Gujarat Assembly Election 2022: કાલથી પ્રથમ તબક્કા માટે ભાજપનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં
Gujarat Election 2022, BJP: ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ જાહેર કરી દીધી છે. શુક્રવારથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ થશે. પ્રથમ તબક્કાની 82 બેઠકો પર દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરશે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) 2022 યોજાવાની છે. બીજા તબક્કા માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. દરેક પાર્ટીઓએ જાહેર કરેલા તથા અપક્ષ સહિત તમામ લોકોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી પત્ર ભરાયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવતી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. જેની માહિતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે આપી છે.
કાલથી ભાજપનો ઝંઝાવાતી પ્રચાર
બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થવાની સાથે સીઆર પાટિલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આવતીકાલથી પ્રચાર અભિયાનનો વિવિવત પ્રારંભ કરશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાત ભાજપના તમામ નેતાઓ જોડાવાના છે.
પાટિલે કહ્યું કે, 89 બેઠકો પૈકી 82 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રિય મંત્રી મંડળ તેમજ ભાજપા શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, દેશના વિવિધ લોકસભા ક્ષેત્રના સાંસદો મળી કુલ 15 મહાનુભાવો 46 વિધાનસભા ક્ષેત્રમાં અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજય સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ કેબીનેટ મંત્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંઠનના હોદેદારો મળી કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે.
પાર્ટીમાં ચાલતા વિવાદ પર પાટિલે આપ્યો જવાબ
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત બાદ કેટલીક જગ્યાએ વિરોધ સામે આવ્યો હતો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ સવાલના જવાબમાં પ્રદેશ પ્રમુખ પાટિલે કહ્યુ કે, 182 સીટો પર 4100 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, હજુ લોકો પાસે ઉમેદવારી પરત ખેંચવાનો સમય છે. જો કોઈ પાર્ટીની વિરુદ્ધમાં જઈને કાર્ય કરશે તો પાર્ટી કાર્યવાહી કરશે. આ સાથે પાટિલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે રેકોર્ડ જીત મેળવીશું.
આ નેતાઓ ગુજરાતમાં કરશે પ્રચાર
સી. આર. પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વના પ્રથમ ચરણમાં 89 બેઠકો 82 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રી જનરલ વી. કે. સિંહ, મનસુખભાઇ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રીશ્રી હેમંત બિસ્વ સરમા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશજી, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી ગુજરાતમાં પ્રચાર કરશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, પૂનમબેન માડમ, વજુભાઇ વાળા, આર. સી. ફળદુ, ગણપતભાઇ વસાવા, પરસોત્તમભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર અને જનસભા સંબોધનાર મહાનુભાવો દેશ અને વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે