રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબ

Rajkot fire latest update : રાજકોટ ગેમઝોનની આગમા 28 લોકો જીવતા હોમાયા, પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બે ટ્વિટ કરીને પોતાની ફરજ પૂરી કરી, રૂપાલાને રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય કેમ ન મળ્યો
 

રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબ

Parsottam Rupala : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ચારેતરફથી સરકારના માથે માછલા ધોવાઈ રહ્યાં છે. ચમરબંધીઓને છોડવામાં નહિ આવે એવુ વારંવાર કહેતી સરકાર પાછળથી બદલાઈ જાય છે. રાજકોટ ગેમઝોનની આગમાં 28 જીવતા ભુંજાયા. બે દિવસથી પીડિત પરિવારોએ પાણી પીધું નથી, તેમના ગળાથી કોળિયો પણ ઉતર્યો નથી. બે દિવસથી રાજકોટમાં ધમાલ મચી છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર પણ દોડતી થઈ ગઈ છે, પરંતુ ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા આખા પિક્ચરમાં ગાયબ છે. મત માંગવા રૂપાલા આખું રાજકોટ ફેંદી વળ્યાં, સભાઓ કરી, રેલીઓ કાઢી, પરંતુ જ્યારે રાજકોટને જરૂર પડી ત્યારે જ રૂપાલા ગાયબ રહ્યાં. 

સળગતા સવાલ

  • રૂપાલાને રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય કેમ ન મળ્યો
  • શું બે ટ્વિટથી રૂપાલાની ફરજ પૂરી થાય છે 
  • રૂપાલાને કેમ રાજકોટ આવવાનો સમય ન મળ્યો

રાજકોટ માટે રૂપાલાની બે લાઈનની ટ્વિટ
રાજકોટ ખાતે TRPગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટના વિશે સાંભળીને શોકની લાગણી અનુભવું છું. આ ગંભીર દુર્ઘટનામાં રાહત, બચાવ અને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર આપવા માટે કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી. પ્રભુ મૃતકોના આત્માને ચિર શાંતિ સહ તેમના પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઈજાગ્રસ્તનો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે, તેવી પ્રાર્થના.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2024

 

રાજકોટ અગ્નિકાંડમાં અડધું રાજકોટ પીડિત પરિવારોની મદદે આવ્યું હતું. સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી દોડતા આવી ગયા હતા. બે દિવસથી રાજકોટ આખા દેશમા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવા મોટા અગ્નિકાંડમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા ગાયબ દેખાયા. આટલી મોટી ઘટનામાં રૂપાલાએ માત્ર બે ટ્વીટ કરીને પોતાની જવાબદારી પૂરી કરી. પરંતું બે દિવસમાં તેમણે રાજકોટ આવવાની તસ્દી પણ ન લીધી. રૂપાલા એવા તો કયા કામમાં વ્યસ્ત હતા, તે તેઓને રાજકોટની હોસ્પિટલમાં પીડિત પરિવારોને મળવાનો વિચાર પણ ન આવ્યો. 

લોકસભાની ચૂંટણીમાં ભાજપે પેરાશૂટ ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. આંતરિક વિવાદ અને રાજપૂતોના વિરોધ વચ્ચે પણ ભાજપ પોતાના ઉમેદવાર માટે મક્કમ હતું. રાજકોટમાંથી રૂપાલા નહિ હટે તેવું ભાજપે ઠાની લીધું હતું. વિરોધ વચ્ચે પણ રાજકોટવાસીઓ રૂપાલાને પડખે રહ્યા હતા. ભાજપના ઉમેદવારને તેઓએ માથે બેસાડીને સાથ આપ્યો હતો. રૂપાલાએ જ્યાં જ્યાં રેલી કરી ત્યાં રાજકોટમાં જનમેદની ભેગી થઈ હતી. રાજકોટવાસીઓએ રૂપાલાને સાથ આપ્યો, પણ જ્યારે રાજકોટવાસીઓને જરૂર પડી ત્યારે રૂપાલા જ ન દેખાયા. તો શું રૂપાલાને રેલી અને સભા યોજવાનો સમય હતો, પણ રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય તેમને ન મળ્યો. 

જો રૂપાલા લોકસભાની ચૂંટણીમાં જીત્યા તો આ જ તેમનો સંસદીય વિસ્તાર બનશે. પરિણામ પહેલા જ રૂપાલા રાજકોટની અવગણના કરી શક્તા હોવ, તો પછી પરિણામ બાદ શું થશે. ગમે તે હોય, પણ રૂપાલાજી આ તમારી જવાબદારીમાં આવતું હતું. રાજકોટના ઉમેદવાર તરીકે નહિ, પણ માનવતા દાખવીને પણ ભાજપના અન્ય નેતાઓની જેમ તમારે રાજકોટ આવવું જોઈતું હતું. પણ, તમે ન આવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news