ચલો ઉઠો... તમારે ભાજપના સદસ્ય બનવાનું છે! હોસ્પિટલમાં અડધી રાતે દર્દીઓને ઉઠાડી જબરદસ્તી સભ્ય બનાવાયા
BJP membership drive 2024 : રાજકોટમાં આંખના દર્દીઓને સભ્ય બનાવવા મુદ્દે આરપાર... કોંગ્રેસે કહ્યું, ટાર્ગેટ પુરો ન થતા કાર્યકરો જબરદસ્તી બનાવે છે સભ્ય.. તો ભાજપે કહ્યું, વીડિયો મુદ્દે કરીશું તપાસ..
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના રણછોડદાસ આશ્રમમાં મોતીયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓને પણ ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના દર્દીએ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં મોડી રાત્રે 11 વાગ્યે દર્દીઓને ઉંઘમાંથી ઉઠાડી એક શખ્સ મોબાઈલ નંબર લઈ અને પછી OTP નંબર મેળવતો જોવા મળી રહ્યો છે. આંખના મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓને પણ ભાજપ દ્વારા સદસ્યો બનાવવામાં આવતા હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે
- ભાજપને આવ્યો રાજકીય મોતિયો!..
- રાજકોટની પૂર્વ વિધાનસભા બેઠકના કાર્યકર ભૂલ્યા ભાન..
- સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા દર્દીઓને બનાવ્યા ટાર્ગેટ..
- સ્કૂલ-કોલેજ, નાટ્યગૃહ અને હવે હોસ્પિટલમાં સદસ્યતા..
રાજકોટ શહેર ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ભાન ભૂલ્યા છે. થોડા સમય પહેલા પડધરીની એક સ્કૂલમાં મોરબી ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાન કર્યું હતું. જોકે ત્યાર બાદ રાજકોટ શહેર ભાજપના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે હેમુ ગઢવી હોલમાં નાટકના શો શરૂ થાય તે પહેલા સદસ્યતા અભિયાનમાં જોડાવા અને રેફરલ કોડ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ વખતે તો નેતાઓએ હદ વટાવી દીધી હતી. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ આશ્રમ ખાતે આવેલ આંખની હોસ્પિટલમાં આવેલા મોતિયોના દર્દીઓને સદસ્યો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલના સંચાલકનો ખુલાસો
જોકે આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ હોસ્પિટલના સંચાલક શાંતિલાલ વાડોલિયા મીડિયા સમક્ષ આવ્યા હતા અને આ વીડિયોમાં દેખાતો શખ્સ કોઈ દર્દીઓ સાથે આવ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં CCTV ફૂટેજ આધારે આ શખ્સ કોણ છે અને ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવશે. રણછોડદાસ આશ્રમમાં જૂનાગઢની ત્રીમૂર્તિ હોસ્પિટલના કેમ્પમાંથી દર્દીઓને લાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે આ દર્દીઓને હોસ્પિટલમાં જ દાખલ રાખવામાં આવ્યા હતા. તે સમયે કોઈ શખ્સે આ સદસ્યતા અભિયાન કર્યું હોવાનું કહેવાય છે. જે અંગે ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ચીખલીયાની સાથે સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી છે
ભાજપને બદનામ કરવાનું કોઈ કાવતરું
જોકે આ મામલે રાજકારણ ગરમાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાનાર વ્યક્તિ કોણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. કોઈને પણ એવો ટાર્ગેટ નથી આપવામાં આવ્યો કે તેમણે ઊંઘતા દર્દીઓને હોસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે. આ પ્રકારનો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓએ 50 દિવસ સુધી પોતાની મર્યાદા જાળવીને ટાર્ગેટ કરતા પણ વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સમગ્ર ઘટનામાં ભાજપને બદનામ કરવાનું કોઈ કાવતરું તો નથી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસનો આક્ષેપ
તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે આરોપ લગાવ્યો હતો કે, રણછોડદાસ બાપુના આશ્રમમાં જ્યાં સેવા કર્યો થાય છે તેને પણ ભાજપે છોડ્યું નથી. દર્દીઓને ઉઠાડી ઉઠાડીને સદસ્ય બનાવ્યા છે. ભાજપ રણછોડદાસ બાપુના આશ્રમના સેવા કાર્યને પણ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈ પણ પરિવારોને પકડીને ભાજપના કાર્યકરો સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવી રહ્યા છે. લોકોને ડરાવી અને સદસ્ય બનાવવાનું અભિયાન ચાલી રહ્યો છે
રાજકોટ શહેર ભાજપના નેતાઓ આ વીડિયોમાં દેખાતો શખ્સ જૂનાગઢનો હોવાનું કહીને બચાવ કરી રહ્યા છે. જોકે સૌ લોકો જાણે જ છે કે ટાર્ગેટ પુરા કરવા ધારાસભ્યો દ્વારા લોભ-લાલચો આપવામાં આવી છે. તેમ છતાં સદસ્યતાના ટાર્ગેટ પુરા થઈ શકતા નથી. પરંતુ ગુજરાતમાં ટોપ 10માં આવવા માટે ધારાસભ્યો ગમે તે કરવા તૈયાર થયા છે અને દર્દીઓ હોઈ કે રસ્તે પસાર થતા લોકો હોઈ તમામને ભાજપ સાથે જોડી પોતાની વાહ વાહી કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
સદસ્યતા અભિયાન માટે ભાજપે આપ્યો છે ટાર્ગેટ
ગુજરાત ભાજપે પોતાના નેતાઓને સદસ્યતા અભિયાન માટે મસમોટો ટાર્ગેટ આપ્યો છે. ભાજપના મોટામાં મોટા અને નાનામાં નાના નેતાને નવા સદસ્ય બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. ભાજપના નેતાઓને 200 થી લઈ 7 લાખ સુધીના ટાર્ગેટ અપાયા છે. ધારાસભ્ય, સાંસદો અને પદાધિકારીઓને ટાર્ગેટ અપાયા છે. સાંસદોએ પોતાના મત વિસ્તારમાં 7 લાખ, જ્યારે ધારાસભ્યોએ મત વિસ્તારમાં 1 લાખ સભ્યો બનાવવા પડશે. આ સિવાય સાંસદે વ્યક્તિગત રીતે 10,000 અને ધારાસભ્યએ વ્યક્તિ ગત રીતે 5000 સભ્યો બનાવવાના રહેશે. ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. ત્યારે પ્રદેશમાંથી છૂટેલી સૂચના મુજબ, દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્ય ફરજિયાત બનાવવાના છે. આદેશથી તેઓ વિમાસણમાં મુકાયા છે.
કોને કેટલા ટાર્ગેટ અપાયા
- કોર્પોરેટર માટે 2000
- જિલ્લા પંચાયતના સભ્યો માટે 1000
- તાલુકા પંચાયતના સભ્યો માટે 500
- પ્રદેશના પદાધિકારીઓ માટે 1000
- મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજક 1000-1000
- પૂર્વ સાંસદ 2000
- પૂર્વ ધારાસભ્ય 1000
- 2022 માં ચૂંટણી હારેલા ઉમેદવારોએ 2500
ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા છે
ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4.80 કરોડની આસપાસ છે. તેથી ભાજપે વર્ષ 2027 ની ચૂંટણીઓ જીતવા માટે 2 કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા.
હવે સવાલ એ છે કે, ભાજપના આ ટાર્ગેટ તેમના નેતાઓ કેવી રીતે પાર પાડશે. તેમાં પણ સાંસદો અને ધારાસભ્યો માટે આ ટાર્ગેટ તોતિંગ બની રહ્યો છે. જે નેતાઓ પોતાના ચૂંટણીમાં માંડ બે-ચાર લાખ વોટ ભેગા કરીને નેતા બને છે તેઓ 7 લાખ નવા સદસ્યો ક્યાંથી લાવશે.
દર છ વર્ષે એક વખત થાય છે અભિયાન
દર છ વર્ષે ભાજપ દ્વારા એક વખત સદસ્યતા નોંધણી અભિયાન રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવે છે જેમાં પક્ષમાં જોડાયેલા તમામ સદસ્યો ફરી એક વખત પક્ષમાં જોડાઈને ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરે છે. આ વર્ષે સદસ્યતા અભિયાનમાં પક્ષનો કાર્યકર તેમના થકી 100 વ્યક્તિને પક્ષની સદસ્યતા અપાવે તેવા તમામ સદસ્યો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ માગવાનો અધિકારી બને છે. જે સભ્યોએ 100 કરતાં ઓછા સભ્યો સદસ્યતા અભિયાન દરમિયાન ભાજપમાં જોડયા હશે તે પક્ષનો કાર્યકર આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર બનવા માટે ટિકિટની માંગણી કરી શકતો નથી જેને લઈને પણ ભાજપનું આ સદસ્યતા અભિયાન ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે પણ મહત્વનુ બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે