'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર, વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વિજિલન્સ તપાસની કરી માંગ

રાજ્યભરમાં અનેક જગ્યાએ નલ સે જલ યોજનામાં થઈ રહેલાં ભ્રષ્ટાચાર અંગે ઝી 24 કલાકે અનેક અહેવાલો પ્રસારિત કર્યાં હતા. હવે તો ખુદ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોતાના મતવિસ્તારમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિ થવી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. 

'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર, વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વિજિલન્સ તપાસની કરી માંગ

જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના ઝી 24 કલાકના અહેવાલને ફરી એકવાર સમર્થન મળ્યું છે. ખુદ વિધાનસભાના ઉપાધ્યક્ષે આ વાતને સમર્થન આપ્યું છે.  જેઠા ભરવાડે પોતાના મતવિસ્તાર પંચમહાલમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ મુખ્યમંત્રીને કરી છે.

ઘરે ઘરે નળના માધ્યમથી પાણી પહોંચાડવા માટેની નલ સે જલ યોજના સવાલોના ઘેરામાં છે. રાજ્યના એવા ઘણા વિસ્તારો છે, જ્યાં નળ પહોંચ્યા છે, તો પાઈપલાઈનનું કનેક્શન નથી અપાયું. અને પાઈપલાઈન નંખાઈ છે, તો તેમાં ક્યારેય પાણી નથી આવ્યું. ઝી 24 કલાકે આવા અનેક ગામડાં અને શહેરોના અહેવાલ પ્રસારિત કરીને યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. 

એવામાં હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલની શહેરા બેઠક પરથી ધારાસભ્ય જેઠા ભરવાડે પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને લાંચ રુશ્વ વિરોધી શાખાને પત્ર લખ્યા છે, જેમાં તેમણે નલ સે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માગ કરી છે.

નલ સે જલ યોજનાની કામગીરી વાસ્મો એજન્સી પાસે છે, ત્યારે જેઠા ભરવાડનો દાવો છે કે તેમણે નબળી કામગીરી બદલ વાસ્મોનું ધ્યાન પણ દોર્યું છે. તેમણે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે શહેરા અને ગોધરાના 90થી વધુ ગામોમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. તત્કાલીન કલેકટર સુજલ મયાત્રા પર કૌભાંડ આચરવાનો પણ તેમનો આરોપ છે. 

જેઠા ભરવાડની ફરિયાદ અંગે જ્યારે પાણી પુરવઠા મંત્રીને પૂછવામાં આવ્યું, તો તેમણે તપાસ અને કાર્યવાહીનો ઉલ્લેખ કરીને આદર્શ જવાબ આપ્યો. જેમાં વાસ્તવિકતા ક્યાંય નજરે ન પડી.

ઝી 24 કલાકે બે દિવસ પહેલાં જ પંચમહાલના ઘોઘંબા તાલુકાના જાબુવાણિયા ગામનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, ગામના પુજારા ફળિયામાં છેલ્લા એક વર્ષથી નલ સે જલ યોજના હેઠળ ઘેર ઘેર નળ મુકવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી તેમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. ગામના હેન્ડ પંપમાં કાટવાળું પાણી આવતા લોકોએ પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. 

આ ફરિયાદ અને આપવિતી ફક્ત આ એક ગામની નહીં, પણ રાજ્યના અનેક ગામડાંની છે. હદ તો ત્યારે થાય છે જ્યારે સત્તા પક્ષના ધારાસભ્યએ ફરિયાદ કરવી પડે છે. સવાલ એ ઉભો થાય છે કે શું નલ સે જલ યોજનાની કામગીરી પર સરકારનું નિરીક્ષણ નથી. શું કાગળ પર દેખાડેલી કામગીરીને જ વાસ્તવિક માની લેવામાં આવે છે. પાણી વિના લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે, તેની પાછળ જવાબદાર કોણ. જે દિવસે દરેક મકાનમાં લગાવેલા નળમાંથી પાણી આવશે, ત્યારે ખરી કામગીરી થઈ કહેવાશે. બાકી પોકળ દાવા કરવાનો કોઈ મતલબ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news