વલસાડનું કડિયા નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું! જાણો કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે કેમ છેડાયો વિવાદ

વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ખાતે ભરાતાં શ્રમિક બજારમાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોની મજૂરીનો ભાવ ફિક્સ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે વિવાદ

વલસાડનું કડિયા નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું! જાણો કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે કેમ છેડાયો વિવાદ

નિલેશ વ્યાસ/વલસાડ: શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો સામ સામે આવી ગયા છે. શ્રમિકોએ દૈનિક રોજીમાં વધારો માંગતા કોન્ટ્રાક્ટરોએ વિરોધ કર્યો છે અને બંને પક્ષો પોત પોતાની માંગ પર અડગ છે. આજથી બંને પક્ષો વચ્ચે વિવાદ વકરતા પરિસ્થિતિની ગંભીરતા ગંભીરતા જોઈ શહેરના કડિયા નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટરો અને શ્રમિકોના વિવાદમાં ચાલતા બાંધકામના પ્રોજેક્ટોને તેની અસર થઈ રહી છે.

બનાવની વિગત મુજબ વલસાડ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં બાંધકામ શ્રમિકો અને અન્ય શ્રમિકો તરીકે રોજીરોટી મેળવતા શ્રમિકોએ વર્તમાન સમયમાં મોંઘવારીને કારણે પોતાની દૈનિક રોજીમાં વધારાની માંગ કરી છે. પોતાની માંગ માટે શ્રમિકો એકઠા થયા હતા અને સંગઠન કરી હવેથી વર્તમાન દૈનિક રોજીમાં 150થી 200 અને તેથી પણ વધારેનો વધારાની માંગ કરી હતી.

જો નવી માંગ મુજબ દૈનિક રોજી આપવામાં નહીં આવે તો શ્રમિકો કામ નહીં કરે તેવો નિર્ણય લેવાયો હતો. સામે પક્ષે કોન્ટ્રાક્ટરો પણ આ મુદ્દે શ્રમિકોની જેમ સંગઠિત થયા હતા અને શ્રમિકોએ માંગેલો વધારો આપવો પોસાય તેમ નથી. જોકે શ્રમિકોની વ્યાજબી માંગ પર ધ્યાન આપી રૂપિયા 50નો વધારો આપવાની તૈયારી દર્શાવી હતી અને જો શ્રમિકો વધુ ભાવ વધારો માંગશે તો કોન્ટ્રાક્ટરો આગામી સમયમાં ચોક્કસ મુદતને હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષો પોતાની માંગ અને નિર્ણય પર અડગ છે.

આજથી આ વિવાદ વધતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ શહેરના કડિયા નાકાઓ પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે શરૂ થયેલા વિવાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા બાંધકામના પ્રોજેક્ટો પર તેની અસર થઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news