જ્ઞાનસહાયક ભરતી મુદ્દે મોટા અપડેટ, ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
Gyan Sahayak Jobs : જ્ઞાનસહાયક કરાર આધારિત પ્રાથમિક વિભાગની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ... આજે ૧૨ સપ્ટેમ્બર અંતિમ તારીખ હતી, જેમાં વધારો કરી ૧૭ સપ્ટેમ્બર કરાઈ...
Trending Photos
Gandhinagar News : જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી માટે મોટા સમાચાર આવ્યા છે. પ્રાથમિક વિભાગની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, પરંતુ હવે 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. કરાર આધારિત ભરતીમાં ઓછા ફોર્મ ભરાતા તારીખ લંબાવાઈ છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારી ઉમેદવારોએ ફોર્મ ન ભરવાની અપીલ કરી છે.
જ્ઞાન સહાયકોને કાયમી કરવાની માંગ
ગુજરાતમાં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર અધારિત ભરતીનો ઠરાવ પાસ કર્યો હતો. જેનો રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.
ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
આ અંગે કેટલાક ઉમેદવાર રજૂઆત કરવા શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં 11 માસના કરાર આધારે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. પરંતું ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે આ વિશે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે.
પરંતુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારો પર શિક્ષણમંત્રી તાડૂક્યા હતા. છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા TET-TAT પાસ ઉમેદવારોએ આખરે થાકી-હારીને રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો ઘેરાવ કર્યો અને ત્રણ ત્રણ મહિનાથી ભરતી કેમ કરાતી નથી. તેવો સવાલોનો મારો ચલાવ્યો તો મંત્રી ઉમેદવારોને ઉદ્ધતાઈથી ઉડાઉ જવાબ આપતા જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, તમારે જ્ઞાન સહાયક યોજનામાં જોડાવવું હોય તો જોડાઓ. નહિતર ઘરે બેસી રહો.
ઉલ્લેખનીય છે કે, સોમવારે માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પ્રાથમિક શાળા માટે સોમવાર સુધીમાં 18,598 ફોર્મ ભરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે