હારનો ડર : અમસ્તા જ આ બેઠક પર PM મોદીની પહેલી સભા નથી ગોઠવાઈ, અહીં ભાજપ કોંગ્રેસ કરતા પાછળ છે
Loksabha Election 2024 : ભાજપના માટે આજે પણ જૂનાગઢ સીટ નબળી ગણાય છે, તેમાં પણ આપ અને કોંગ્રેસના ગઠબંધનને કારણે હવે તો જીત દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી, નવા રિપોર્ટ બાદ ભાજપે પીએમ મોદીને જ પ્રચાર માટે અહી મેદાનમાં ઉતાર્યા
Trending Photos
Gujarat Politics : ગુજરાતમાં પાટીલે લોકસભાની તમામ 26 બેઠક પર 5 લાખની લીડથી જીતનો ટાર્ગેટ સેટ કર્યો છે. તેમાં એક બેઠક તો ચૂંટણી પહેલા જ સર કરી લીધી. પરંતું પાટીલના ટાર્ગેટ સામે અનેક અડચણો છે. સૌરાષ્ટ્રની એક બેઠક પર જીત માટે ભાજપને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. ખુદ ભાજપ દ્વારા આ આંતરિક તારણ કાઢવામા આવ્યું છે. આ બેઠક છે જુનાગઢ બેઠક. જુનાગઢ વિધાનસભાના પરિણામ મુજબ વિપક્ષ 33,152 મતે આગળ છે. ભાજપને આ બેઠક પહેલેથી નડતી આવી છે.
જુનાગઢ કેમ અસંભવ
ભાજપ સ્ટાર પ્રચારકોને નબળી બેઠકો પર ફોકસ કરીને મેદાનમાં પ્રચાર માટે ઉતારી છે. હવે આ બેઠક પર ભાજપમાંથી રાજેશ ચુડાસમા તો કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા ઉમેદવાર છે. ભાજપના રાજકીય એક્સપર્ટ દ્વારા હાલ ફરીથી તમામ 25 સીટ પર આંકલન કરવામાં આવ્યુ હતું. આ તારણો અનુસાર, વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે જૂનાગઢ વિધાનસભા સીટ ભાજપે ગુમાવી હતી, અને કોંગ્રેસને ગઈ હતી. કોંગ્રેસે આ બેઠક 1,14,642 મતની લીડથી જીતી હતી. આ કારણે આ બેઠક પર કોંગ્રેસ વધુ મજબૂત બન્યું હતું. ત્યાર બાદ 2019 માં પીએમ મોદી ખુદ આ બેઠક પર પ્રચાર માટે ઉતર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં અહી ત્રિપાંખિયો જંગ થયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને કારણે કોંગ્રેસને મોટું નુકસાન ગયુ હતું. હવે જ્યારે આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે ત્યારે આ બેઠક તેમના માટે સ્ટ્રોંગ બની છે. તો તેની સામે ભાજપ માટે જૂનાગઢ બેઠક નબળી બેઠકની યાદીમાં મૂકાઈ છે.
વર્ષ 2022 ની વિધાનસભામાં શુ થયુ હતું
હવે 2022 ની વિધાનસભાના પરિણામ પર એક નજર કરીએ તો, જૂનાગઢ લોકસભા હેઠળની સાતેસાત સીટમાં ભાજપને 5,15,995 મત મળ્યા હતા. તો સામે કોંગ્રેસને 3,18,692 મત મળ્યા હતા. તો અહી આપ પાર્ટીને 2,30,458 મત મળ્યા હતા. હવે જ્યારે અહી આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે ત્યારે બંનેના મળીને કુલ 5,49,150 મત થાય છે. જે ભાજપ કરતા વધુ ગણાય. તેથી ભાજપ માટે અહી જીત સહેલી નથી.
ભાજપના રાજકીય તજજ્ઞો દ્વારા કાઢવામાં આવેલા તારણો અનુસાર, જુનાગઢ લોકસભા હેઠળની સાતેસાત વિધાનસભા બેઠકોના વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી વખતના મત હવેના નવા ઈન્ડિયા ગઠબંધન કરતા ભાજપને ઓછા પડી રહ્યાં છે. આ કારણોસર જુનાગઢ ભાજપ માટે કપરા ચઢાણવાળી બેઠક બની છે.
જીત માટે હવે માત્ર પીએમ મોદીનો સહારો
જુનાગઢની જીત આકરી લાગતા આ બેઠક પર પ્રચાર માટે ખુદ પીએમ મોદી ઉતરવાના છે. વડાપ્રધાન આગામી 2 જૂનના રોજ ગુજરાતમાં પ્રચાર કરશે. તેથી ગત લોકસભાની જેમ પીએમ મોદીને પણ આ લોકભા બેઠક પર પ્રચાર માટે આવવુ પડી રહ્યું છે તેવું ભાજપના વર્તુળોમાં માનવું છે. આમ, પણ ભાજપ હંમેશા કહે છે કે, મોદીના નામે વોટ મળે છે. તો જો પીએમ ખુદ આ બેઠક પર આવીને જાદુની છડી ચલાવે તો જાદુ ચાલી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે