BJPનું મિશન 182 : અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના પેજ પ્રમુખ

BJPનું મિશન 182 : અમિત શાહ બન્યા નારણપુરા વિધાનસભા બૂથ નંબર 10ના પેજ પ્રમુખ
  • સીઆર પાટીલે તમામે તમામ 182 વિધાનસભા બેઠકો, 33 એ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે
  • ભારતીય જનતા પાર્ટી મિશન 182 પાર પાડવા માટે આખા  ગુજરાતમાં પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટ પર માટે કામ કરી રહી છે. 

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપમાં દિગ્ગજ નેતાઓના પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખની ટકોર બાદ હવે એક પછી એક નેતાઓ પોતાના વોર્ડના પેજ પ્રમુખ (page president) બની રહ્યાં છે. ત્યારે હવે આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) નું નામ ઉમેરાયું છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર 10 ના એક પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે. 

સીઆર પાટીલનું મિશન 182
ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં મિશન 182 ઘડાયું છે. લોકસભામાં ભાજપે એક વખત નહીં સતત બે વખત મિશન 26 પાર પાડીને એ બતાવી આપ્યું છે કે બૂથ મેનેજમેન્ટથી ચૂંટણીઓમાં 100 ટકા પરિણામ મેળવી શકાય છે. વર્ષ 2014માં અને વર્ષ 2019માં ગુજરાત ભાજપે લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી લીધી અને કોંગ્રેસ બંને વખત શૂન્યમાં આઉટ થઈ. આવો જ ચમત્કાર ગુજરાત ભાજપના સુકાની સીઆર પાટીલ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરવા માંગે છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠમાંથી આઠ બેઠકો જીતીને સીઆર પાટીલ એ સાબિત કરી ચૂક્યા છે કે ચૂંટણી જીતવામાં પેજ પ્રમુખની ભૂમિકા કેટલી મહત્વની હોય છે. એટલે જ સીઆર પાટીલે નેતાઓને પેજ પ્રમુખ બનવાની ટકોર કરી હતી. 

આ પણ વાંચો : બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ

સારુ પ્રદર્શન ન કરનાર પેજ પ્રમુખને જવાબ આપવો પડશે
આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પેજ પ્રમુખ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોય કે રૂપાણી સરકારના કેબિટને મંત્રીઓ હોય, ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો જ કેમ ના હોય... તેઓ મોદી સરકારની કેબિનેટમાં જ કેમ ના હોય... તમામ માટે પેજ પ્રમુખ બનવું ફરજિયાત છે. એટલું જ નહિ, સીઆર પાટીલે પેજ પ્રમુખની જવાબદારી પણ નક્કી કરી છે. જે પેજ પ્રમુખ પોતાના વૉર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તેને જવાબ આપવો પડશે. આ વાત કાર્યકરોને તાલીમ આપતી વખતે સીઆર પાટીલ વારંવાર કહી ચૂક્યા છે. ત્યાં સુધી કે વોર્ડમાં પેજ પ્રમુખનું પરફોર્મન્સ સારું નહીં હોય તો તે નેતાની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ કટ થઈ શકે છે. મતલબ કે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માટે પેજ પ્રમુખની કામગીરી કોઈ પણ પદ જેટલી જ મહત્વની છે. જો તે નિભાવવામાં કોઈ ઉણા ઉતરશે તો પાર્ટી જવાબ માગશે. 

સીઆર પાટીલે તમામે તમામ 182 વિધાનસભા બેઠકો, 33 એ 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં પેજ પ્રમુખ બનાવવાનું બીડું ઉપાડ્યું છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાતનાં અઢાર હજાર ગામડાંઓમાં આગામી એક અઠવાડિયામાં પેજ પ્રમુખની કામગીરી બાકી રહી ગઈ હશે તે પૂર્ણ કરાશે. 

શું છે પેજ પ્રમુખ અને તેની કામગીરી 
જે મતદાર યાદી હોય છે તેના દરેક પેજ પર 30 મતદારોનાં નામ છાપેલાં હોય છે. એ 30 મતદારો ક્રમબદ્ધ હોવાથી મોટાભાગે આસપાસ રહેતા અલગ અલગ પરિવારના સભ્યો હોય છે. આ 30 મતદારોનું જે પેજ હોય છે તેના પ્રમુખ ભાજપના કોઈ એક કાર્યકર બને છે અને દરેક ઘરના કોઈ એક મતદાર પેજ કમિટીના સભ્ય બને છે. પેજ પ્રમુખ કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ તેમના સુધી પહોંચાડે છે અને એકબીજા સાથે સંપર્કમાં રહે છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા કે મહાનગર પાલિકાની ચૂંટણી હોય, દરેક ચૂંટણીમાં પેજ પ્રમુખ બૂથ સુધી પોતાના પેજના મતદારોને મતદાન માટે લઈ જાય છે. પેજ પ્રમુખનું કામ હોય છે હાજર સભ્યોમાંથી 100 ટકા મતદાન થાય તે જોવાનું. પેજ પ્રમુખ સતત તેમના સંપર્કમાં હોવાથી એ જાણતા હોય છે કે 30માંથી કેટલા મતદાર ભાજપને મત આપશે. આના ઉપરથી પક્ષને જાણકારી મળે છે કે કયા વૉર્ડમાં અને કયા બૂથમાં તેમને મહેનત કરવાની જરૂર છે. એટલે કે ચૂંટણી જીતાડવા માટેની સૌથી મહત્વની જવાબદારી અને કામગીરી હોય છે પેજ પ્રમુખની. ભારતીય જનતા પાર્ટી મિશન 182 પાર પાડવા માટે આખા  ગુજરાતમાં પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટ પર માટે કામ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news