ફેનિલ બન્યો કેદી નંબર 2231, ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે
Trending Photos
તેજશ મોદી/સુરત :સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવનારા સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં દોષિત ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે ગુજરાતમાં લોકો આ ચુકાદાથી ખુશ છે અને ફેનિલ પર ફીટકાર વરસાવી રહ્યા છે. ત્યારે સજા બાદ જેલમાં ફેનિલને કેદી તરીકે નંબર અપાયો છે. ગ્રીષ્માના હત્યારા ફેનિલને જેલમાં કેદી નંબર 2231 મળ્યો છે.
સુરત જેલમાં ફેનિલને કેદી તરીકે નંબર અપાયો છે. ગ્રીષ્મા વેંકરીયા હત્યા કેસમાં કોર્ટે ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે ફાંસીની સજા મળ્યા બાદ ફેનિલને નવો કેદી નંબર અપાયો છે. હાલ ફેનિલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રખાયો છે. આજે પાકા કામના કેદીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. તેને હવે ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે.
ગૃહરાજ્ય મંત્રી ગ્રીષ્માના પરિવારજનોને મળશે
ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારજનો સાથે મુલાકાત કરશે. સુરતમાં ગ્રીષ્માના ઘરે જઈ પરિવારજનોને મળશે. ગ્રીષ્માની હત્યા થઈ ત્યારબાદ તેના પરિવારજનો સાથે મુલાકાત કરી ગૃહ રાજ્યમંત્રીએ વચન આપ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા કરાવવામાં આવશે. ફેનિલને ફાંસીની સજા થતાં જ હવે હર્ષ સંઘવીએ પોતાનું વચન પાળી બતાવ્યું છે ત્યારે વચન પૂર્ણ થતાં તેઓ ગ્રીષ્માના પરિવારજનો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.
સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીને ફેનિલને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી છે. સેશન્સ કોર્ટના જજ વિમલ વ્યાસે મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ફેનિલને ચુકાદો સંભળાવાયો ત્યારે ગ્રીષ્માના માતા પિતા કોર્ટમાં હાજર હતા. ચુકાદો સાંભળીને તેઓ ભાવુક થયા હતા અને ન્યાય પાલિકાનો આભાર માન્યો હતો. કોર્ટે ફાંસીની સજા સંભળાવતી વખતે અવલોકન કર્યું કે, આરોપીને ગુનો કર્યા બાદ જરા પણ અફસોસ નહોતો. ગાળામાંથી લોહીના ફુવારા ઊડ્યા હતા, ગ્રીષ્મા આરોપીના પગમાં પડી હતી, તો પણ તેને જરાય દયા નહોતી આવી. આરોપીએ ઠંડા કલેજે 2 લોકોની હત્યા કરવાનો પ્રયાસ હતો. કોર્ટમાં જ્યારે ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે પણ આરોપીને સહેજ પણ અફસોસ નહોતો.
ચુકાદો આવ્યા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર. સાથે જ સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને મૃત્યુદંડની સજા કરી છે. બે લોકોને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે