દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને મળી ભેટ, તારાપુર-વાસદ રોડનું થયું લોકાર્પણ
મુખ્યમંત્રી પટેલે નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કર્યું હતું.
Trending Photos
મહેસાણાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં એર, રેલ અને રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે ગુજરાતના વિકાસને નવી ગતિ અને નવા સીમાચિહ્નો મળ્યા છે. રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. આ બાબતની પ્રતીતિ તમે ગુજરાત બહાર જાવ તો અથવા બહારના કોઇ ગુજરાતમાં આવે એટલે થયા વિના રહેતી નથી.
મુખ્યમંત્રી પટેલે નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.૨૦૬.૯૩ કરોડના વિવિધ ૬ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. હવે તારાપુરથી વાસદ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી જવાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. કોરોનાકાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રાને થંભવા દીધી નથી. ગુજરાતે કોરોનાકાળમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરીને લોકોની તકલીફ હળવી કરવાના તમામ પ્રયત્નો કર્યા છે.
પટેલે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, કોરોના કાળમાં સમગ્ર વિશ્વના અનેક વિકસિત દેશો પણ હતપ્રભ થઇ ગયા હતા, તેવા સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દિશાદર્શન કરીને કોરોનાની અસરો કેવી રીતે ખાળી શકાય તેવું કામ કરી બતાવ્યું છે.
ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને શાસન થકી જનસેવા અને સમર્પણના ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. તેમણે ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે અને હવે સમગ્ર દેશની સેવા નિષ્ઠાપૂર્વક કરી દેશને એક નવી ઉંચાઇ તરફ લઇ જઇ રહ્યા છે.
ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી જે કામોની અવગણના કરવામાં આવતી તેવા જ કામોને અગ્રતા આપવામાં આવી છે. જેમાં સ્વચ્છતા અભિયાન, શૌચાલય, વીજળી, સિંચાઇ, ઉજ્જવલા યોજના જેવી યોજના થકી પ્રધાનમંત્રી સાચા અર્થમાં ગરીબોના હમદર્દ બન્યા છે.
મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું કે, અમારી સરકારનું કોઇ કામ ચૂંટણીલક્ષી નથી હોતું. અમે પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહ્યા છીએ. અમારી સરકારે છેવાડા અને નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. અમારી સરકારના દ્વાર પ્રજાજનો માટે હંમેશા ખુલ્લા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, આ માર્ગની સમાંતર તારાપુર – બગોદરા કડીનું કામ પણ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તે પૂર્ણ થતાં પ્રવાસીઓને સારી સવલત મળશે. પહેલા એક જમાનો એવો હતો કે માર્ગો નહોતા. ગામડાઓમાં વીજળી નહોતી. પીવાના પાણીની કે આરોગ્યની સુવિધા નહોતી. પણ, લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. આજે ગુજરાતના તમામ ગામો રોડ કનેક્ટિવિટીથી જોડાયા છે. તે બાબતે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રની નેમ સાથે ગુજરાત નીત નવી ક્ષીતિજ હાંસલ કરી રહ્યું છે. રાજ્ય સરકારે દરેક ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યુ છે. રોડ રસ્તા, માળખાગત સુવિધાઓ, માર્ગ સલામતી, મહિલા સશક્તિકરણ, બેટી બચાવો, આદિજાતિ વિકાસ, વાહન વ્યવહાર વિકાસ , ઉદ્યોગ, કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઇ, પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય વિગેરે જેવા અનેકવિધ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. દરેક ક્ષેત્રના વિકાસને એક અભિયાન તરીકે લઇને તેને સંપૂર્ણ પણે સફળ કરવાની એક નૂતન પ્રણાલી ઉભી કરી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, માર્ગો એ ગુજરાતના વિકાસની ધોરી નસ સમાન છે. દેશમાં ક્યાંય ન હોય એવો અદ્યતન અને સુવિધાસભર તારાપુર-વાસદ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે રાજ્યના બે ભાગો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે વાહન વ્યવહારને સરળતા થઇ જશે અને ચાલકોના સમયની બચત સાથે ઇંધણની પણ બચત થશે.
પ્રધાનમંત્રી મોદીને શાસનકાળના ૨૦ વર્ષ પૂર્ણ થવાની બાબતે પટેલે કહ્યું કે, તેઓ ગુજરાતમાં રહ્યા અને ગુજરાતને સમગ્ર વિશ્વમાં નવી ઓળખાણ તથા પ્રતિષ્ઠા અપાવી છે અને ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડેલ બનાવવાનું શ્રેય પણ તેમને જાય છે. કોરોનાકાળમાં મોદીએ વિકાસની રફતાર થંભવા દીધી નથી.
સાંસદ મિતેશભાઇ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતો આ અદ્યતન માર્ગ ઝડપી યાતાયત માટે ખૂબ જ ઉપકારક પૂરવાર થશે. આ માર્ગનું કામ છેલ્લા દસ વર્ષથી અટક્યું હતું. પરંતુ, ગુજરાત સરકાર અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સક્રિય પ્રયાસોના કારણે આ માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ થઇ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને શાસનના ૨૦ વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રારંભે માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવાએ સૌનો આવકાર કરતા તારાપુર-વાસદ છ માર્ગીય હાઇવેની વિશેષતાની વિગતો આપી હતી. આભારવિધિ જીએસઆરડીસીના એમડી એસ. સી. મોદીએ કરી હતી.
આ વેળાએ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, સાંસદ મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને મયુરભાઇ રાવલ, પૂર્વ મંત્રી સી. ડી. પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ અને લાલસિંહ વડોદિયા, પક્ષ પ્રમુખ વિપુલભાઇ પટેલ, અગ્રણી ભાર્ગવ ભટ્ટ અને અમિત ઠાકર, પદાધિકારીઓ, કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યાન, સહિત અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે