જસદણ પેટા ચૂંટણી: ભાજપની મહારેલી, અવસર નાકિયા કાર્યકરો સાથે થઈ ચડભડ

જસદણમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા છે. જ્યારે કોંગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. 

જસદણ પેટા ચૂંટણી: ભાજપની મહારેલી, અવસર નાકિયા કાર્યકરો સાથે થઈ ચડભડ

રક્ષિત પંડ્યા, જસદણ: જસદણ પેટાચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે પાંચ વાગ્યા બાદ જસદણ મતવિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર નહીં કરી શકે. જિલ્લા બહારના નેતાઓ જસદણ મતવિસ્તારમાં નહીં રહી શકે. તેઓએ પાંચ વાગ્યા પહેલા જસદણ મતવિસ્તાર છોડી દેવો પડશે. ચૂંટણીપંચ પણ મતદાન પહેલા સમીક્ષા કરશે. જો કે આજે છેલ્લા દિવસે પણ ભાજપ દ્વારા રેલી આયોજિત કરવામાં આવી છે. રેલીનો પ્રારંભ સવારે 9 વાગ્યે વીંછીયાથી થયો. હાલ રેલી જસદણ પહોંચી ગઈ છે. જસદણમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા છે. જ્યારે કોંગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યાં છે. 

જો કે આજની આ મહારેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અટવાઈ ગયા હતાં. રેલીમાં ફરી રહેલા ભાજપના કાર્યકરોએ તેમને રોક્યા અને ભાજપને મત આપવા કહ્યું હતું. એક તબક્કે તો અવસર નાકિયા અને ભાજપના કાર્યકરો વચ્ચે થોડી ચડભડ પણ થઈ હતી. જો કે ત્યારબાદ નાકિયા ત્યાંથી રવાના થઈ ગયા હતાં. 

ભાજપની આ પ્રચાર રેલીની શરૂઆત વીંછિયાથી થઈ અને જે જસદણ સુધી રહી. રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતાં. જેમાં ભીખુભાઇ દલસાણીયા, મોહન કુંડારીયા, કાંતી અમૃતીયા, પુનમ મકવાણા પણ જોડાયા હતાં. અંજલી બેન રૂપાણી સંહિતાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. 

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ સજ્જ
જસદણની વિધાનસભા પેટાચૂંટણીને લઈને પોલીસ એકદમ સજ્જ થઈ ગઈ છે. પેટાચૂંટણીમાં 1100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ છે.  પોલીસના 306 , ગૃહ રક્ષક દળના 311 જવાનો તેમજ લશ્કરી દળની 6 કંપની બજાવશે ચૂંટણીમા ફરજ બજાવશે. કુલ 159 સ્થળ પર 262 બુથ છે જે પૈકી 72 સ્થળોના 126 બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. 

મતદાનના દિવસે દરેક બુથ મુજબ પોલીસ અને હોમગાર્ડ જવાનની ફાળવણી કરવામાં આવી છે. પેરા મિલિટરીની 6 કંપનીના 540 જવાનો જસદણ ખાતે પેટા ચૂંટણીના સુરક્ષા કવચમા જોડાશે.મતદાન પૂર્ણ થયા બાદ પેરા મિલિટરી ની 5 કંપની રવાના થશે અને બાકી 1 કંપની ના જવાનો સ્ટ્રોંગ રૂમ બહાર ફરજ પર હાજર રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news