મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી

CR Patil : સુરતમાં સી.આર પાટીલની પેજ કમિટીના સભ્યોને ટકોર, વિધાનસભાની અમુક સીટ ઓછા માર્જિનથી હાર્યા છીએ, વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નથી કરવાની, મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી જંપીને ન બેસતા, 5 વાગ્યા સુધીમાં મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દેજો 

મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી

Gujarat Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે વટની લડાઈ બની છે. વટ કોનો પડશે તે તો સમય બતાવશે. પરંતું ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાની દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કરીને બેસ્યા છે. આ ટાર્ગેટનો ભાર હવે ભાજપના મજૂરિયા કાર્યકર્તાઓ પર પડી રહ્યો છે. એક તરફ ભાજપમાં ભરતી મેળો, પક્ષપલટો, રૂપાલા વિવાદથી ભડકો થયો છે. ત્યાં બીજી તરફ પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે, વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહિ કરતા. જોકે, પાટીલની આ ટકોર હવે કાર્યકર્તાઓ માટે ધમકી જેવી બની રહે છે. 5 લાખની લીડનો ટાર્ગેટ લાવવાનો ભાર મજૂરિયા કાર્યકર્તાઓ પર મૂકાયો છે. પાટીલ દરેક સભામાં કાર્યકર્તાઓને 5 લાખની લીડ લાવવા કહી રહ્યાં છે. 

વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહિ કરતા
સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજકમિટીના સભ્યોને ટકોર કરતા કહ્યું કે, વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નહિ કરતા. વિધાનસભામાં કેટલીક સીટો ઓછા માર્જિનથી હાર્યા છે. કોંગ્રેસના કાર્યકર્તા ભાજપ સામે લડવા આનાકાની કરી રહ્યા છે. કોંગ્રેસનો કોઇ નેતા સીધો લડવા તૈયાર નથી. કોંગ્રેસના નેતા એમને જબરજસ્તી કરવી પડશે. મતદાન ન થાય ત્યાં સુધી જંપીને બેસતા નહિ. 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દેજો. જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે ભૂલ હવે નહિ કરતા. આ વખતે ઇતિહાસ સર્જવાની તક છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 4, 2024

 

કામમાં આળસ ન કરતા - પાટીલ
આજે ગુરુવારે આણંદ જિલ્લાનું બૂથ પ્રમુખ સંમેલનમાં પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, બુથના પમુખો નેતૃત્વ લે. દરેક ઘરની મુલાકાત લેજો. બપોરના સમયે કોઈના ઘરે જઈ ડિસ્ટર્બ નાં કરતા. દરેક ઘરે જઈ ભાજપની ઝંડી લગાવજો. દરેક પેજનાં ઘરે જઈ વડીલોને વંદન કરજો. સરકારની યોજનાઓનાં લાભાર્થીઓને સંપર્ક કરજો. દિવ્યાંગ અને વડીલોનો સંપર્ક સાધજો. 26 એ 26 સીટ પર હેટ્રિક કરવાની છે. આ વખતે તમને કહેલાં પાંચ કામ ચીવટથી કરશો, તો પાંચ લાખની લીડ આસાન થઈ જશે. ભાજપના સ્થાપના દિવસ પહેલા પ્રથમ રાઉન્ડમાં ઘરે ઘરે ઝંડી લગાવી દેજો. 74 લાખ પેજ પ્રમુખનાં ઘરના 2.22 કરોડ મત પડે તો કૉંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જમા થઈ જાય. આ વખતે તાકાત લડાવી દો અને કામમાં આળસ કરતા નહિ. દરેકથી તાકાત બનતી હોય છે. 

પાટીલનો કાર્યકર્તાઓનો મેસેજ 
ગઈકાલે સીઆર પાટીલે ભાજપ ના કાર્યકર્તા જોગ સંદેશ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરીને કાર્યકર્તાઓને મેસેજ પાઠવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રિય કાર્યકર્તાશ્રીઓ, હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે મેં કહેલું-8માંથી 8 સીટ જીતીશું. આ આંઠે-આઠ સીટ તમે લોકોએ જ જીતીને બતાવી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કરી દીધો કે 90 ટકાથી વધુ સીટ જીતીશું-આપણે 90.5 ટકા સીટ જીત્યા...જીલ્લા પંચાયતની 31માંથી 31 સીટ આપણે જીતી લીધી. મારી પાસે અધ્યક્ષ પદે કોઇ જાદુઇ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની આ તાકાત હતી અને એના આધારે મેં આવા નિવેદનો કર્યા હતા. એ નિવેદનો તમે સાચા પાડ્યા, ભવ્ય જીત મેળવી. એ જીતનાં અધિકારી પણ તમે જ છો. મને વિશ્વાસ છે કે લોકસભાની આ ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે છવ્વીસે છવ્વીસ સીટ જીતવાનાં મારા નિવેદનને પણ તમે સાચું જ પાડવાનાં છો...!!!

કોઈ પણ બૂથ માઈનસમાં ન જાય
તાજેતરમાં ગાંધીનગરમાં ધારાસભ્યોને બોલાવેલી બેઠકમાં પાટીલે સ્પષ્ટ સૂચના આપી હતી કે અત્યારથી કહીં દેજો જો પછી પોણા પાંચ લાખની લીડ આવી તો પણ નહીં ચલાવી લઉં. આ બેઠકમાં હાજર ગુજરાતના 100 ધારાસભ્યોએ ફક્ત ચૂપકીદી સેવી લીધી હતી. કોઈની એમ કહેવાની હિંમત નહોતી કે બુથ માઈનસમાં છે. કચ્છમાં આ જ સ્ટાઈલમાં ફરી ચીમકી આપી હતી કે જો કોઈ ધારાસભ્યનું બુથ માઈનસ થયું તો ફરી ટિકિટ ભૂલી જજો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 156 ધારાસભ્યોને અને આયાતી કોંગ્રેસીઓને સ્પષ્ટ આદેશ કર્યો છે કે એક પણ મતદાન કેન્દ્ર માઈનસ ન થવું જોઈએ. ભાજપે આ લોકસભામાં 5 લાખની લીડથી જીતવું હોય તો તમામ બુથો પર લીડ મેળવવી એ જરૂરી છે. ભાજપ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં 15 હજાર બુથો માઈનસમાં ચાલે છે. સીઆર પાટીલને ટેન્શન છે કે આ બુથો માઈનસ રહ્યાં તો ભાજપના મિશનને ઝટકો પડશે એટલે આ બુથોને પ્લસ કરવાની જવાબદારી સીધી ધારાસભ્યો પર ઢોળી દીધી છે. ટિકિટ કાપવાની ચીમકી આપતાં દરેક ધારાસભ્યે પોતાના વિસ્તારમાં એક પણ બુથ માઈનસમાં ન જાય એની ચિંતા કરવી પડશે.

 

(Zee 24 કલાક ઓડિયોની પુષ્ટિ નથી કરતું)#ParshottamRupala #ptjadeja #audioviral #patidarsamaj #kshatriya #KshatriyaSamaj #RupalaControversy #ZEE24KALAK #Gujarat pic.twitter.com/VzKfsrIWsc

— Zee 24 Kalak (@Zee24Kalak) April 4, 2024

 

૩૫૦૦ બુથમાં લઘુમતી મતદારો નિર્ણાયક
ભાજપના વર્તુળોના જણાવ્‍યા મુજબ રાજ્‍યના કુલ બાવન હજાર જેટલા બુથ પૈકી ૨૦૨૨ની ધારાસભ્‍યની ચૂંટણીમાં ૧૫ હજાર જેટલા બુથ પર ભાજપ માઇનસમાં હતો. ઉપરાંત ૩૫૦૦ બુથ પાતળી બહુમતીવાળા હતા. પાતળી બહુમતીવાળા બુથમાં મજબુતાઇ વધારવા અને ખાધવાળા બુથમાં ખાદ્યમાંથી બહાર આવવા માઇક્રો પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું છે. નબળા ૧૫ હજાર બુથ પૈકી ૩૫૦૦ બુથમાં લઘુમતી મતદારો નિર્ણાયક છે. ત્‍યાં સ્‍થિતિ સુધારવી ભાજપ માટે કપરૂ કામ છે. બાકીના નબળા બુથને અલગ તારવી કારણ સાથે તારણ કાઢવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં આ બુથોને પ્લસ કરવા ઓપરેશન લોટસ ચલાવ્યું છે અને કોંગ્રેસી કદાવર નેતાઓને ભાજપમાં સામેલ કર્યા છે. ભાજપના માઈક્રો મેનેજમેન્ટથી ભાજપ આ બુથોમાં પ્લસ થવાની આશા રાખી રહ્યું છે. હવે આગામી સમય જ બતાવશે કે ભાજપને ફાયદો થયો છેકે નુક્સાન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news