ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો

ગુજરાતમાં એક તરફ ચોમાસુ શરૂ થયું છે. ત્યારે આણંદ જિલ્લામાં કોલેરાએ પગપેસારો કર્યો છે. જિલ્લામાં રોગચાળો વકરતા લોકો ચિંતામાં મુકાયા છે. બીજીતરફ તંત્રના પાસે લોકોએ દૂષિત પાણીમાં રહેવાનો વારો આવ્યો છે. 

ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો

બુરહાનખાન પઠાણ, આણંદઃ આણંદમાં એક તરફ કોલેરાનો પગપેસારો થઈ ચુક્યો છે. અનેક ઘરોમાં ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આણંદના જ ખોડિયાર વિસ્તારમાં લોકોના ઘરોમાં ગટરના દૂષિત પાણી ફરી વળતાં રોગચાળો વકરવાનો ભય સ્થાનિક લોકોમાં ઉભો થયો છે. ત્યારે કોના પાપે આણંદના લોકોને દૂષિત પાણીમાં રહેવાનો વારો આવ્યો છે. જોઈએ આ અહેવાલમાં..

આણંદ શહેર અને આજુબાજુના ગામડા હાલ કોલેરાના રોગની ચપેટમાં છે. આણંદ શહેર વિસ્તારમાં કોલેરાના 6 પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે. જ્યારે આણંદના મોગરી ગામમાં કોલેરાના 3 જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તો 50થી વધુ લોકો ઝાડા-ઊલટીની પીડાઈ રહ્યા છે. આણંદમાં 9 જેટલા કોલેરાના પોઝિટિવ કેસ આવતા તંત્ર પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગે વિવિધ 12 ટીમો બનાવી છે અને વકરેલા કોલેરાને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. 

એક તરફ આરોગ્ય વિભાગ કોલેરાને કાબૂમાં લેવા મથી રહી છે. તો બીજી તરફ નગરપાલિકાનું રોડ-ગટર ખાતું લોકોના ઘરે કોલેરા પહોંચાડવાનું કામ કરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નગરપાલિકાના આશીર્વાદથી આણંદ શહેરના ખોડિયાર વિસ્તારમાં ગટરોના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. એક તરફ લોકો બીમાર છે અને બીજી તરફ આ ગટરના પાણી લોકોને વધુ બીમાર પાડી રહ્યા છે. 

આણંદના નાની ખોડિયાર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગટરોનો દૂષિત પાણી નદીઓની જેમ વહી રહ્યા છે. આણંદમાં આવેલા સામાન્ય વરસાદમાં જ પાણી ગટરોમાંથી ઓસર્યા નહીં, ઉલ્ટાના બેક મારીને લોકોના ઘરોમાં ઘૂસી ગયા. આખી સોસાયટીના માર્ગ પર ગટરના પાણી ફરી વળતા લોકો રોષે ભરાયા છે, કેમ કે વૃદ્ધ હોય કે વડીલ, બાળકો હોય કે સ્ત્રીઓ તમામ લોકોને જો પોતાના ઘરમાંથી બહાર નીકળવું હોય તો ગટરોના દૂષિત પાણીની વચ્ચેથી નીકળવાની ફરજ પડી રહી છે. 

સોસાયટીના લોકોએ દૂષિત પાણીની સમસ્યાનો પ્રશ્ન જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કર્યો હતો. છતાં આજદીન સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં પ્રથમ વરસાદમાં જ ગટરોના દૂષિત પાણી સોસાયટીમાં ફરી વળતાં લોકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ગટરોના દૂષિત પાણીથી ત્રસ્ત હાલ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ આ સુત્રોચ્ચાર કોઈ કામનો નથી. કેમ આ કામચોર અધિકારીઓએ આજદીન સુધી કામ કર્યુ નથી અને કદાચ આગળ કરશે પણ નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news