શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર

Gujarat Education : શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગનો અનોખો પરિપત્ર... મહાનુભાવો આવવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના... તો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલનું સારું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ

શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં હવે શાળામા પ્રવેશોત્સવ યોજાશે. ત્યારે આ શાળા પ્રવેશોત્સવ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચિત્ર પરિપત્ર કરવામા આવ્યો છે. મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય ત્યાં સારી શાળા પસંદ કરવાની સૂચના પરિપત્રમાં અપાઈ છે. સાથે જ ભૈગોલિક સ્થિતિએ મોટી અને વધુ વિધાર્થીઓવાળી શાળા પસંદ કરવાની સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ મહોત્સવના નામે સારી ગુણવત્તાની શાળામાં મહોત્સવ કરીને સારૂ ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સારી શાળાનું ચિત્ર બતાવો...

આગામી 23, 24 અને 25 જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022-23નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તારીખ 23થી 25 જૂન દરમિયાન શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો એકસાથે જ યોજાશે. અગાઉ શહેરી કક્ષાનો અને ગ્રામ્ય કક્ષાનો પ્રવેશોત્સવ જુદા જુદા દિવસો દરમિયાન યોજાતો હતો. જ્યાં મુખ્યમંત્રી, વિવિધ મંત્રીઓ રાજ્યની વિવિધ સરકારી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવશે. ત્યારે શિક્ષણ વિભાગે તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવને લઈને વિચિત્ર પરિપત્ર કરતા શિક્ષણજગતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. કારણ કે, આ પરિપત્રમાં રાજ્યની સરકારી શાળાઓનું સારુ ચિત્ર બતાવવાનો પ્રયાસ કરાયો છે. તેનુ કારણ એ છે કે, થોડા સમય પહેલા ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તરનો મુદ્દે રાષ્ટ્રીય સ્તરે ઉછળ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટીએ શિક્ષણ નીતિને લઈને અનેક પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ, રાજ્યની સરકારી શાળાઓ અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. જેમ કે, જર્જરિત મકાન, વિદ્યાર્થીઓની ઓછી હાજરી, શિક્ષકોની ઓછી હાજરી અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ.

No description available.

આ છબી બહાર ન આવે તે માટે પરિપત્રમાં સૂચના અપાઈ કે, રાજ્યકક્ષાએથી આવનાર મહાનુભાવો માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઈને પસંદ કરવી, શક્ય હોય ત્યાં સુધી SoE (સ્કૂલ ઓફ એક્સલન્સ)ના પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી મોકલવી. રાજ્યકક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર મંત્રીઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓની યાદી તૈયાર કરીને તેઓ ક્યાં જિલ્લામાં કાર્યક્રમમાં ભાગ લેશે તેની યાદી શિક્ષણ વિભાગ મોકલશે.

શિક્ષણ મંત્રીની પરિપત્ર અંગે સ્પષ્ટતા

જોકે, આ અંગે વિવાદ થતા શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી હતી. શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવના પરિપત્ર અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે, પરિપત્રમાં ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ, ભૌગોલિક સુવિધાઓનો નહીં... વિરોધીઓ તેનો ખોટો પ્રચાર કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news