2018માં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી ધોની, વિશ્વના આઠ કીપરોએ બનાવ્યા તેના કરતા વધુ રન

મહેન્દ્ર સિંહ ધોનીએ આ વર્ષે 18 વનડે મેચ રમી છે. તે આ મેચોમાં 25.20ની એવરેજથી માત્ર 252 રન બનાવી શક્યો છે. 
 

 2018માં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી ધોની, વિશ્વના આઠ કીપરોએ બનાવ્યા તેના કરતા વધુ રન

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીના નામે ઘણી સિદ્ધિઓ છે, જે વિશ્વના અન્ય ક્રિકેટરો મેળવી શક્યા નથી. તે વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે, જેણે આઈસીસીની ત્રણેય ટ્રોફી (વનડે વિશ્વકપ, ટી20 વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી) જીતી છે. તે એકમાત્ર વિકેટકીપર કેપ્ટન છે, જેના નામે વિશ્વકપનો ખિતાબ છે. પરંતુ આજે તે ધોની ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બચાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટમાં આ દિવસોમાં સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે ધોની આગામી વિશ્વકપમાં રમશે કે નહીં? 

37 વર્ષીય ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યારબાદ તે માત્ર વનડે અને ટી20 મેચોમાં રમે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું બેટ બોલતું નથી. તે વિકેટકીપિંગ સારી કરી રહ્યો છે. પરંતુ બેટિંગમાં તેનો રંગ ફીકો પડતા તેના ભવિષ્યને લઈને સવાલ ઉભા થઈ રહ્યાં છે. આ દિગ્ગજ ખેલાડીને હાલમાં ટી-20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી વનડે શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં માત્ર 27 રન બનાવી શક્યો છે. 

કરિયરની એવરેજથી પણ અડધી એવરેજ
મહેન્દ્ર સિંહ ધોનીએ 2018માં 18 વનડે મેર રમી છે. આ મેચોમાં તેણે 25.20ની એવરેજથી માત્ર 252 રન બનાવ્યા છે. તેમાં એકપણ અડધી સદી સામેલ નથી. ધોનીનો સર્વોચ્ચ સ્કોર 42* રન છે. પૂર્વ કેપ્ટન ધોનીનું આ પ્રદર્સન તેના કરિયરના આંકડાથી ખૂબ નબળુ છે. ધોનીએ ઓવરઓલ 330 વનડે મેચોમાં 10,150 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની એવરેજ 50.24ની છે. 

ઈંગ્લેન્ડના બે વિકેટકીપરે બનાવ્યા ધોનીથી વધુ રન
જો આપણે ધોનીના આ વર્ષના પ્રદર્સનની તુલના અન્ય દેશોના વિકેટકીપર સાથે કરીએ તો તેની રમત નબળી રહી છે. ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોએ આ વર્ષે 22 મેચોમાં 46.59ની એવરેજથી 1025 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડના જોસ બટલરે 16 મેચોમાં 49.00ની એવરેજથી 637 રન બનાવ્યા છે. વધુ પડતા મેચોમાં બંન્ને વિકેટકીપર સાથે રમે છે. બટલર વિકેટકીપર તરીકે અને બેયરસ્ટો બેટ્સમેન તરીકે રમે છે. 

શાઈ હોપ, મુશફિકુર, અને ડિકવેલા પણ ધોનીથી આગળ
વેસ્ટઈન્ડિઝના શાઈ હોપ, અફઘાનિસ્તાનના મોહમ્મદ શહજાદ, ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર અને શ્રીલંકાના નિરોશન ડિકવેલા આ વર્ષે ધોનીથી વધુ રન બનાવનાર વિકેટકીપરોની લિસ્ટમાં સામેલ છે. ટેલરે 21 વનડે મેચોમાં 898, શહજાદે 18 મેચોમાં 607, શાઈ હોપે 13 મેચોમાં 578 અને ડિકવેલાએ 14 મેચોમાં 414 રન બનાવ્યા છે. તેમાં શાઈ હોપ અને ડિકવેલાએ ધોની કરતા ઓછી મેચ રમી છે. આયર્લેન્ડના નીલ ઓબ્રાયન (13 મેચોમાં 289 રન) પણ ધોનીથી વધુ રન બનાવ્યા છે. 

સરફરાઝ અને ટિમ પેનનું ધોની કરતા ખરાબ પ્રદર્શન
ધોનીની જેમ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનનું પ્રદર્શન 2018માં ખરાબ  રહ્યું છે. સરફરાઝે આ વર્ષે 15 વનડે મેચોમાં 20.75ની એવરેજથી 166 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 51* રન છે. ઓસ્ટ્રેલિયાના ટિમ પેને 9 મેચોમાં 21.85ની એવરેજથી 153 રન બનાવ્યા છે. તેના ખરાબ પ્રદર્શન બાદ ટિમ પેનને કેપ્ટનશિપ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. 

હાલના વિકેટકીપરોમાં ધોની સૌથી મોટો
37 વર્ષો ધોની હાલની ક્રિકેટ ટીમોના મહત્વના વિકેટકીપરોમાં સૌથી મોટો છે. વર્લ્ડ ક્રિકેટમાં તેના સિવાય પાંચ વિકેટકીપરોની ઉંમર 30 કરતા વધુ છે. આયર્લેન્ડના નીલ ઓબ્રાયન 36, ટિમ પેન 33, બ્રેન્ડન ટેલર 32, મુશફિકુર રહીમ 31 અને સરફરાઝ અહમદ 31 વર્ષનો છે. જોની બેયરસ્ટો, જોસ બટલર, શાઈ હોપ, ડિકવેલા, ક્લાસેનની ઉંમર 20થી 28 વર્ષ વચ્ચે છે. 

..... તો ટીમમાંથી બહાર થશે ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ 2018માં એકપણ મેચ વિનિંગ ઈનિંગ રમી નથી. વર્લ્ડ કપ પહેલા ભારતને 15 વનડે મેચ રમવાની છે. જો ધોની આ મેચોના શરૂઆત 10-12 મેચોમાં સારૂ પ્રદર્શન ન કરી શકે તો તે લગભગ આ પ્રદર્શનની સાથે વિશ્વકપમાં રમવા ઈચ્છશે. ટીમ મેનેજમેન્ટ લગભગ પ્લાન બી પ્રમાણે તેને ટી-20માંથી ડ્રોપ કર્યો છે. જેથી રિષભ પંત ટી20માં વિકેટકીપર તરીકે રમે અને તે પ્લાન બી મુજબ ભવિષ્યમાં ધોનીનું સ્થાન લઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news