ગુજરાતના આ ગામે કોરોનામુક્ત રહીને બનાવ્યો રેકોર્ડ, આવા કડક છે નિયમો
પાટણા (Patana) ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે તે માટે ગામના સરપંચ અને તલાટી મંત્રીએ ગ્રામજનોને સાથે રાખી સરકારની ગાઇડલાઇન અને ગ્રામ પંચાયતના નિયમો બનાવ્યા અને તેનો અમલ ગામના નાના વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો કરી રહ્યાં છે.
Trending Photos
રઘુવીર મકવાણા, બોટાદ: બોટાદ (Botad) જિલ્લાના ગઢડા તાલુકાના પાટણા (Patana) ગામે ગ્રામ પંચાયતના પ્રયત્નો અને ગામના લોકોના સહકારથી જન જાગૃતિના ફલસ્વરૂપે પાટણા ગામમાં એકપણ કોરોનાનો કેસ આવ્યો નથી અને પાટણા ગામ કોરોના મુક્ત રહીને બોટાદ (Botad) જીલ્લામાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
સમગ્ર દેશમાં કોરોના (Coronavirus) હાહાકાર મચાવી રહ્યો છે નાના નાના ગામડાઓ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોના પોઝિટિવ આંક દિનપ્રતિદિન વઘી રહ્યાં છે તેની સાથે મૃત્યુઆંક પણ વઘી રહ્યાં છે, દર્દીઓ બેડ, ઓક્સિજન, (Oxygen) ઈન્જેક્શન (Injection) અને દવાઓ માટે જયાં ત્યાં ફરી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે સરકાર સહિત તમામ તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે.
ત્યારે બોટાદ (Botad) જિલ્લાના ગઢડા તાલુકામાં 3600 ની વસ્તી ઘરાવતા નાના એવાં પાટણા ગામના ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીના પ્રયત્નો તેમજ પાટણા ગામના ગ્રામજનોની જાગૃતિ અને એકતાના કારણે ગામમાં કોરોનાનો પ્રવેશ થઈ શક્યો નથી અને એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત ન થઈને સમગ્ર બોટાદ જિલ્લામાં પાટણા ગામે એકતા અને સંપનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી લોકોને પ્રેરણા પુરી પાડી છે.
પાટણા (Patana) ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે તે માટે ગામના સરપંચ અને તલાટી મંત્રીએ ગ્રામજનોને સાથે રાખી સરકારની ગાઇડલાઇન અને ગ્રામ પંચાયતના નિયમો બનાવ્યા અને તેનો અમલ ગામના નાના વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો કરી રહ્યાં છે.
ગત 5 એપ્રિલથી અમલવારી શરૂ કરવામાં આવી જેમાં સવારના 10 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની આ સમય દરમિયાન જેમણે ખરીદી કરવાની હોય તે દુકાનો પર જઈને ખરીદી કરે પરંતું એ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.
ગામમાં કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર નિકળે તો રૂ.500 નો દંડ વસૂલવામાં આવે છે અને તે રકમ અન્ય કોઈ કોવિડના દર્દીને ફ્રુટ લઈને આપવામાં આવે છે. આમ માસ્ક ફરજીયાતની સાથે નહીં પહેરનાર પાસેથી દંડ વસુલ કરી તે રકમ દર્દીની સેવામાં વાપરવામાં આવે છે. ત્યારે પાટણા ગામે ગ્રામ પંચાયત દ્વારા માસ્ક નહિ પેરનારા ૪ જેટલા લોકોને ગ્રામ પંચાયત દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
કોરોના મુક્ત પાટણા ગામને રાખવા માટે આયુર્વેદને ખુબજ મહત્વ આપવામાં આવે છે. પાટણા ગ્રામ પંચાયત દ્વારા ઉકાળા માટે આયુર્વેદિક વિવિધ ઔષધીઓના પાઉચ બનાવીને અને મિથેલીન બ્લુ ગામમાં પહોંચાડવામાં આવે છે. તે ઉપરાંત પંચાયત દ્વારા ગામમાં એક વીકમાં ત્રણથી ચાર વાર સેનેટાઈજ કરવામાં આવે છે.
જેના કારણે કોરોનાના વાયરસ તો અટકી જાય છે તેની સાથે અન્ય જીવાંતો નાશ પામતા અન્ય રોગચાળો અટકી જવા પામ્યો છે. બહાર ગામથી કોઈ વ્યક્તિ પાટણા ગામમાં આવવા ઈચ્છે તો ફરજીયાત રીતે મેડિકલ રીપોર્ટ કરાવવાનો રહેશે અને મેડીકલ રીપોર્ટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.
આમ કોરોના મુક્ત ગામ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા અનેક પગલાંઓ ભરવામાં આવ્યા છે ગ્રામજનો દરરોજ આયુર્વેદિક ઉકાળાનું સેવન કરે છે આમ પાટણા ગામે જાગૃતિના કારણે હાલમાં એક પણ પોઝિટીવ કેસ નથી તેમ છતાં કોઈ કેસ આવે તો તેને કોઈ તકલીફ ન થાય અને તુરતજ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 20 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગામના લોકોએ પણ જાગૃત બનીને સંપૂર્ણ સહકાર આપ્યો છે. જેથી ગઢડા તાલુકાના પાટણા ગામમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી અને પાટણા ગામ કોરોના મુકત થયુ છે.
પાટણા ગામે કોરોનાને નાથવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની સુજબુજથી ગામમાં સવૈછિક લોકડાઉન, ગામમાં સેનેટાઈઝનો છંટકાવ તેમજ ફરજીયાત લોકોએ માસ્ક પહેરવા વગેરે જે નિયમો બનાવ્યા છે તે સારા છે. તેમજ પાટણા ગામના તમામ લોકો આ નિયમના પાલન કરે છે અને ખરેખર અમારા ગામમાં તમામ સમાજના લોકો એક થયા જેથી ગામની એકતા વધી છે.
ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીની ખુબ જ મહેનતથી પાટણા ગામમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના એવા ગામ પાટણા કોરોના મુક્ત રહીને સમગ્ર જિલ્લા માટે પાટણા ગામ રાહબર બન્યો છે જો દરેક ગામ આ પ્રમાણે જાગૃત બને તો કોરોનાનો નાશ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે