વિધાનસભાની વાતઃ બાલાસિનોરમાં આ વખતે કઈ પાર્ટીની બોલબાલા? જાણો શું છે રાજકીય સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ આ બેઠક પરથી ઓબીસી નેતા માનસિંહ ચૌહાણ પાંચ વખત ધારાસભ્ય બન્યા. માનસિંહ ચૌહાણે બીજેપી, રાજપા અને કોંગ્રેસમાં રહીને રાજનીતિ કરી. માનસિંહ ચૌહાણ છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ સામે હારી ગયા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. જેને કારણે આ વખતે ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. ગુજરાતના રાજકીય દંગલમાં મહીસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભા બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બાલાસિનોર એક સમયે નવાબોની નગરી હતી. બાલાસિનોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો જબરદસ્ત દબદબો હતો. તેની વચ્ચે ભાજપનું કમળ ખીલ્યું પરંતુ કોંગ્રેસે ફરીથી આ બેઠક જીતીને વર્ચસ્વ કાયમ કર્યું.
બાલાસિનોર પર મતદારો:
બાલાસિનોરમાં કુલ 2 લાખ 83 હજાર 465 મતદારો છે. જેમાં 1 લાખ 45 હજાર 807 પુરૂષ મતદારો, 1 લાખ 37 હજાર 651 મહિલા મતદારો અને 7 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બેઠક પર બાલાસિનોર તાલુકા, વિરપુર તાલુકો, કપડવંજ તાલુકાના અનેક ગામ અને કઠલાલ તાલુકાના 9 ગામડાનો સમાવેશ થાય છે.
બાલાસિનોર બેઠકનો રાજકીય ઈતિહાસ:
આ બેઠક પર ઓબીસી મતદારોનો વધારે પ્રભાવ છે. આ બેઠક પરથી ઓબીસી નેતા માનસિંહ ચૌહાણ પાંચ વખત ધારાસભ્ય બન્યા. માનસિંહ ચૌહાણે બીજેપી, રાજપા અને કોંગ્રેસમાં રહીને રાજનીતિ કરી. માનસિંહ ચૌહાણ છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ સામે હારી ગયા હતા.
બાલાસિનોર બેઠકનું રાજકારણ:
બાલાસિનોરના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો 1962માં કોંગ્રેસ, 1967માં સ્વતંત્ર પાર્ટી, 1972માં કોંગ્રેસ, 1975માં અપક્ષ, 1980માં કોંગ્રેસ, 1985માં કોંગ્રેસ, 1990માં ભાજપ, 1995માં રાજપા, 1998માં કોંગ્રેસ, 2002માં ભાજપ, 2007માં કોંગ્રેસ, 2012માં કોંગ્રેસ અને 2017માં કોંગ્રેસે જીત મેળવી હતી.
બાલાસિનોર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 મકવાણા શાંતાબેન કોંગ્રેસ
1967 એન કે સોલંકી સ્વતંત્ર
1972 સોલંકી છત્રસિંહ કોંગ્રેસ
1975 મોદી ચંપાબેન અપક્ષ
1980 સોલંકી છત્રસિંહ કોંગ્રેસ
1985 બાબી નુરજહાં કોંગ્રેસ
1990 ચૌહાણ માનસિંહ રાજપા
1995 ચૌહાણ માનસિંહ ભાજપ
1998 ચૌહાણ માનસિંહ ભાજપ
2002 રાજેશ પાઠક ભાજપ
2007 માનસિંહ ચૌહાણ કોંગ્રેસ
2012 માનસિંહ ચૌહાણ કોંગ્રેસ
2017 અજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ
બેઠક પરની સમસ્યાઓ:
બેઠક પર પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. પીવાના પાણીને લઈને અનેકવખત રજૂઆત કરવા છતાં હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી. આ સિવાય અહીંયા મોટાભાગે લોકો ખેતી કરે છે. પરંતુ સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોની સ્થિતિ કંગાળ બની છે. બાયપાસ રોડ લાંબા સમય છતાં પણ હજુ સુધી અધૂરો છે. જ્યારે સ્થાનિક કક્ષાએ ધોરણ-12 સુધીની શાળા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાની ફરજ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે