ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ, કોલ સેન્ટરો દ્વારા કરાશે સંપર્ક

સોશિયલ મીડીયાના માધ્યમથી કોંગ્રેસ ભાજપના કેટલાક પોકળ દાવાઓને ખુલ્લો પાડી રહ્યા છે. ત્યારે આ વખતે ભાજપ સોશિયલ મીડીયા આર્મી સાથે સાથે નવી એક વ્યવસ્થા ઉભી કરી રહી છે.

ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ, કોલ સેન્ટરો દ્વારા કરાશે સંપર્ક

કિંજલ મિશ્રા, અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ તથા કોંગેસ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વખતે ભાજપે પોતાના કાર્યકર્તાઓ સાથે જ લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે કોલ સેન્ટરનો  ઉપયોગ કરવામાં આવશે. 

ભાજપની ચૂંટણી લડવાની એક આગવી પદ્ધતિ છે તેમાં પણ ગુજરાત હંમેશા રાજકીય લેબોરેટરી તરીકે જોવામાં આવે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને દેશભરમાં જીતાડવામાં તથા નરેન્દ્ર મોદીને દેશના પીએમ તરીકે સ્થાન અપાવવામાં સોશિયલ મીડીયાનો ખૂબ મહત્વનો ફાળો હતો. પહેલી વાર દેશમાં કોઇ ચૂંટણીનો સોશિયલ મીડીયાની ઇફેક્ટ વર્તાઇ રહી હતી.  

જો કે હવે આ જ સોશિયલ મીડીયાના માધ્યમથી કોંગ્રેસ ભાજપના કેટલાક પોકળ દાવાઓને ખુલ્લો પાડી રહ્યા છે. ત્યારે આ વખતે ભાજપ સોશિયલ મીડીયા આર્મી સાથે સાથે નવી એક વ્યવસ્થા ઉભી કરી રહી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભા બેઠક દીઠ કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે અને આ તમામ 26 લોકસભા બેઠક પર કાર્યરત કોલસેન્ટરનું મોનિટરીંગ કરવા માટે કમલમ ખાતે એક સેંટ્રલ કોલ સેન્ટર પર ઉભું કરવામાં આવશે. વિજયા દશમીની આસપાસ તમામ લોકસભાના આ વ્યવસ્થા ઉભી કરવા માટે હાલમાં ગતિવિઘીઓ શરૂ કરી દેવામા આવી છે.

મહત્વનું છે કે ભાજપ દ્વારા હાલમાં તમામ લોકસભા ક્ષેત્ર પ્રમાણે ડેટા એકત્રીકરણનું કામ ચાલી રહ્યુ છે. તથા એક તરફ બૂથ સ્તર સુધી જઇ ભાજપની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓને  લોકો સુધી પહોંચાડવાનો મોવડી મંડળ દ્વારા કાર્યકર્તાઓને સૂચન આપવામા આવ્યુ છે. ત્યારે કોલ સેન્ટર દ્વારા જે તે મતવિસ્તારમા લોકો સાથે ફોનથી સંપર્ક કરવામાં આવશે તેમજ તેમના વિસ્તારો યોજનાઓ કાર્યરત છે કે નહી સાથે જ તેમના વિસ્તારની સમસ્યા સાંભળવામાં આવશે. 

ભાજપના કાર્યકર્તા પદાધિકારીઓ દ્વારા તેમના વિસ્તારમાં સંપર્ક કરવામાં આવે છે કે નહી તે અંગે પણ જાણકારી લેવામાં આવશે. તો પ્રજાનો મૂડ જાણવાનો પણ પ્રયાસ કરવામા આવશે અને તેનું સીધું રીપોર્ટીગ કમલમ તથા દિલ્હી ખાતે કરાશે. 

મહત્વનું છે ગત ચૂંટણી દમ્યાન ગુજરાત સાથે દેશભરમાં મોદી વેવ હતો જો કે નરેંદ્ર મોદીના દિલ્હી ગયા બાદ ગુજરાતની રાજકીય પરિસ્થિતમાં ઘણો ફેરફાર આવી ગયો છે. જેની સીધી અસર વિધાનસભાની ચૂંટણીમાં દેખાઇ હતી. ત્યારે ભાજપ ગુજરાતમાત્ર એક પણ સીટ જવા દેવામાં મૂડમાં નથી. તો બીજી તરફ  કોંગ્રેસ દ્વારા પણ ગ્રાઉન્ડ પર મહેનત શરૂ કરી દેવામા આવી છે. ત્યારે ભાજપના કેંદ્રીય મોવડી મંડળ દ્વારા ઝીણામાં ઝીણી વસ્તુ પર બારીકાઇથી નજર રાખવા માટે કોલસેન્ટરનો કોન્સેપ્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. ત્યારે આ નવતર પ્રયોગના પરિણામો શું આવશે અને કેટલો કારગત નિવડશે એ ચૂંટણીના પરિણામો જણાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news