છે. આ માટે તેમણે કાર્યકરો, પદાધિકારીઓ અને સાંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અત્યારથી જ જનસંપર્કમાં લાગી જવા કહ્યું છે..

2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીલે તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. જો કે ભાજપે 156 બેઠકો જીતી હતી, જે પોતાનામાં રેકોર્ડ છે. આ જ તર્જ પર પાટીલે લોકસભામાં પાંચ લાખ મતોની લીડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 

ગત લોકસભામાં કોણ કેટલી લીડ સાથે જીત્યુ હતું
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જે ચાર ઉમેદવારો પાંચ લાખ મતોથી વધુની લીડ સાથે જીત્યા હતા, તેમના પર નજર કરીએ તો, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 5 લાખ 57 હજાર 14 મતોની લીડ સાથે જીત્યા હતા. વડોદરાથી રંજનબેન ભટ્ટ 5 લાખ 89  હજાર 177 મતોની લીડ સાથે, સુરતથી દર્શનાબેન જરદોષ 5 લાખ 48 હજાર 230 મતોની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ 6 લાખ 89 હજાર 668 મતોની લીડ સાથે જીત્યા હતા. જે ફ્કત ગુજરાત નહીં પણ દેશના ઈતિહાસમાં સૌથી મોટી લીડ છે.

 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2023

 

પાટીલ નવો રેકોર્ડ સર્જવા માંગે છે 
2014માં પણ ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા હતા, જેમાં નરેન્દ્ર મોદી વડોદરાથી 5 લાખ 70 હજાર 128 મતોની લીડ સાથે જીત્યા હતા. સુરતથી દર્શનાબેન જરદોષ 5 લાખ 33 હજાર 190 મતની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ 5 લાખ 58 હજાર 116 મતોની લીડ સાથે જીત્યા હતા. પાટીલે 2019માં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.. હવે તેઓ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર એક નવો રેકોર્ડ સર્જવા માગે છે.

પાંચ રાજ્યોની ચૂંટણી હવે પૂરી થવા આવી છે. એક સપ્તાહ બાદ ત્રીજી ડિસેમ્બરે પાંચેય રાજ્યોના પરિણામ પણ આવી જશે. નવી સરકારો બનશે અને પછી તુરંત લોકસભાની ચૂંટણીનો માહોલ જામશે. 

2019માં 11 એપ્રિલથી 19મી મે સુધી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. 2024માં પણ આ જ સમય પ્રમાણે ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. જેને જોતાં ડિસેમ્બરથી જ ચૂંટણીનો માહોલ જામી જશે. પાંચ રાજ્યોના પરિણામો આ માટેની પીચ તૈયાર કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news