સુરતમાં નકલી RC બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ, RTO એજન્ટની મિલીભગતથી ચાલતો હતો ખેલ

ગુજરાતમાં અત્યાર સુધી અનેક નકલી વસ્તુઓના પર્દાફાશ થયા છે. હવે સુરતમાં નકલી આરસી બુકનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી નકલી આરસી બુક બનાવતી ગેંગને ઝડપી લીધી છે. 
 

સુરતમાં નકલી RC બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ, RTO એજન્ટની મિલીભગતથી ચાલતો હતો ખેલ

સુરતઃ સુરતમાં નકલી RC બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. RTO એજન્ટની મિલીભગતથી નકલી RC બુક બનતી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે ડભોલીની સર્જન વાટીકામાં દરોડા પાડીને નકલી RC બુક બનાવવાના રેકેટને પકડી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી 370 નકલી RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને એક સ્ટેમ્પ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરનાર એક યુવાનની તપાસ દરમિયાન આ આખું કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ મૃતકની લોન બાકી હોવા છતાં RC બુક અન્યના નામે ટ્રાન્સફર કરી હતી. પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સુરત ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે મસમોટું ડુપ્લીકેટ આરસીબુક બનાવવાના કૌભાંડ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાંચે ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી બોગસ આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્માર્ટ કાર્ડવાળી ૩૭૦ આરસી બુક, ૧૦૦ કોરા સ્માર્ટ કાર્ડ, ૧૫ સ્ટેમ્પ મળી કુલ રૂ ૯૨,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરટીઓ એજન્ટ સહિત 5 લોકોની અટકાયતમાં લઇ રેકેટના મૂળ સુધી પહોંચવા પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે ડભોલીના સર્જન વાટીકાના ઘરમાં બોગસ આરસીબુક બનાવવામાં આવી રહી છે. જે બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે આ દિશામાં વર્કઆઉટ કર્યુ હતું અને ગત શનિવારે સાંજે ક્રાઈમ બ્રાંચની ટીમે ડભોલીમાં સર્જન વાટીકામાં દરોડા પાડયા હતા. પોલીસને અંકિત વઘાસિયા નામના યુવકના ઘરમાંથી સ્માર્ટ કાર્ડવાળી ૩૭૦ આરસી બુક, કોમ્પ્યૂટર, મોનિટર, સીપીયુ, કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર, કાર્ટીઝ, કોરા સ્માર્ટ કાર્ડ ૧૦૦નું બંડલ, ૧૫ રબર સ્ટેમ્પ, શાહીપેડ, ૨ મોબાઇલ મળી કુલ રૂપિયા ૯૨,૬૧૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ૩૭૦ આરસી બુક મળતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ચોંકી ગયા હતા. અહીં ઘરમાંથી રૂપિયા લઈ લોકોને બારોબાર નકલી આરસી બુક બનાવી આપવાનું રેકેટ ધમધમી રહ્યું હતું. ક્રાઈમ બાંચે ઘરમાંથી મળેલો તમામ મુદ્દામાલ કબજે લીધો હતો.

નકલી આર.સી. બુક બન્યા બાદ તેને જૂની ગાડીનું લે-વેચ કરતા આરોપી સવજીભાઇ ડાભીને આપી બાદમાં નામ ટ્રાન્સફર કરવા માટે આર.ટી.ઓ. એજન્ટ તરીકે તેઓ પાસેથી નકલી આર.સી. બુક વાળા ડોક્યુમેન્ટ લઇને આર.ટી.ઓ. કચેરી ખાતે નામ ટ્રાન્સફર કરાવવા આવતા હતા.

પોલીસ તપાસમાં 5 આરોપી પૈકી જિતેન્દ્ર પટેલ આરટીઓ એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આરટીઓ એજન્ટની મિલીભગતમાં અંકિત વઘાસિયા આ ગોરખધંધો કરતો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરટીઓ એજન્ટ જિતેન્દ્ર આરટીઓના રેકર્ડ રૂમમાંથી આરસી બુકના સ્માર્ટ કાર્ડ ચોરી જતો હતો. જે લોકો નામ ફેરફાર-સુધારા માટે આરસી બુક જમા કરાવતા હોય તે રેકર્ડ રૂમમાં જમા થતા હતા. જે આરટીઓ તંત્રની આંખમાં ધૂળ નાંખી સમયાંતરે એજન્ટ જિતેન્દ્ર ચોરી જતો હતો. જે પ્રિન્ટેડ કાર્ડ પર અંકિત વઘાસિયા કેમિકલ કે કોઇક પ્રવાહી છાંટી લખાણ ડિલિટ કરી દેતો હતો અને પોતાની પાસે રહેલા સ્પેશિયલ પ્રિન્ટર મશીનથી સ્માર્ટ કાર્ડ પર પ્રિન્ટ કરાવતો હતો. 

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ ભેગા મળીને લોન વાળા વાહનો જેના હપ્તા બાઉન્સ થયેલ હોયે તેવી ગાડીઓ સીઝ કરી તેને બેંક કે ફાઇનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે લોન સેટલમેન્ટ કરાવી NOC મેળવી તેને ગ્રાહકોને વેચાણ કરવા માટે નકલી આર.સી. બુક બનાવવા સારૂ સુરત પાલ આર.ટી.ઓ.ના રેકર્ડ રૂમમાં જમા થયેલ આર.સી. બુક ચોરી કરી તેનું લખાણ પેટ્રોલથી ભૂંસી નાખી તેના પર કોમ્પ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર વડે પ્રિન્ટ કરીને નકલી આર.સી. બુક બનાવી ગ્રાહકોને વાહન વેચાણ કરતી વખતે તેને નકલી આર.સી. બુક અસલ હોવાનું કહી નામ ટ્રાન્સફર કરાવવા માટે બીજા જરૂરી કાગળો લઇને આર.ટી.ઓ. કચેરી ખાતે મોકલી આપતા હતા. જ્યાં નામ ટ્રાન્સફર થયા બાદ ગ્રાહકોને આર.ટી.ઓ. તરફથી પોસ્ટ મારફતે અસલ આર.સી. બુક ઇશ્યુ થઇ જાય જેમાંનકલી આર.સી. બુક આર.ટી.ઓ. કચેરી જમાં થઇ એટલે નકલી આર.સી. બુક કોઇના હાથમાં ન આવે અને આવી રીતે તમામ આરોપીઓ ભેગા મળી ગુનો આચરતા હતા. હાલ તો ક્રાઈમ છે તમામ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે તો મોટા માથાના આરોપીઓ ના નામ બહાર આવે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news