રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત
રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.
Trending Photos
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર ર, ૪ અને જ્યાં સેમેસ્ટર ૬ પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૯.૫૦ લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રીએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તૂરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ ૧૮ થી ૪૪ ની વયજૂથના લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસીકરણ થવાનું બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે