સરદાર સાહેબ કોઈ પ્રતિમાના મોહતાજ ન હતાઃ અહેમદ પટેલ
કોંગ્રેસે સરદારને અન્યાય કર્યો હોવાના ભાજપના આરોપોનો જવાબ આપતા પટેલે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ સરદાર સ્મૃતિ ટ્રષ્ટની બેઠકમાં હાજરી આપવા માટે આજે અમદાવાદ આવ્યા હતા. આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિતે તેમણે નમન કરતા કહ્યું કે, સરદાર પટેલની 182 મીટરની ઊંચી પ્રતિમા આકાર પામી તે આનંદની વાત છે. તેમણે કહ્યું કે, સરદાર સાહેબ સ્ટેચ્યુ કે પ્રતિમાના મોહતાજ ન હતા. તેમની પ્રતિભામાંથી અત્યારના નેતાઓએ શીખ લેવાની જરૂર છે. જો તેમની પ્રતિમા ન હોત તો પણ તેમની પ્રતિભાને કોઈ ઝાંખપ ન લાગત.
અહેમદ પટેલે કહ્યું કે, 31 ઓક્ટોબરનો દિવસ સંકલ્પ દિવસ હોવો જોઈએ. આ પ્રતિમાના નિર્માણના કારણે જેમણે બલિદાન આપ્યા છે, તેમને અન્યાય ન થવો જોઈએ. ખાસ કરીને આદિવાસીઓને સન્માન અને ન્યાય મળે તેવી જાહેરાત સરકારે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી અને આર્થિક સદ્ધરતા માટે સરકારે સંકલ્પ કરી જાહેરાત કરવી જોઈએ.
કોંગ્રેસે સરદારને અન્યાય કર્યો હોવાના ભાજપના આરોપોનો જવાબ આપતા પટેલે કહ્યું કે, આ વાત પાયાવિહોણી છે. જે નેતા આજે હયાત નથી તેમના નામે લોકો રાજકારણ કરી રહ્યાં છે. સરદાર, નહેરૂ સહિતના નેતાઓએ સાથે મળીને દેશની આઝાદી માટે કાર્ય કર્યું હતું. તેમના પત્રવ્યવહાર પરથી તેમની વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યુ છે. પરંતુ કોઈ વિખવાદ ન હતો. તેમની વચ્ચેના વિખવાદને રાજકીય ભાથુ સમજીને આજે પોતાના રાજકીય રોટલા શેકવા યોગ્ય નથી. લોકો પોતાની સત્તા ટકાવી રાખવા માટે રાજકીય રોટલા શેકી રહ્યાં છે. લોકો આજે સરદાર અને ગાંધીની વાતો કરી રહ્યાં છે.
સરદારની પ્રતિમાના અનાવરણમાં પોતે હાજરી આપશે તે અંગે તેમણે કહ્યું કે, હજુ આમંત્રમ મળ્યું કે, નહીં તેની ખબર નથી. પણ આ સરકાર સતત તેવું ઈચ્છે છે કે સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના લોકો ન આવે, તે માટે તેમની કાર્યક્રમના દિવસે સવારે 4 વાગ્યે ધરપકડ થઈ જાય છે. જે લોકશાહી માટે સારી બાબત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે