વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના પુત્ર મોત મામલે મોટો ખુલાસો, માતાએ કર્યા આ આક્ષેપ

વડોદરાના સમા વિસ્તારમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક 32 વર્ષનો પુત્ર વિવેક કરન અમદાવાદમાં ખાનગી કંપનીમાં એચઆરમાં ફરજ બજાવે છે

વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના પુત્ર મોત મામલે મોટો ખુલાસો, માતાએ કર્યા આ આક્ષેપ

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું નશાના ઓવરડોઝ કારણે મોત નીપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક યુવકની માતાએ તેમના પુત્રને જબરદસ્તી નશાના ઇન્જેક્શન લગાવી હત્યા કરી નાખ્યાનો આક્ષેપ કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

વડોદરાના સમા વિસ્તારમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક 32 વર્ષનો પુત્ર વિવેક કરન અમદાવાદમાં ખાનગી કંપનીમાં એચઆરમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાના સુમારે તે સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરતા સમા પોલીસ મથકના પીઆઇ ડો. બી.બી. પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઘટનાની જાણ વિવેક કરનના માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ રાધેકૃષ્ણ ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

આ બનાવને પગલે ફ્લેટના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે વિવેકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રૂમમાં રહેતી એક યુવતી તેમજ એક યુવાનને પોલીસ મથકમાં લાવી પૂછપરછ શરૂ કરી છે.. વિવેક કરનનું જે રૂમમાં મોત નીપજ્યું છે. તે રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ ઉપર ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓ પોલીસને મળી આવી.

મૃતક વિવેકના મોત મામલે તેની માતાએ ધ્રુસકે ધ્રુસકે રડી ગંભીર આક્ષેપો કર્યા જેમાં માતાનો આરોપ છે કે તેમના પુત્ર વિવેકને જબરદસ્તીથી નશાના ઇન્જેક્શન આપી હત્યા કરી નાખી છે. વિવેકના ગરદન અને હાથના ભાગે ઇજાના નિશાન છે. તમામ લોકો મળેલા છે. યોગ્ય તપાસ થવી જોઈએ.

સમા પોલીસે મૃતક વિવેકની મોત બાદ ફ્લેટ માલિક બલજીત રાવત, તેના મામા કૈલાશ ભંડારી, કૈલાશ સાથે લિવ ઈનમાં રહેતી નેહા ભંડારીની કડક પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત છે કે સયાજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ અનુસાર પોસ્ટમોર્ટમમાં યુવાનનું દારૂના ઓવરડોઝના કારણે મોત થયું હોવાનો થયો ખુલાસો થયો છે. ત્યારે પોલીસ હવે વિવેકે જાતે નશો કર્યો કે પછી તેને કોઈએ જબરદસ્તીથી નશાકારક ઇન્જેક્શન લગાવ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news