લોકસભાની સાથે ધ્રાંગધ્રા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર
ધ્રાંગધ્રાની બેઠક પરથી કોંગ્રેસના પરસોત્તમ સાબરિયાએ આ બેઠક પરથી રાજીનામું અપ્યું હતું, જ્યારે માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા
Trending Photos
નવી દિલ્હી/ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ પંચ દ્વારા રાજ્યની ઊંઝા વિધાનસભા બેઠક અને તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઈ હતી. જોકે, ચૂંટણી જાહેર થયાના બે દિવસ પહેલા જ ખાલી પડેલી ધ્રાંગધ્રા અને માણાવદર વિધાનસભા બેઠક અંગે એ સમયે ચૂંટણી પંચે કોઈ જાહેરાત કરી ન હતી.
માણાવદર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જવાહર ચાવડા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ સાબરિયા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને સોમવારે ભાજપમાં જોડાયા હતા. જેના કારણે આ બંને બેઠક ખાલી પડી હતી.
આ ઉપરાંત, ઊંઝા બેઠકના ઉમેદવાર આશા પટેલે રાજીનામું આપતા એ બેઠક ખાલી પડી હતી, જ્યારે તાલાલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડ ગેરલાયક ઠરતાં અધ્યક્ષ દ્વારા તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા હતા. આ કારણે તાલાલા બેઠક પણ ખાલી પડી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખોની સાથે-સાથે ઊંઝા અને તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. જોકે, માણાવદર અને ધ્રાંગધ્રાની બેઠક પરથી ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી જાહેર થવાના બે દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હોવાથી તેનો ચૂંટણી કાર્યક્રમમાં સમાવેશ કરાયો ન હતો. આથી, હવે ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી 2019ની સાથે જ યોજવાની જાહેરાત કરી છે.
ઘ્રાગધ્રા - માણાવદરની પેટાચૂંટણીનો કાર્યક્રમ
- 28 માર્ચઃ જાહેરનામું બહાર પડશે
- ૪ એપ્રિલઃ ફોર્મ ભરવાનું થશે શરૂ
- 8 એપ્રિલઃ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ
- 23 એપ્રિલઃ મતદાન
- 23 મેઃ મતગણતરી
આ રીતે, હવે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 4 બેઠકો (ઊંઝા, તાલાલા, માણાવદર, ધ્રાંગધ્રા) માટે પણ પેટા ચૂંટણી યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે