જીતેલા કોર્પોરેટરોને પાટીલે સાનમાં કરી ટકોર, 'માપમાં રહેજો, પાર્ટીની તાકાત પર જીત્યા છો'

આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી.

જીતેલા કોર્પોરેટરોને પાટીલે સાનમાં કરી ટકોર, 'માપમાં રહેજો, પાર્ટીની તાકાત પર જીત્યા છો'

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્રારા વિજય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય ઉત્સવમાં જોડવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ પહોંચી ગયા છે. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ  પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા.

આવતીકાલે મોટેરા સ્ટેડિયમના ઉદઘાટનમાં હાજરી આપવા માટે અમિત શાહ અમદાવાદમાં જ છે. તેમણે સીઆર પાટીલ અને વિજય રૂપાણીને મળીને અભિનંદન પાઠવ્યા હતા.  તો બીજી બાજુ શહેરમાં ખાનપુર ભાજપના કાર્યાલય ખાતે જીતની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સાંજે પ્રચંડ જીતની ઉજવણીનો જશ્ન મનાવવામાં આવશે. 

પ્રદિપ જાડેજા ભાજપના કાર્યાલાય ખાનપુર ખાતે વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાતની પ્રજા અને કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી બન્યા અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા ત્યારે કર્ણાવતીના કાર્યકરોને ગૌરવ થયું હતું. આજના 159 નવા ચૂંટાયેલા કોર્પોરેટરો માટે પણ આપણને ગૌરવ છે. 

સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા 159 કોર્પોરેટરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતિન પટેલ સહિતના ભાજપના દિગ્ગજોને અભિનંદન પાઠવ્યા હતા. સી આર પાટીલે જણાવ્યું હતું ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. આપણો લક્ષ્યાંક 168 હતો. આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી. કેટલાય અનુભવી લોકોએ તમારા માટે એક જ અવાજે જગ્યા કરી છે અને તમને જીતાડવામાં મદદ કરી છે, એટલે તેમનો આભાર માનજો. 

સીઆર પાટીલે આગળ કહ્યું હતું કે આપણા કેટલાક ઉમેદવારો કેમ હાર્યા, કેટલા મતે હાર્યા એની ત્રુટીઓ શોધવી પડશે. આવતીકાલથી જ એના પર કામે લાગીશું. રાજકોટમાં 1 ટર્મ સિવાય 50 વર્ષથી ભાજપનો દબદબો છે અને અમદાવાદમાં પણ 1987 થી સતત ભાજપનો દબદબો છે. પંડિત દીનદયાળ જીના સંકલ્પને પૂર્ણ કરવા કાર્યકારો સતત કામ કરે છે. દરેક તકલીફમાં વિશ્વાસ સાથે લોકો ભાજપના કાર્યકરોને બોલાવે છે.

એટલા માટે જ એન્ટી ઈન્કમબંસી આપણને નડતી નથી અને નડવાની નથી, જીતેલા ઉમેદવારોએ આભાર દર્શન શરૂ કરવુ જોઈએ. આવતીકાલથી મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે. પીએમ મોદી તેનું જીવંત ઉદાહરણ છે. કેટલાય કાર્યકરોના બલિદાન બાદ ભાજપ આ સ્થળે છે અને આજે આપણે આરામથી ચૂંટણી જીતીએ છીએ. કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એટલે જીત આસાન થઈ છે પણ ભાજપે આવી આસાન જીતની ટેવ પાડવાની નથી. 

પોતાન સંબોધનમાં સીઆર પાટીલે જીતેલા કોર્પોર્ટરનોને સંદેશ આપ્યો હતો કે તમે તમારા દમ પર નથી જીત્યા, પાર્ટીની તાકાત પર જીત્યા છો. કોઇ દિવસ કાર્યકર્તાની ફરિયાદ ન આવવી જોઇએ. જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news