બનાસકાંઠા જિલ્લાની 528 ગ્રામ પંચાયતના 6439 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થશે, જાણો કોણ બનશે તમારા સરપંચ
- કોણ બનશે તમારા ગામના સરપંચ?
- 528 ગ્રામ પંચાયતનું જાહેર થશે પરિણામ
- 6439 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થશે
- તાલુકા મથકોએ મતગણતરી થશે
Trending Photos
ઝી બ્યૂરો, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની 528 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્ય પદના 6439 ઉમેદવારોનું ભાવી આજે ખુલશે. જિલ્લાના 14 તાલુકા મથકોએ સવારે 9.00 કલાકેથી 137 ચૂંટણી અધિકારીઓ દ્વારા રાઉન્ડ મુજબ મતગતરી હાથ ધરાશે. જ્યાં પ્રથમ બેલેટ પેપર પછી વોર્ડના ઉમેદવારો અને તે બાદ સરપંચની મત ગણતરી હાથ ધરાશે. દરમિયાન મત ગણતરી સ્થળોએ 1200 પોલીસ, 200 એસ.આર.પી. અને 500 હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. મત ગણતરી, રીકાઉન્ટીંગ સહિતની પ્રક્રિયાઓને લઇને છેલ્લે 10.00 વાગ્યા પછી છેલ્લુ પરિણામ જાહેર થશે તેવી પણ શકયતાઓ જોવામાં આવી રહી છે.મત ગણતરીને લઇ અમદાવાદ હાઈવે ઉપર જતા-આવતા વાહનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ઝન અપાયું છે.
પાલનપુર: પ્રથમ પોસ્ટલ બેલેટની ગણત્રી થશે-
પાલનપુરમાં જગાણા એન્જિનીયરીંગ કોલેજ ખાતે સવારે 8.00 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. જે બાદ 72 ગ્રામ પંચાયતના સરપંચ- સભ્યોની મતગણતરી યોજાશે. જેમાં 12 ચૂંટણી અધિકારીઓ દ્વારા એક સાથે 12 ગ્રામ પંચાયતની મત ગણતરી થશે. 6 રાઉન્ડમાં મત ગણતરી પુરી કરવામાં આવશે. કુલ 250 કર્મચારીઓ આ મતગણતરીમાં જોડાશે. જેમના દ્વારા કુલ 248 મત પેટીઓમાંથી મત ગણવામાં આવશે.
દાંતા: એક રૂમમાં ચાર ગ્રામ પંચાયતો એક સાથે ગણાશે-
દાંતા ખાતે સરભવાનીસિંહ વિધાલયમાં 12 ચૂંટણી અધિકારી દ્વારા મત ગણતરી હાથ ધરાશે.એક રૂમમાં ચાર પંચાયત પ્રમાણે ગણતરી થશે.પ્રથમ વોર્ડ અને ત્યાર બાદ સરપંચની ગણત્રી થશે, 122 કર્મચારી, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, મતગણતરી સુપરવાઈઝર,મતગણતરી મદદનીશ એક અને બે સહીત અન્ય કર્મચારી રહશે.
વડગામ : એક સાથે 13 ગ્રામ પંચાયતોની ગણતરી થશે-
વડગામમાં વી. જે. પટેલ હાઈસ્કૂલમાં 13 ચૂંટણી અધિકારી, 13 મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા મત ગણતરી હાથ ધરાશે. પ્રથમ વોર્ડના સભ્ય અને પછી સરપંચના મતો ગણાશે. કુલ 180 કર્મચારીઓ ફરજ બજાવશે.
ભાભર: એક રૂમમાં 4 ગ્રામ પંચાયતોની ગણતરી થશે-
ભાભરની 20 પંચાયતની ચૂંટણીની મત ગણતરી મોડેલ સ્કૂલમાં યોજાશે. એક રૂમમાંથી 4 પંચાયતોની મતગણતરી કરાશે.સવારે 9 વાગ્યે મતગણતરી યોજાશે. 70 કર્મચારીઓ જોડાશે.પહેલા વોર્ડના સભ્યની બાદમાં સરપંચોની મત ગણતરી કરવામાં આવશે
ધાનેરા : ચાર રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે-
ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતની મત ગણતરી કે. આર. આંજણા કોલેજ ધાનેરા ખાતે હાથ ધરાશે. કુલ સાત ચૂંટણી અધિકારીઓ દ્વારા ચાર રાઉન્ડમાં મત ગણતરી પુરી કરાશે.
દાંતીવાડા: એક સાથે 6 પંચાયતોની મત ગણતરી હાથ ધરાશે-
દાંતીવાડામાં 15 ગ્રામપંચાયતોની ચૂંટણીની મતગણતરી આઈ.ટી.આઈ ખાતે થશે. જેમાં 6 ચૂંટણી અધિકારી, 6 મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા મત ગણતરી હાથ ધરાશે.
દિયોદર : સાત રાઉન્ડમાં મત ગણતરી થશે-
દિયોદરમાં 9 ચૂંટણી અધિકારી, 9 મદદનીશ અધિકારીઓ દ્વારા 7 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. પ્રથમ વોર્ડના સભ્યો પછી સરપંચની મત ગણતરી થશે.65 કર્મી રહશે.
અમીરગઢ : સભ્યોના પરિણામ પછી જાહેર થશે-
અમીરગઢ તાલુકાની 21 ગ્રામ પંચાયતની મત ગણતરી 6 ચૂ઼ંટણી અધિકારી, 6 મદદનીશ ચૂંટણી અધિકારીઅો દ્વારા હાથ ધરાશે. કુલ 70નો સ્ટાફ ફરજ બજાવશે. સૌ પ્રથમ સરપંચના મત ગણાશે. જોકે, સભ્યોનું પરિણામ જાહેર કરાયા બાદ સરપંચના મતો જાહેર કરવામાં આવશે. પોલીસ દ્વારા મત ગણતરી નજીક રોકડીયા હનુમાન સહિતના સ્થળે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. 97 સુરક્ષા કર્મીઓ દ્વારા બંદોબસ્ત ગોઠવાશે.
કાંકરેજ : એક સાથે 12 ગ્રામ પંચાયતોની મત ગણતરી થશે-
કાંકરેજની 43 ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી 12 ચૂંટણી અધિકારી અને 12 મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરાશે. 64 કર્મચારીઓ ફરજ બજાવશે.
વાવ: એક સાથે સાત ગ્રામ પંચાયતોની મત ગણતરી થશે-
વાવ ગ્રામ પંચાયતની 23 ગ્રામ પંચાયતો માટે સવારે 9.00 કલાકે 7 ચૂંટણી અધિકારી અને 7 મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ડીસા: 18 રાઉન્ડમાં મત ગણતરી થશે-
ડીસા તાલુકા ની 76 ગ્રામ પંચાયત ની રવિવારે યોજાયેલી ચૂટણી ની મતગણતરી સોમવારે ડીસાની એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે. જેમાં એક સાથે 18 રાઉન્ડમાં 18 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થશે.
થરાદ: 13 ગ્રામ પંચાયતોની એક સાથે ગણતરી થશે-
થરાદની 60 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી સવારે 9.00 કલાકે 13 ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરાશે. જે પાંચ રાઉન્ડમાં પુરી કરવામાં આવશે.
સુઇગામ : એક સાથે 4 ગ્રામ પંચાયતની મત ગણતરી થશે-
સુઇગામ તાલુકાની 19 પંચાયતના સરપંચ- સભ્યોની મતગણતરી 4 ચૂંટણી અધિકારી, 4 મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા શરૂ કરાશે. કુલ 39 કર્મચારીઓ ફરજ બજાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે