બાળકોના અપહરણ અટકાવવા રાજકોટના બે વિદ્યાર્થીઓએ બનાવ્યો ચાઈલ્ડ સિક્યુરિટી પ્રોજેક્ટ
રાજકોટના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં ચાઈલ્ડ સિક્યુરિટી પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-10 પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે.
- રાષ્ટ્રીય કક્ષાએ થઈ પ્રોજેક્ટની પસંદગી
રાજકોટના વિદ્યાર્થીઓએ બનાવ્યો પ્રોજેક્ટ
ચાઈલ્ડ સિક્યુરિટી પ્રોજેક્ટ બનશે ઉપયોગી
Trending Photos
ઝી બ્યૂરો, રાજકોટઃ બદલાતા સમયની સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, અમદાવાદ હોય કે સુરત, રાજકોટ હોય કે વડોદરા તમામ મોટા શહેરોમાં બાળકોના અપહરણ અને ત્યાર બાદ ખંડણી માંગવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. મેગાસીટી અને મેટ્રોસીટીમાં સતત ગુનાખોરીનો ગ્રાફ ઉપર થઈ રહ્યો છે. આ સંજોગોમાં રાજકોટના બે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં પ્રોજેક્ટ થકી ચાઈલ્ડ સિક્યુરિટીને વેગ મળશે. તેમજ ચાઈલ્ડ કિડનેપિંગના કેસમાં ઘટાડો થશે.
કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે કાર્યરત નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર ભારતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 7000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના નવીનતમ આઈડિયા ધરાવતા સંશોધનો રજૂ કર્યા હતા. વિવિધ વિભાગના એક્સપર્ટસ અને વૈજ્ઞાનિકો દ્વારા દેશભરમાંથી આવેલ સંશોધન એન્ટ્રીઓનું અવલોકન કરી તેમાંથી શ્રેષ્ઠત્તમ સંશોધનાત્મક વિચારો ધરાવતા ટોપ 300 આઈડિયા રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ કરાયા છે. તેમાં ગુજરાતના ટોપ-10 આઈડિયા પસંદગી પામ્યા છે. જેમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય કાર્યરત અટલ ટીકરિંગ લેબમાં માસૂમ સ્કૂલના વિદ્યાર્થી દીપ અને ગુરુકુળના વિદ્યાર્થી બાંભરોલિયા નમ્રએ તૈયાર કરેલ ચાઈલ્ડ સિક્યુરિટી સિસ્ટમ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે.
આ પ્રોજેક્ટની મદદથી બાળકોનું કિડનેપિંગ અટકાવી શકાશે. સમગ્ર વિશ્વમાં મેટ્રો સિટીમાં ભિક્ષાવૃત્તિ, દેહ વ્યાપાર અને અંગોની તસ્કરી જેવા કાર્યો માટે બાળકોનું કિડનેપિંગ કરવામાં આવે છે અને આ કિડનેપિંગ થયાના થોડા જ સમયમાં જો તેમને પકડી શકાય તો બાળકોને બચાવી શકાય છે, દીપ અને નમ્ર દ્વારા તૈયાર થયેલી સિસ્ટમ બાળકોનું કિડનેપિંગ થતાની ક્ષણોમાં જ માતાપિતાને અને યોગ્ય ઓથોરિટીને એલાર્મ તેમજ SMS દ્વારા એલર્ટ મેસેજ આવશે જેથી કિડનેપિંગ અટકાવી શકાશે.
પ્રસ્તુત પ્રોજેક્ટ રેડિયો ફ્રીક્વન્સી આધારિત કાર્ય કરે છે. તેમાં બે યુનિટ હોય છે. જેમાં પહેલું યુનિટ ચાઈલ્ડ યુનિટ (ટ્રાન્સમીટર) જે નાના બાળકોને બેલ્ટ સ્વરૂપે પહેરવાનું હોય છે અને બીજામાં હોમ યુનિટ (રિસીવર) જે ઘરે અથવા માતા-પિતા પાસે રહે છે. જ્યારે બાળક રિસીવર યુનિટની રેન્જમાંથી બહાર જાય છે ત્યારે તરત જ એલાર્મ વાગે છે અને પેરેંટલ મોબાઇલમાં એલર્ટ મેસેજ મળે છે. તેના આધારે બાળકના યુનિટને ટ્રેકિંગ કરી શકાય છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ શિક્ષક એચ. પી. ભૂંડિયાના માર્ગદર્શન હેઠળ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે