સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા

Surat Airport : સુરતમાં ફરી એકવાર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ... માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જે શારજાહની ફ્લાઈટ સાથે અથડાયો હતો 

સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા

Surat News સુરત : ગુજરાતનું સુરત એરપોર્ટ વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ પર થતી ઘટનાઓને કારણે મુસાફરોનો જીવ જોખમમાં મૂકાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી હતી. એરપોર્ટ પર શારજાહની ફ્લાઇટ ટ્રકને અડી જતા પ્લેનના વિંગ ડેમેજ થયા હતા. આ કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ દુર્ઘટનાને કારણે 162 મુસાફરો સમયસર શારજાહ પહોંચી શક્યા ન હતા. 

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. પરંતુ આ એરપોર્ટ પર સમયાંતરે કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે. ત્યારે બુધવારે મોડી રાતે વધુ એક દુર્ઘટનાથી સુરત એરપોર્ટનું નામ ખરાબ થયું છે. એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના થતા બચી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતાં થતાં માંડ બચી હતી. 

બુધવારે રાત્રે 11.15 નો સમય હતો, ત્યારે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. 

ટ્રક ચાલકની ભૂલને કારણે 162 મુસાફરોનો પ્રવાસ બગડ્યો હતો. કારણ કે, ફ્લાઈટ મોડી પડી હતી અને શુક્રવારે મળસ્કે 5 વાગ્યાની ફ્લાઈટમાં શારજાહ માટે રવાના કરાઈ હતી. 

અગાઉ પ્લેનના ટાયરની હવા નીકળી
આ પહેલા 2 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદથી સુરતના વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદથી સુરતની ફ્લાઈટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી. થોડા દિવસ પહેલા આ જ કંપનીના 9 સીટર પ્લેનમાં ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું. આ સમસ્યા થતા પાછળ આવી રહેલ ફલાઇટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી.

22 સપ્ટેમ્બર, 2023 ના રોજ સુરત એરપોર્ટ પર 9 સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતા રનવે બંધ કરાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં 6 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે 2 કલાક સુધી સુરત રનવે બંધ રાખવો પડ્યો હતો. રનવે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું. તો બીજા વિમાનને આકાશમાં 5 ચક્કર મારી લેન્ડ થવુ પડ્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news