ગુજરાતમાં મતદાનના દિવસે 'હિટ વેવ' સર્જશે મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી છે વિશેષ વ્યવસ્થા?
Loksabha Election 2024: 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ છે.
લોકોને મતદાન માટે જાગૃત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા 15 દિવસ માટે સઘન મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આવતીકાલે તા.05 મે ના રોજ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ‘Run for Vote’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદાર જાગૃતિના બેનર્સ સાથે લોકોને અચૂક મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગરના ઉદ્યોગ ભવનથી મહાત્મા મંદિર સુધી યોજાનારી Run માં ભાગ લેશે. તેમણે તમામ મતદારોને પોત પોતાના જિલ્લામાં આયોજીત ‘Run for Vote’ માં ભાગ લઈ મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું.
હિટ વેવ સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા
તા. 7 મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
વધુમાં, તમામ મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કિટ/ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ હશે. જેમાં મતદારને અસામાન્ય સંજોગોમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત Sun Stroke થી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેકટર ઓફિસર સાથે “મેડીકલ ટીમ” રહેશે, જેની પાસે પ્રાથમિક સારવાર માટે જરૂરી મેડિકલ કીટ્સ ઉપલબ્ધ રહેશે. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ સહિતના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ઍમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
હિટ વેવ સંદર્ભે મતદારોને અપીલ
મતદાનના દિવસે ગરમી અને Heat Wave ની સ્થિતીને પહોંચી વળવા National Disaster Management Authority દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરી છે. જેમ કે, મતદારે સાથે પાણી રાખવું અને પૂરતાં પ્રમાણમાં પાણી પીવું, હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ORS/લીંબુ શરબત/ છાસ વગેરેનો ઉપયોગ કરવો. જો બની શકે તો સવારે વહેલા મતદાન કરવા જવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે