બ્રેકિંગ : દરિયામાં વાવાઝોડા જેવા પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા

બ્રેકિંગ : દરિયામાં વાવાઝોડા જેવા પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા
  • વાવાઝોડાની સ્થિતિમાં રાત્ર દરમિયાન તમામ બોટ ડૂબી હતી. કિનારાથી એકાદ કિલોમીટર દૂર લાંગરેલી બોટ લાપતા બની
  • વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

રજની કોટેચા/ગીર :ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયુ છે તે જોતા લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠાને હવે જવાદ વાવાઝોડું ધમરોળી રહ્યું છે. આવામાં ગીર સોમનાથના નવા બંદરમાં 15 જેટલી બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થવાની આશંકા છે. ગીર સોમનાથમાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની ચેતવણી છતાં માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા. માછીમારી સમયે ભારે પવન ફુંકાતા બોટ ડૂબી હોવાની શક્યતા છે. જેના કારણે માછીમારો ફસાયા હોય શકે છે. 

No description available.

દરિયામાં કરંટ ઉઠતા બોટ ડૂબી 
એક માછીમાર આગેવાન કિરણ સોલંકીએ ઝી 24 કલાકને જણાવ્યું કે, અગાઉથી સૂચના મુજબ 30 તારીખથી તમામ બોટ બંદર પર લાંગરેલી હતી. પરંતુ ગત રાત્રે 12 વાગ્યા બાદ દરિયામાં ભારે પવન અને કરંટ હતો. આ કરંટને કારણે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ છે. જેમાં સવાર 8 થી 10 ખલાસી હાલ લાપતા છે. હાલ તેમને શોધવાની કામગીરી સ્થાનિક માછીમારો દ્વારા કરાઈ રહી છે. અમે પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ પ્રશાસન હજી સુધી રેસ્ક્યૂ માટે અમારી મદદે પહોચ્યુ નથી. વાવાઝોડાની સ્થિતિમાં રાત્ર દરમિયાન તમામ બોટ ડૂબી હતી. કિનારાથી એકાદ કિલોમીટર દૂર લાંગરેલી બોટ લાપતા બની છે. આ બોટમાં રહેલા ખલાસીઓ જ લાપતા છે. 

બ્રેકિંગ : દરિયામાં વાવાઝોડા જેવા પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા

ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ અને પવન વચ્ચે ગત રાત્રે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હતી. આ ઘટનામાં કેટલાક ખલાસી લાપતા થયા છે. જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ છે. જેમાં 4 ખલાસીનો આબાદ બચાવ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. સાથે જ બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચના ને પગલે  કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

જવાદ વાવાઝોડાની ગુજરાતમાં અસર, વરસાદની આગાહી 
મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news