બનાવટી દવાઓનું વેચાણ કરનારની હવે ખૈર નથી, ફૂડ એન્ડ ડ્ગ કંટ્રોલ વિભાગનો સપાટો

બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તથા ગર્ભપાત માટે વપરાતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. હિંમતનગર શહેરમાં બનાવટી એન્ટીબાયોટીક દવાઓ તેમજ ગર્ભપાત માટેની દવાઓના ગેરકાયદેસર વેચાણ કરતા સ્થળો પર દરોડા...

બનાવટી દવાઓનું વેચાણ કરનારની હવે ખૈર નથી, ફૂડ એન્ડ ડ્ગ કંટ્રોલ વિભાગનો સપાટો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હિંમતનગર ખાતેથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો તેમજ ગર્ભપાતની દવાઓનો અંદાજીત રૂ. ૩૭.૭૪ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્ગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ભ્રુણ હત્યામાં વપરાતી દવાઓના ગેરકાયદેસર વેચાણમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર સતત પ્રયત્નશીલ છે. 

તાજેતરમાં અમદાવાદ શહેરમાં બનાવટી જીવનરક્ષક તેમજ ગંભીર રોગોના ઉપચાર માટે વપરાતી એન્ટીબાયોટીક દવાઓનો કુલ રૂ. ૧૭.૫૦ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે રાજ્યવ્યાપી તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા:૨૫/૧૦/૨૦૨૩ના રોજ શ્રી જે. એ. પટેલ, નાયબ કમિશનર (આઈ.બી.), શ્રી યોગેશ દરજી, નાયબ કમિશનર (મુખ્ય મથક) અને શ્રી એન. એમ. વ્યાસ, મદદનીશ કમિશનર, હિમતનગર તથા હિમતનગરના પ્રવર ઔષધ નિરીક્ષક શ્રી કે. વી. પરમાર તથા અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના ઔષધ નિરીક્ષકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી હિંમતનગરમાં દરોડો પાડયો હતો. 

હિમતનગરની આશાપુરા મેડિકલ એજન્સી, ગ્રાઉન્‍ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સ્ટેટ બે‍ક કોલોની સામે, રેલ્વે ફાટકની બાજુમાં ગીરધરનગરમાંથી MPOD-200 Tablets (Cefpodoxime Proxetil & Lactic Acid Bacillus Tablets) દવાના કુલ (૨૦૦ x ૧૦ x ૧૦ ટેબલેટ) MCEF-AZ (Cefixime, Azithromycin & Lactic Acid Bacillus Tablets દવાના કુલ (૨ x ૧૦ ટેબલેટ) MEXCEF-O PLUS Tablets (Cefixime, Ofioxacin with Lactic Acid, Bacillus Tablets દવાના કુલ (૩૮૭ x ૧૦ x ૧૦) તથા અન્ય દવાઓ જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો અંદાજીત રૂ. ૨૫ લાખની કિમતનો જથ્થો જપ્ત કરાયો છે. 

વધુમાં હિમાચલ પ્રદેશના ડ્રગ કન્‍ટ્રોલર સાથે આ દવાઓના લેબલમાં દર્શાવેલ ઉત્પાદક પેઢી Meg Life Sciences, Khasara No. 47/5, Pali Gaon, Dist. Sirmour – 173 001 અંગે ચકાસણી કરતાં આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તીત્વ ધરાવતી ન હોય તેવું માલુમ પડેલ તેમજ તેના કોઇ ખરીદ-વેચાણ બિલ રજુ કરેલ ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટીએ બનાવટી હોવાનું માલુમ પડ્યું છે. 

વધુમાં પેઢીની તપાસમાં પેઢીનો માલિક હરેશકુમાર રતીલાલ ઠક્કર તથા પેઢીના જવાબદાર વ્યક્તિ શ્રી જ્યોતિશ ત્રિવેદીની હાજરીમાં તમામ શંકાસ્પદ ગુણવત્તાવાળી દવાઓનો ખુબજ મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા ઉત્પાદક સુધીની લીંક પ્રસ્થાપિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દવાઓની ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૦૪ બનાવટોના નમુના પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 

વધુમાં શ્રી કોશિયાએ ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમી આધારે સ્વામીનારાયણ મેડીકલ એજન્‍સી, હિંમતનગરના માલીક શ્રી ધવલકુમાર ગોપાલભાઈ પટેલના રહેઠાણ ખાતે ગેરકાયદેસર અને અનઅધિકૃત વગર લાયસન્સ વાળી જગ્યાએ હિમતનગર શહેરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલ સેક્ટર-૧, રઘુકુળ સોસાયટીના સરનામે તપાસ હાથ ધરતા તેઓના રહેઠાણના ઉપરના માળે આવેલ રૂમોમાં કોઇને ખબર ન પડે એ રીતે વગર પરવાને વેચાણ અર્થે ખુબ જ મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલ ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતી તેમજ અન્ય દવાઓનો જથ્થો અંદાજીત રૂ. ૧૨.૭૪ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો છે.

Antipreg-Kit (Combipack of Mifepristone & Misoprostol Tablets) ૫૧ x ૧૦ કીટ, Clofresh OT (Itraconazole, Ofloxacin, Ornidazole & Clobetasol Propionate Cream) ૨૦ x ૩૦ x 15 ગ્રામ Alpram-0.5 (Alprazolam Tablets IP 0.5 mg) ૨૨ x ૬૦ x ૧૦ ટેબલેટ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી છે તેમજ દવાઓની ચકાસણી અર્થે અલગ અલગ બનાવટોના કુલ ૦૪ નમુના પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ દવાઓ ગર્ભપાત માટે વપરાતી, જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

ઉપરોક્ત બન્ને વ્યક્તિઓ દ્વારા બનાવટી દવાઓ અને ગર્ભપાત માટે વપરાતી દવાઓ ક્યાંથી મેળવતા હતા અને ક્યાં – ક્યાં વેચાણ કરતા હતા તે બાબતની આગળની ગહન તપાસ આ તંત્રના અધિકારીઓ દ્વારા ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news