મહાશિવરાત્રિએ ગુજરાતમાં અહીં ભરાશે સૌથી મોટો મેળો, આ વર્ષે ભવનાથ ક્ષેત્ર શિવમય બની રહેશે!

Maha Shivratri 2024: ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્‍મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્‍યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્‍કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. 

 મહાશિવરાત્રિએ ગુજરાતમાં અહીં ભરાશે સૌથી મોટો મેળો, આ વર્ષે ભવનાથ ક્ષેત્ર શિવમય બની રહેશે!

Maha Shivratri 2024 Date:ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળઓમાં કુંભનો મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ)સાથે જોડાયેલ શિવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં પ્રતિ વર્ષની માફક આ વરસે પુરા ઉમંગ ઉલ્લહાર સાથે યોજાનાર છે. ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્‍મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્‍યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્‍કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. 

મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો
ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહીમા એટલે જ મેળા, મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો, શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમન્યનો મેળો છે.  અહીં હીમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધપુરૂષો, કાશ્મીરથી કન્‍યા કુમારી સુધી પગપાળા યાત્રા કરનારા પરિવ્રાજક(સન્‍યાસી)ઓ, અખાડાઓનાં સંતો મહંતોનાં દર્શન થાય છે. તેમની સાથે જો વાત કરવાની તક મળે તો ધ્યાનમાં આવે કે તેઓ જ્ઞાન અને અનુભવોનો સાક્ષાત હિમાલય છે. આટલી વિદ્વત્તા હોવા છતા નમ્રતા, પ્રીતિસભર દ્રષ્‍ટી સહુ કોઇને પોતાનામાં સમાવી લેનારા સાગર જેવડી વિશાળ હોય છે.  

રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા
ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે. ગીરનારની મહંતાઇ ધરાવતા મુકતાનંદજી મહારાજ, મહેશગીરીજી મહારાજ, હરિગિરીજી મહારાજ, શેરનાથજીબાપુ, મહાદેવગીરીજીબાપુ ઈન્દભારતીજી, શૈલજાદેવીજી સહિત સંતો તો કહે છે કે શિવરાત્રી મેળો એ તો ગ્રામિણ ખેડૂતોનો મેળો છે અહીં કૃષીકારો અગાઉના વખતમાં અનાજ લઇને આવે અને અન્નક્ષેત્ર દ્વારા લોકોને ભોજનપ્રસાદ પરસતા હવે વખત બદલાયો છે છતાં શિવરાત્રી મેળો એ તો ભજન-ભોજન અને ભક્તિનો જ મેળો બન્યો છે, યાત્રીકોની સેવા માટે અનેક ઉતારા મંડળો, સમાજશ્રેષ્ઠીઓ અન્નક્ષેત્રના માધ્યમે મેળાની ગરીમાને ઉંચાઇ બક્ષે છે.   
 
આમે સોરઠ પ્રદેશનાં લોકો તો ભગવાનને પણ અતિથી બનાવીને ભોજન કરાવી શકે એવી ક્ષમતા ધરાવે તેવા ઈતિહાસનાં પાને કીવદંતી સ્વરૂપ દાખલા સાંભળવા મળે છે. બિલખાનાં શગાળશા અને ચંગાવતી રાણી હોય કે ભક્ત નરસિંહ મહેતા હોય ઈશ્વરની આરાધના કરી ઈશ્વરને આંગણે નિમંત્રી શકે તેવી વાત સાંભળી છે ત્યારે સેવાની સરવાણી સમાન જૂનાગઢ જિલ્‍લામાં જ પરબવાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્‍યામનો મેળો, ચોરવાડનો ઝુંડનો મેળો, ગુપ્‍તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે. જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે ભગવાનને કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્‍વર્ગ ભુલાવુ શામળા ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્‍યભાવે નોતરૂ આપી શકે છે.

શિવરાત્રી એ શિવની કલ્‍યાણકારી રાત્રી મનાઇ છે
અહીં અજાણ્‍યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્‍યાને ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા  જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્‍લામાં થયા હોય એવી ધરાનું કેન્‍દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે. શિવ સ્‍વંભુ અને પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે. અગ્નીસ્‍તંભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્‍યદિવસ મનાયો છે. એટલે જ શિવરાત્રી એ શિવની કલ્‍યાણકારી રાત્રી મનાઇ છે. 

વર્ષ 5 થી 6 લાખ શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે...
મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્‍ધક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળ થી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્‍યાસી, સિધ્‍ધો અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્‍ને સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ પાંચ ભ નો સમન્‍વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ઠેક ઠેકાણે સાધુ સંતોની ધુણી ધખતી હોય, ભાવીકો મેળાનાં ભજનની સરવાણી પાન કરતા હોય, બાળકો, માતાઓ-બહેનો મેળાની સંસ્‍કારીતાની વાત રજુ કરે ત્‍યારે આ જૂનાગઢના અમર વારસા સમો મહાશિવરાત્રીનો મેળો દૈદિપ્‍યમાન બની રહે છે. શિવ સાથે આમેય સોમનાથથી ભવનાથ સુધીનો અનોખો મહિમા આ જીલ્‍લામાં રહ્યો છે. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્રએ પ્રભાસ તિર્થક્ષેત્રે મિલાપ. આવો જ ઇશ્વર સાથે એકાકરનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫ થી ૬ લાખ શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news