10 દિવસ બાદ ગીર નેશનલ પાર્કના દરવાજા ટુરિસ્ટ્સ માટે ફરીથી ખુલ્લા કરાશે

ચોમાસું એ સિંહોનો મેટિંગ પીરિયડ હોવાથી આ દરમિયાન ગીર નેશનલ પાર્ક મુસાફરો માટે બંધ રાખવામાં આવે છે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પાર્ક બંધ હોય છે. 

10 દિવસ બાદ ગીર નેશનલ પાર્કના દરવાજા ટુરિસ્ટ્સ માટે ફરીથી ખુલ્લા કરાશે

16 ઓક્ટોબરે ગીર નેશનલ પાર્કમાં મુસાફરોને ફરીથી એન્ટ્રી મળવાનું શરૂ થશે. ફરીથી આ નેશનલ પાર્ક સિંહપ્રેમીઓથી ધમધમતો થઈ જશે. ચોમાસું એ સિંહોનો મેટિંગ પીરિયડ હોવાથી આ દરમિયાન ગીર નેશનલ પાર્ક મુસાફરો માટે બંધ રાખવામાં આવે છે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પાર્ક બંધ છે. હાલ ગીરમાં ટપોટપ થયેલા 23 સિંહોના મોત બાદ ગીર નેશનલ સ્તરે ફરીથી ચર્ચામાં આવ્યું છે. આ મામલો હવે કેન્દ્રમાં પહોંચ્યો છે. અને હવે તો ગીર નેશનલ પાર્ક પણ ટૂંક સમયમાં ખૂલી જશે.

વિસ્તાર વટાવી રહ્યાં છે સિંહો
ગીરમાં સિંહો જોવા માટે લોકોને જીપ સફારી બૂક કરાવવી પડે છે. પરંતુ હવે તો ગીરમાં રૂપિયા આપીને ગમે ત્યારે સિંહદર્શન કરાવી શકાય છે. ગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વેપલો ખુલ્લેઆમ કરાઈ રહ્યો છે. સિંહોને ઉશ્કેરવામાં ન આવે તો ક્યારેય માનવજાત પર હુમલો કરતા નથી. ગીર જંગલમાં નેડામાં વસતા માલધારી સિંહોના પ્રોત્સાહક અને પાલક હતા. આ માલધારીઓને અભ્યારણ્યની બહાર કરાયા તેને કારણે સિંહો ખોરાક-પાણીની શોધમાં જંગલ વિસ્તારની બહાર વિહાર કરતા થઈ ગયા છે. મૂળ ગીરમાં સિંહોની સંખ્યા કરતા ગીર બોર્ડરના બહારના રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધારે છે. આ જ કારણ છે કે હવે સિંહો અમરેલી, ઊનાના રહેણાંક વિસ્તારોમાં છાશવારે ચઢી આવતા હોય છે. બિનકાયદેસર સિંહ દર્શનનો મોટો વ્યવસાય ગીરમાં શરૂ થયો છે. જેમાં સિંહોને માંસ બતાવીને લલચાવવામાં આવે છે, જેથી તે શિકાર માટે ખુદ જંગલમાંથી બહાર આવે. આવી રીતે સિંહદર્શન કરાવીને વ્યક્તિદીઠ 5થી 10 હજાર રૂપિયા પડાવી લેવામાં આવે છે. એટલું જ નહિ, માંસમાં કેમિકલ નાંખીને સિંહ અર્ધબેભાન અવસ્થામાં આવે તેવું પણ કરાય છે.

gir-national-park-photo13.jpg    

વર્ષ    સિંહની વસ્તી
1920    50
1968    177
1979    205
1985    239
1990    284
1995    304
2000    327
2005    359
2010    411
2015    523

અહીં બતાવેલા આંકડામાં હવે ઘટાડો નોંધાયો છે. વિધાનસભામાં ગુજરાતના વિન વિભાગના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી કે, વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહોના મોત થયા હતા. તેના બાદ ગત 20 દિવસોમા 23 સિંહોના મોત થયા છે. જેને કારણે સિંહોની ગીરમાંથી ખસેડવાના પ્રશ્નો અનેકવાર ઉભા થતા રહ્યાં છે. ગીરના જંગલમાં આશરે 323 સિંહ અને જંગલની બહાર આશરે 200 સિંહ વસવાટ કરે છે. ગુજરાત સરકાર દ્વારા મળેલી માહિતી મુજબ, 2015માં 12 હજાર ચોરસ કિલોમિટરના વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. હવે સિંહની ગણતરી આગામી વર્ષે 2019માં થવાની છે. 

સિંહોના મોત
તાજેતરમાં સિંહોના મોત પાછળ જોખમી એવું સીડીસી વાયરસ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ ઉપરાંત માનવસર્જિત ઘટનાઓમાં સિંહોના મોત થતા રહે છે. સિંહનાં મૃત્યુ ખુલ્લા કૂવામાં પડી જવાથી, ઇલેક્ટ્રિક ફેન્સિંગથી, રોડ અકસ્માત તેમજ રેલવે અકસ્માતથી થાય છે. ગીરમાં અનેક એવા ખુલ્લા કૂવા આવેલા છે, જે સિંહો માટે જોખમી છે. પરંતુ સરકાર આ ખુલ્લા કૂવાને બંધ કરવાની કામગીરી કરી રહી છે. ગીરના રસ્તાઓ પરથી પસાર થતા વાહનો ભારે સ્પીડમાં નીકળે છે, તેથી રાત્રે વિહરતા સિંહો તથા અન્ય જાનવરો માટે તે જોખમી બની જાય છે. ( સિંહના મોત માનવસર્જિત હોવાની ધારાસભ્યએ આશંકા વ્યક્ત કરી...) આ ઉપરાંત સરકારે રેલવે લાઈનની બંને બાજુ રેલિંગ બનાવી દીધી છે. જેથી સિંહ પાટા પર ન આવી શકે. 

gir-national-park-photo18.jpg

ગીર ટુરિઝમ
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગીર ટુરિઝમને વિકસાવવામાં આવ્યું છે. જેને કારણે ગીરમાં આવનારા વિદેશ સહેલાણીઓની સંખ્યા પણ વધી રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે નેશનલ પાર્ક દ્વારા કેટલાક પેકેજ પણ જાહેર કરાયા છે. જેમાં ગીર ફન ટુર, જીપ સફારી, સાસણ ગીર હોલિડે ટુર અને સાસણગીર વિકેન્ડ ટુર જેવા પેકેજ છે. ગીર નેશનલ પાર્કની વેબસાઈટ પર તમને આ ટુરની સઘળી માહિતી મળી રહેશે. જેમાં મુસાફરોને 2થી લઈને વધુ દિવસો માટેના પેકેજની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ગીરમાં આવેલ રિસોર્ટસ અને હોટલની વ્યવસ્થા પણ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઈ છે. ગીરમાં જીપ સફારી સૌથી મોટું આકર્ષણ છે. જેમાં એક જીપમાં 6 વ્યક્તિઓને લઈ જવાનો ચાર્જ અંદાજે 5300 રૂપિયા રાખવામાં આવ્યો છે. 

કેવી રીતે પહોંચવું ગીર
મુસાફરો માટે ગીર નેશનલ પાર્કમાં પહોંચવું સરળ છે. ગીરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ છે. જ્યાંથી ગુજરાતના મોટાભાગના શહેરો સાથે કનેક્ટેડ ટ્રેન મળી જાય છે. આ ઉપરાંત રાજકોટ, સોમનાથ, દીવથી પણ ગીર પહોંચવું સરળ છે. 

ગીર પાસે આવેલું તુલસીશ્યામ
ગીર ફરવા જનારાઓને તુલસીશ્યામ હંમેશા આકર્ષે છે. જ્યાં ગરમ પાણીના કુંડ આવેલ છે. આ સ્થળ જંગલથી ઘેરાયેલું છે. તુલસીશ્યામ ઉનાથી 29 કિલોમીટર દૂર આવેલું છે. કુદરતી સૌંદર્ય, અદભૂત શાંતિ અને મનને પહેલી નજરે ગમી જાય તેવું છે આ સ્થળ. જૂનાગઢથી કેશોદ,વેરાવળ,કોડીનાર અને ઉના થઈને પણ તુલસીશ્યામ જઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news