વિધાનસભાની વાતઃ ભાવનગર પશ્વિમમાં ભાજપ હેટ્રિક મારશે કે પછી પુરો થશે કોંગ્રેસનો વનવાસ?

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની ભાવનગર પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપે વર્ષ 2012માં જીત મેળવી હતી. કોળી અને પટેલ સમુદાયના મતદારોનો પણ ભાજપને સાથ મળતો રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે તેમ છે. આ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા 2 લાખ 41 હજાર 893 છે.

વિધાનસભાની વાતઃ ભાવનગર પશ્વિમમાં ભાજપ હેટ્રિક મારશે કે પછી પુરો થશે કોંગ્રેસનો વનવાસ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને આકર્ષવા માટે રોજેરોજ નવા-નવા અને આશ્વર્ય પમાડે તેવા વાયદા આપી રહ્યા છે. રાજકીય પક્ષોની આ ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે અમે તમને બતાવીશું ભાવનગર પશ્વિમ બેઠકનું રાજકીય ગણિત. અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હતો. પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે તેમ છે. છેલ્લી બે ટર્મથી ભાજપ આ બેઠક પર જીત મેળવતું આવ્યું છે. આ સીટ ભાજપ માટે મહત્વની છે. કેમ કે રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી આ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા છે. 

ભાવનગર પશ્વિમ બેઠક પર મતદારો: 
ભાવનગર પશ્વિમ બેઠક પર મતદારોની સંખ્યા 2 લાખ 41 હજાર 893 છે. જેમાં 1,97,977 પુરુષ મતદારો છે અને 1,93,967 મહિલા મતદારો છે. જાતિગત સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં કોળી સમુદાય, પટેલ સમુદાય અને ક્ષત્રિય સમુદાયનો દબદબો છે.  

બેઠકનું રાજકીય સમીકરણ: 
ગુજરાતની ભાવનગર પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપે વર્ષ 2012માં જીત મેળવી હતી. કોળી અને પટેલ સમુદાયના મતદારોનો પણ ભાજપને સાથ મળતો રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ભાજપનો દબદબો રહ્યો છે. કોંગ્રેસમાં શહેર અને જિલ્લા સ્તરે મજબૂત નેતૃત્વની ખામી પણ તેનું એક કારણ છે. પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી રાજકીય સમીકરણ બદલાતા જોવા મળી રહ્યા છે. જોકે રાજકીય પંડિતોનું માનવું છેકે ભાવનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને જનતાના આશીર્વાદ મેળવવામાં હજુ સમય લાગશે. 

2017નું પરિણામ: 
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના જીતુ વાઘાણીને 83 હજાર 701 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56 હજાર 516 મત મળ્યા હતા. 

ભાવનગર પશ્વિમ બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ        વિજેતા ઉમેદવાર      પક્ષ 

1975      મણીલાલ ગાંધી        એનસીઓ 

1980      ત્રંબકલાલ પટેલ       કોંગ્રેસ 

1985      શશિભાઈ જમોદ       કોંગ્રેસ 

1990      શક્તિસિંહ ગોહિલ     કોંગ્રેસ 

1995      શક્તિસિંહ ગોહિલ    કોંગ્રેસ 

1998      સુનિલ ઓઝા           ભાજપ 

2002      સુનિલ ઓઝા           ભાજપ 

2007      શક્તિસિંહ ગોહિલ    કોંગ્રેસ 

2012      જીતુ વાઘાણી          ભાજપ 

2017       જીતુ વાઘાણી          ભાજપ 

 

 

શું છે સ્થાનિક સમસ્યાઓ: 
ભાવનગર પશ્વિમ બેઠક પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. સાથે જ વરસાદ પડે ત્યારે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. કુંભારવાડાના પાછળના વિસ્તારમાં મઢિયા રોડ પર ગરીબોના ઘર અને કુંભારવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. દેસાઈનગરથી સિક્સ લેનનું કામ સમય પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી પૂરું થયું નથી. નારી ગામ પાસે રેલવે ઓવરબ્રિજ જર્જરિત છે અને ફોર લેનના નવા રસ્તાનું કામ હજુ સુધી પૂરું થયું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news