ભાજપે કોંગ્રેસને આપ્યો સૌથી મોટો ઝટકો : કોંગ્રેસમાં લાંબી મજલ કાપનાર નારણ રાઠવા હવે કેસરિયા કર્યાં

Naran Rathva Joins BJP :  કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા હવે ભાજપના.... પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો.... ભાજપની નિર્ણયશક્તિના કારણે પિતા-પુત્ર ભાજપમાં જોડાયા...
 

ભાજપે કોંગ્રેસને આપ્યો સૌથી મોટો ઝટકો : કોંગ્રેસમાં લાંબી મજલ કાપનાર નારણ રાઠવા હવે કેસરિયા કર્યાં

Loksabha Elections : લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી બેલ્ટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. ફરી એકવાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. નારણ રાઠવાના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાંચ વખત લોકસભાના સાંસદ અને UPA સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી રહી ચૂકેલા રાઠવા કોંગ્રેસમાં લાંબી મજલ કાપ્યા બાદ હવે ભાજપના થયા છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બેલ્ટમાં બીજી મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં જ નારણ રાઠવાનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થયો છે. નારણ રાઠવા પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપની નિર્ણયશક્તિના કારણે પિતા-પુત્ર ભાજપમાં જોડાયા તેવુ તેમણે મીડિયાને જણાવ્યું. 

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા આજે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના વધુ એક રાઠવા ભાજપમાં જોડાશે. આજે ગાંધીનગરના કમલમમાં ફરીથી ભાજપનો ભરતી મેળો લાગ્યો છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને નેતાઓએ કેસરિયા કર્યાં છે. જેમાં નારણ રાઠવાનું નામ ચોંકાવનારું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચથી ગુજરાતમાં નીકળશે. આ યાત્રા ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ફરશે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાની આવા સમયે પક્ષમાંથી વિદાય લેવી એ કોંગ્રેસ માટે મોટો ફટકો સાબિત થશે.

કોણ છે નારણ રાઠવા? 

  • છોટા ઉદેપુર નારણ રાઠવાનો ગઢ
  • આદિવાસી સમાજનો કદાવર ચહેરો
  • આદિવાસી વિસ્તારોમાં મજબુત પકડ
  • UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે
  • નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી
  • નારણ રાઠવા 5 વાર લોકસભાનાં સાંસદ રહ્યા
  • નારણ રાઠવા 1989માં પહેલી વાર લોકસભા ચૂંટણી જીતી
  • 1991,1996,1998 અને 2004માં પણ લોકસભા ચૂંટણી જીત્યા
  • 2004થી 2009 વચ્ચે UPAમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રહ્યા
  • 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે હાર્યા
  • 2018માં કોંગ્રેસે રાજ્યસભા મોકલ્યા હતા

અહેમદ પટેલના ખાસ નેતા ગણાતા
નારણ રાઠવા 1990 થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી  હતી અને વી.પી. સીંગ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા ત્યારબાદ ફરીથી 1995 માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999 માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસીંગ રાઠવા સામે તેઓની હાર થઈ હતી.2004 માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. ૨૦૦૯ અને ૨૦૧૪ માં તેઓની રામસીંગ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ ૨૦૧૮ માં મળ્યો હતો અને રાજયસભાના સાંસદ  તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

કૉંગ્રેસને કેટલો મોટો ફટકો?

  • આદિવાસી પટ્ટામાં 'રાઠવારાજ' ચાલે છે
  • છોટા ઉદેપુરમાં કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પડી જશે
  • આદિવાસી વોટબેંક સંપૂર્ણ ભાજપના ખોળામાં જતો રહેશે
  • રાહુલ ગાંધીની યાત્રાને આદિવાસી બેલ્ટમાં નબળો પ્રતિસાદ મળશે
  • મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ વધુ નબળી પડશે

આજે કોણ કોણ કેસરિયા કરશે 
કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પીન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. પીન્ટુ રાઠવા તાલુકા પંચાયત ચૂંટણી બાદ બળવો કરીને પ્રમુખ બન્યા હતા. તેમને તાલુકા પંચાયતમાં બળવો કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે પીન્ટુ રાઠવાએ ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આજ રોજ પીન્ટુ રાઠવા ફરીથી ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. 

આદિવાસી બેઠકોનું ગણિત
1. ગુજરાતની 26માંથી 4 લોકસભા બેઠકો ST અનામત
2. દાહોદ લોકસભા બેઠક (ST અનામત)
   છોટા ઉદેપુર લોકસભા બેઠક (ST અનામત)
   બારડોલી એસટી લોકસભા બેઠક (ST અનામત)
   વલસાડ એસટી (ST અનામત)

3. ભરૂચ અને નર્મદામાં આદિવાસીઓનું પ્રભુત્વ
4. બનાસકાંઠા અને પંચમહાલમાં આદિવાસીઓનું પ્રભુત્વ
5. ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી 89.17 લાખથી વધુ
6. રાજ્યની કુલ વસ્તીના 15 ટકાથી વધુ આદિવાસી

તો મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ આગેવાનો અને કાર્યકરો આજે કેસરિયા કરશે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિતના આજે ભાજપમાં જોડાશે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિત 200 થી વધુ લોકો ગાંધીનગર જવા માટે મોરબીથી રવાના થયા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયા કેસ ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news