ખરીફ સીઝન પહેલા પાક નુકસાની વળતર ચૂકવે સરકાર, ગુજરાતમાં સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ
ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા અને ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા મનહરભાઈ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને નકલી બિયારણ ના મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવ્યો.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્ટિવ થઈ છે. જનમંચ બાદ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે ખેડૂતોના પ્રશ્નો પર સરકારને આડેહાથ લીધી હતી. આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા અને ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા મનહરભાઈ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને નકલી બિયારણ ના મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવ્યો.
અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, કમોસમી વરસાદ સહાયથી હજુય કેટલાયે ખેડૂતો વંચિત, પાક નુકસાની સહાયમાં થયેલી ગેરરીતિ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે અને તે માટે જનમંચ અને જનઆંદોલન થકી અવાજ ઉઠાવવામાં આવશે. કમોસમી વરસાદના લીધે થયેલા નુકસાન માટે કરેલ સર્વેના દસ્તાવેજો સાથે છેડછાડ થઈ હોવાનું પ્રમાણ રજૂ કર્યું અને સર્વેમાં ભૂલો અંગે કોંગ્રેસે કરેલા દાવાઓ સાચા પડ્યા. પાક નુકસાની સર્વે પત્રકમાં નુકસાનીની ટકાવારીના કોલમમાં છેડછાડ કરવામાં આવી.
સરકારે પોતાને સાચી સાબિત કરવા ખોટી રીતે ખોટું પંચ રોજકામ કર્યું. જસદણ તાલુકાનાં આટકોટ ગામના પાક નુકસાની સર્વેના છેડછાડવાળા પત્રકો રજૂ કરવામાં આવ્યા. માર્ચ ૨૦૨૩ માં પડેલા કમોસમી વરસાદનો સર્વે મે ૨૦૨૩ માં સરકારે કરાવડાવ્યો જેથી ખેડૂતોને સમયસર કોઈ વળતર મળ્યું નહીં. ફક્ત અમુક જ તાલુકાનો સર્વેમાં સમાવેશ કરવાથી ઘણા તાલુકા વળતરથી વંચિત રહી ગયા. તા. ૦૩/૦૩/૨૦૨૩ એ પડેલા વરસાદનો સર્વે જો તા. ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ કરવામાં આવે તો ત્યાં સુધી કોઈ ખેડૂત પાક રાખે નહીં.
બીજ બુટલેગરો ઉપર દરોડા પાડી નકલી બિયારણ કારોબાર બંધ કરી ફક્ત દંડ નહીં પણ એ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે જરૂરી છે. બીજ બુટલેગરો સરકારની રહેમ નજર હેઠળ બેફામ રીતે ગુજરાતમાં કારોબાર કરી રહ્યા છે. નકલી બિયારણ અને ખાતરનું બેફામ વેચાણ સમગ્ર રાજયમાં થઈ રહ્યું છે અને જ્યારે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે ઊભો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહરભાઈ પટેલે જણાવ્યુ કે સમગ્ર રાજયમાં ૪ હજાર કરોડથી વધુના નકલી બિયારણનો વ્યવસાય સરકારની મિલીભગતથી ચાલે છે અને આ ગેરકાયદેસર વ્યવસાય કરતાં જો કોઈ પકડાય તો ફક્ત ૧ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે જે બિલકુલ હાસ્યાસ્પદ છે. Vip3A Gene માન્ય નથી છતાં ૮૦ ટકા બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ મોટા જોખમો રહેલા છે. જો ભારતમાં કોરોનાની વેક્સિન ૩ મહિનામાં તૈયાર થતી હોય તો ૧૩ વર્ષથી ભારતમાં ખેડૂતો માટે નવી કપાસની GM ટેક્નોલૉજી કેમ વિકસાવી ન શક્યા. મોન્સાન્ટો કંપનીએ ૨૦૧૭ થી તેમની GM ટેક્નોલૉજી ભારતમાંથી DE REGULATE કરી છે છતાં બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે.
આ પ્રેસ વાર્તામાં નકલી બિયારણના પેકેટો જાહેર કરી કિસાન સેલના ચેરમેનપાલભાઈ આંબલીયા અને કોંગ્રેસે, સરકારની પોલ ખોલી અને સાબિત કર્યું કે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત બીટી કોટન ૪જી અને ૫જી બિયારણનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે